માઇરા (સેટી) Mira (Ceti) : તેજસ્વિતાનું આવર્ત પરિવર્તન ધરાવતો સૌપ્રથમ જાણવામાં આવેલો તારો. તેજસ્વિતામાં દીર્ઘ-કાલીન પરિવર્તન ધરાવતા તારાઓમાં ‘માઇરા’ નમૂનારૂપ તારો છે. તે ઠંડો, લાલ રંગનો વિરાટ તારો છે. તેનો વ્યાસ સૂર્ય કરતાં 460ગણો મોટો છે. તેની તેજસ્વિતામાં સરેરાશ 3.4થી 9.3 પરિમાણનું આવર્ત-પરિવર્તન થાય છે અને તેનો આવર્તનકાળ 332 ± 9 દિવસ છે; તેમ છતાં દરેક આવર્તન દરમિયાન તેજસ્વિતાનું પરિવર્તન એકસરખું નથી હોતું. કોઈ આવર્તનમાં એ ઘણો વધારે તેજસ્વી અથવા વધારે ઝાંખો થાય છે. તેની તેજસ્વિતા બીજા પરિમાણ જેટલી મહત્તમ અને પાંચમા પરિમાણ જેટલી ન્યૂનતમ થાય છે.

‘માઇરા’નો અર્થ ‘અદભુત’ (wonderful) થાય છે અને તેને ‘માઇરા સેટી’ કહેવાય છે; કારણ કે એ Cetus (the whale) અર્થાત્ ‘તિમિ’ નક્ષત્રમાં આવેલો છે. 1596માં ડી. ફેબ્રિસિયસે (D. Fabricius) આ તારો નરી આંખથી શોધી કાઢ્યો હતો.

કેટલાક દીર્ઘકાલીન પરિવર્તનશીલ તારાઓને તેમના નજીકના સાથી તારા (companion stars) હોય છે. માઇરા પણ આ પ્રકારનો તારો છે. 1922માં એ. એચ. જૉય નામના ખગોળવિજ્ઞાનીએ માઇરાના વર્ણપટની લાક્ષણિકતાઓને આધારે આગાહી કરી હતી કે માઇરાને તેનો સાથી તારો હોવો જોઈએ, જે 1923માં આર. જી. એઇટકને (R. G. Aitken) શોધી કાઢ્યો હતો. VZ Ceti નામનો આ સાથી તારો પણ પરિવર્તનશીલ છે, જે વધારે ગરમ, ભૂરા રંગનો મુખ્ય શ્રેણીનો તારો છે. VZ Cetiની તેજસ્વિતાનું પરિવર્તન 9.5થી 12.0 પરિમાણના ગાળામાં થાય છે. જ્યારે એ તેજસ્વી હોય છે ત્યારે ખાસ કરીને જો એ સમયે ‘માઇરા’ ઝાંખો હોય તો, તેની (માઇરાની) તેજસ્વિતા ઉપર અસર થાય છે.

પરંતપ પાઠક