માઇનહૉફ, અલરિક (જ. 1934, ઑલ્ડનબર્ગ, જર્મની; અ. 1976) : જર્મનીનાં મહિલા આતંકવાદી. અભ્યાસકાળ દરમિયાન તેઓ જર્મનીનાં અણુશસ્ત્રોના નિ:શસ્ત્રીકરણની પ્રખર ઝુંબેશ ચલાવતાં હતાં. ડાબેરી પત્રકાર તરીકે તેમનું ખૂબ માન હતું. પરંતુ જેલવાસી આતંકવાદી આંદ્રે બૅડરની મુલાકાત લેતી વખતે તેઓ તેમના પ્રભાવ હેઠળ આવ્યા અને ઉદ્દામવાદી સામાજિક સુધારા લાવવા માટે હિંસાનો બળપ્રયોગ અનિવાર્ય છે એવી વિચારધારામાં માનતાં થયાં. 1970માં તેમણે બૅડરને છોડાવવામાં સહાય કરી અને બંનેએ સાથે મળીને શહેરોમાં ભૂગર્ભ ગેરીલા પ્રવૃત્તિનું સંચાલન કરી યુદ્ધોત્તર જર્મનીની ભૌતિકવાદી વ્યવસ્થા સામે ઘાતકી હુમલા કરી ભારે આતંક મચાવ્યો.
1972માં તેમની ધરપકડ કરાઈ અને 1974માં તેમને 8 વર્ષની જેલની સજા થઈ. અતિસુરક્ષિત જેલમાં રખાયા પછી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
મહેશ ચોક્સી