માઇન કામ્ફ (‘માય સ્ટ્રગલ’) : જર્મન સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે મૂળ જર્મનમાં લખેલ રાજકીય સિદ્ધાંતોનું ઘોષણાપત્ર તેમજ/આત્મકથા. જર્મનીના ત્રીજા રાઇકના સમયમાં આ ગ્રંથ નૅશનલ સોશ્યાલિઝમ એટલે કે નાઝીવાદનું બાઇબલ બની રહ્યો. હિટલરરચિત આ એક જ સળંગ ગ્રંથ સુલભ છે. આ રચનાના 1925 અને 1927માં 2 ગ્રંથો પ્રગટ થયા હતા. 1930માં તેની સંક્ષિપ્ત આવૃત્તિ બહાર  પડી હતી. 1939 સુધીમાં તેની 52,00,000 નકલો વેચાઈ હતી અને 11 ભાષાઓમાં તેનો અનુવાદ થયો હતો.

પ્રથમ ગ્રંથનું શીર્ષક છે. ‘ધ સેટલમેન્ટ ઑવ્ અકાઉન્ટ્સ’ અથવા ‘રિવેન્જ’. 1923માં ‘બિયર હૉલ પુત્શ (બળવો)’ નિષ્ફળ નીવડ્યા પછી હિટલરને લૅન્ડઝબર્ગ એમ લેચ ખાતે બવેરિયાના કિલ્લામાં કેદ રાખવામાં આવ્યા હતા ત્યાં આ પ્રથમ ગ્રંથ લખાયો હતો. તેમાં હિટલરનું યુવાવસ્થાનું જગત, પ્રથમ વિશ્વયુદ્ધ અને 1918માં થયેલા જર્મનીના પતન વિશે આલેખન છે. તેમાં હિટલરની જાતિવાદી વિચારધારાનું પણ નિરૂપણ છે. તેઓ આર્ય પ્રજાને ‘જીનિયસ’ એટલે કે અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવનાર જાતિ તરીકે નિર્દેશે છે અને યહૂદીઓને પરાવલંબી અને આપમતલબી ઠેરવે છે. વળી સ્લાવ પ્રજાને તગેડીને તેમના ભોગે તેઓ જર્મન પ્રજાને વસવાટ મેળવવાની મોકળાશ શોધી કાઢવા હિમાયત કરે છે અને રશિયાના માર્કસવાદ પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરે છે. તેમણે આ પુસ્તકમાં ફ્રાન્સ સામે વેર લેવાનો પણ અનુરોધ કર્યો છે.

‘ધ નૅશનલ સોશ્યાલિસ્ટ મૂવમેન્ટ’ નામનો બીજો ગ્રંથ, હિટલર જેલમાંથી મુક્ત થયા પછી ડિસેમ્બર 1924માં લખાયો હતો. તેમાં રાજકીય કાર્યક્રમની રૂપરેખા આલેખાઈ છે. આ ગ્રંથમાં નૅશનલ સોશ્યાલિઝમે સત્તા હાંસલ કરવા માટેની તેમજ ત્યારપછી નવા જર્મનીમાં અમલમાં મૂકવાની ત્રાસવાદી પદ્ધતિઓની વિગતો અપાઈ છે.

શૈલીની ર્દષ્ટિએ ‘માઇન કામ્ફ’માં આડંબરી ભાષા, શબ્દોનું પુનરાવર્તન, વિચારોની અસંગતતા અને અતાર્કિક રજૂઆત હોવાનો તેમજ તેની પ્રથમ આવૃત્તિમાં તો વ્યાકરણની ભૂલો પણ હોવાનો અધિકૃત અભિપ્રાય છે. એમાંની બધી લાક્ષણિકતાઓમાંથી લેખકનું જે ચિત્ર ઊપસે છે તે એક અર્ધશિક્ષિત વ્યક્તિનું છે. અલબત્ત, તેમાં ઉગ્ર રાષ્ટ્રવાદીઓ તેમજ સેમિટિક(યહૂદી)વિરોધી, લોકશાહીવિરોધી તથા માર્કસવાદવિરોધી જેવાં જર્મનીનાં અસંતુષ્ટ વર્તુળોની લાગણીઓ ઉશ્કેરાય તેવું લખાણ ચાતુરીપૂર્વક અને યુક્તિ-પુર:સર પ્રયોજાયું છે.

મહેશ ચોકસી