માંસાહારી પ્રાણીઓ

February, 2002

માંસાહારી પ્રાણીઓ (Carnivora) : ખોરાક તરીકે મુખ્યત્વે માંસનું ભક્ષણ કરનાર સસ્તન વર્ગ(class)નાં પ્રાણીઓની એક શ્રેણી (order). સસ્તન વર્ગનાં જરાયુવાળાં કે ઓરધારી (placentals) સસ્તનોની એક શ્રેણી માંસભક્ષી(Carnivora)માં માંસાહારી સસ્તનોનો સમાવેશ થાય છે; જે બધાં શિકારી હોવાથી તેમનાં શરીર શિકાર કરવા, પકડવા તથા ખાવા માટે અનુકૂળ થયેલાં જોવા મળે છે. આવાં પ્રાણીઓની ઉત્પત્તિ કીટભક્ષી(Insectivora) સસ્તનોમાંથી થયેલી જણાય છે. તેમના વિશિષ્ટ પ્રકારના દાંત તેમને અન્ય સસ્તનોથી અલગ પાડે છે. આવાં પ્રાણીઓમાં કૂતરાં, બિલાડી, વાઘ, સિંહ, રીંછ, વૉલરસ, સીલ વગેરેનો સમાવેશ થાય છે. તેમના દાંત શિકારના માંસને કાપવા તથા ચીરવાની ખાસિયતો ધરાવે છે. તેમના છેદક કે કૃંતક (incisors) દાંત નાના હોય છે અને તેમની સંખ્યા જડબાંની દરેક બાજુએ ત્રણ ત્રણની હોય છે.

આકૃતિ 1 : માંસાહારીનાં જડબાં (Jaws of carnivora)

રાક્ષી દાંત (canines) લાંબા અને અણિયાળા હોય છે. અગ્ર દાઢ તીક્ષ્ણ ધારદાર હોય છે. ઉપલા જડબાની છેલ્લી અગ્ર દાઢ અને નીચલા જડબાની પ્રથમ દાઢની ધાર તીક્ષ્ણ હોય છે અને કાતરનાં પાંખિયાંઓની જેમ કામ કરે છે. આ પ્રકારના દાંતને કર્તનકારી (sectorial અથવા carnassial) દાંત કહે છે. માંસભક્ષી પ્રાણીના પગમાં ઓછામાં ઓછી ચાર નહોરદાર આંગળીઓ હોય છે. જડબાં અને ગરદનના સ્નાયુઓ સુવિકસિત હોય છે. નીચેનું જડબું માત્ર ઉપર-નીચેની તરફ જ હાલી શકે છે, બાજુ તરફ હાલતું ન હોવાથી જડબામાં પકડાયેલો શિકાર સરકી કે છટકી શકતો નથી.

માંસભક્ષી શ્રેણી બે ઉપશ્રેણીમાં વહેંચાયેલી છે : 1. યુક્તાંગુલિ (Pinnipedia) અને 2. મુક્તાંગુલિ (Fissipedia).

યુક્તાંગુલિ : આ માંસાહારીઓ સમુદ્રમાં વસે છે અને તેમના શરીરમાં, પાણીમાં જીવવા માટેનાં અનુકૂલનો જોવા મળે છે. તેમના પ્રત્યેક પગની આંગળીઓ ચામડી વડે ઢંકાઈ ગયેલ હોઈ ફટકિયાં (flippers) જેવી રચના કરે છે, જે તરવા માટે હલેસાંનું કામ આપે છે. પૂંછડી ટૂંકી હોય છે. તે કર્તનકારી દાંત ધરાવતાં નથી. છેદક દાંતની સંખ્યા પણ 3/3 કરતાં ઓછી હોય છે. આ પ્રકારનાં પ્રાણીઓમાં સીલ, વૉલરસ તથા દરિયાઈ સિંહ(sea lion)નો સમાવેશ થાય છે.

(અ)

(આ)

(ઇ)
આકૃતિ 2 : (અ) ફરસીલ, (આ) દરિયાઈ સિંહ, (ઇ) હાથીસીલ.

સીલ બધા જ મહાસાગરોમાં જોવા મળે છે; તેની સામાન્ય જાતિ Phoca greenlandia છે. તેને કર્ણપલ્લવ હોતાં નથી. પુખ્ત સીલની લંબાઈ લગભગ 2 મીટર જેટલી હોય છે. તે પ્રજનનઋતુમાં કિનારે આવે છે અને જમીન પર ફટકિયાંની મદદથી ઘસડાય છે. પાણીમાં તે ઝડપથી તરી શકે છે. સીલનું બચ્ચું 15 મિનિટ સુધી પાણીની સપાટી નીચે રહી શકે છે, જ્યારે પુખ્ત લાંબો સમય રહી શકે છે; પરંતુ શ્વાસ લેવા સપાટી પર તો આવવું જ પડે છે. સીલ જૂથમાં રહે છે તથા જાતજાતના અવાજ પણ કાઢે છે. જ્યારે તે પાણીની બહાર માથું કાઢે છે ત્યારે મૂછોના કારણે તેનો ચહેરો દમામદાર લાગે છે. સીલ દરિયાઈ પક્ષીઓ અને અન્ય દરિયાઈ પ્રાણીઓ ખાય છે. સીલની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે, જેને બ્લબર કહે છે.

દરિયાઈ સિંહ(Ottaria jubata)ને નાનકડાં કર્ણપલ્લવ હોય છે; જ્યારે વૉલરસ(Trichechus sp.)ને દંતશૂળ, જેમના વડે તે ખડકોમાંથી શંખલાં-છીપલાં ખોદી કાઢીને ખાય છે તથા દંતશૂળ ભરાવી બરફ પર આસાનીથી ચઢી જાય છે. તેના હોઠ પાસે ભરાવદાર મૂછો જોવા મળે છે, જે સંવેદનશીલ હોય છે.

મુક્તાંગુલિ : આ માંસાહારીઓની આંગળીઓ છૂટી તથા નહોરયુક્ત હોય છે. નહોરને ગિલાફ(sheath)માં પાછા ખેંચી શકાય છે. આ ઉપશ્રેણી બે અધિકુળ (superfamily) – (1) એલ્યુરોઇડી અને (2) આર્કટોઇડીમાં વિભાજિત છે.

એલ્યુરોઇડી અધિકુળ કુલ 4 કુળ(family)નું બનેલું છે : (1) માર્જાર (Felidae), (2) ગંધબિલાવ (Viveridae), (3) નકુલ (Herpestidae) અને (4) તરક્ષુ (Hyaenidae).

માર્જાર (Felidae) : આ કુળ ઘરબિલાડી, વાઘ, સિંહ, દીપડો, ચિત્તો વગેરેનું બનેલું છે. આ બધાંને એક પ્રકારની બિલાડીઓ ગણવામાં આવે છે. સર્વ માંસભક્ષી સસ્તનો પૈકી તેઓ સૌથી વધુ શિકારી તથા ધ્યાનાકર્ષક છે. તેમના ધારદાર નહોર તરફડતા શિકારને પકડી રાખવા સક્ષમ હોય છે. દાંત શિકારને પકડવા, કાપવા, તોડવા તથા ચાવવા માટે અનુકૂલન પામેલા હોય છે. આમ દાંત અને નહોરના વિકાસની બાબતમાં બિલાડીઓ બધાં જ માંસાદ પ્રાણીઓમાં સર્વોપરી છે. તે ઉપરાંત તેમનાં તાકાત, સ્ફૂર્તિ અને દેહલાલિત્ય અજોડ હોય છે. શિકારી તરીકેની સંપૂર્ણ સજ્જતા તેઓ ધરાવે છે. શ્રવણ, ઘ્રાણ અને ર્દષ્ટિની શક્તિ તેમનામાં સુવિકસિત હોય છે. શિકાર માટે તેઓ ર્દષ્ટિનો ઝાઝો ઉપયોગ કરે છે. આ પ્રાણીઓ આંગળીઓ તથા પંજા પર ચાલે છે, તેથી કૂદવા તથા દોડવામાં ઝડપ આવે છે. પંજા ગાદીવાળા હોવાથી તેમની ચાલ અવાજરહિત હોય છે. નહોર ખેંચી લઈ શકાતા હોવાથી ચાલ દરમિયાન ઘસાઈ જતા નથી. શિકારને તરાપ મારી ગળામાંથી પકડી ગૂંગળાવીને મારી નાખવાની રીત બિલાડીઓમાં સામાન્ય છે.

માર્જાર કુળના વાઘ (Panthera tigris), સિંહ (P. leo), દીપડો (P. pardus), બરફીલો દીપડો (P. uncia), સોનેરી બિલાડી (Felis temmincki), માછીમાર બિલાડી (F. viverrina), દીપડાઈ બિલાડી (F. benghalensis), જંગલી બિલાડી (F. chaus), હિણોત્રો (F. caracal), ચિત્તો (Acinonyx jubatus) જેવાં પ્રાણીઓ ભારતમાં વસે છે. તે પૈકી ચિત્તાનો લગભગ નાશ થઈ ગયેલ હોવાથી આપણા દેશમાં હવે કુદરતી અવસ્થામાં તે ક્યાંય જોવા મળતો નથી. અન્ય ઘણાં બિલાડી-સમૂહનાં પ્રાણીઓ નષ્ટપ્રાય અવસ્થામાં છે.

ગંધબિલાવ : આ કુળમાં વણિયર (civet) અને તેના જેવાં સસ્તનોનો સમાવેશ થાય છે. વણિયરનું શરીર લાંબું જ્યારે પગ પ્રમાણમાં ટૂંકા હોય છે. એનાં માથું અને મોં લાંબાં હોય છે. બધાં વણિયર સંપૂર્ણપણે માંસાહારી હોતાં નથી; કેટલીક જાતિઓ તો મુખ્યત્વે વનસ્પતિ-આહારી હોય છે. ગામડાંઓમાં ઘરમાં ઘૂસી જતું વણિયર ગોળ ખાઈ જવા માટે જાણીતું છે. આ કુળનાં પ્રાણીઓ સ્વરક્ષણ માટે તેમની ગુદા પાસે આવેલી ગ્રંથિમાંથી પીળાશ પડતા રંગના પ્રવાહીની પિચકારી શિકારી પર છોડે છે; આ પ્રવાહી અતિશય દુર્ગંધવાળું હોવાથી વણિયરને છટકી જવામાં મદદરૂપ થાય છે. વણિયરની કેટલીક જાતિઓ માનવવસાહતોમાં રહેવા ટેવાઈ ગઈ છે. આવી કેટલીક જાતિઓ કૉફી તથા પીપળાનાં ફળ ખાતી હોવાથી હગાર વાટે વનસ્પતિના ફેલાવામાં મદદ કરે છે; કેટલીક જાતિઓ ઉંદરની અચ્છી શિકારી હોવાથી ઉંદર-નિયંત્રણમાં મદદ કરે છે.

(અ)

(આ)

(ઇ)
આકૃતિ 3 : (અ) જંગલી બિલાડી, (આ) મારણ ઉપર દીપડો, (ઇ) સિંહ

આ કુળમાં મોટા ભારતીય વણિયર(Vivera zibetha) અને નાના ભારતીય વણિયર(Viverricula indica)નો તથા તાડ-બિલાડી (Paradoxurus hermaphroditus), હિમાલયી તાડ-વણિયર (Paguma larvata) અને રીંછ-બિલાડી(Arctictis binturong)નો સમાવેશ થાય છે.

નકુલ (Herpestidae) : આ કુળ નોળિયાઓનું બનેલું છે. ભારતમાં મદારીઓ નાગ-નોળિયાની લડાઈ બતાવતા હોવાથી નોળિયો જાણીતું પ્રાણી છે. તેનું શરીર પગના પ્રમાણમાં લાંબું હોય છે. તેની ચળકતા મણકા જેવી આંખો, તીણું મુખ અને લાંબી રૂંછાદાર પૂંછડી ધ્યાનાકર્ષક હોય છે. તેનાં કર્ણપલ્લવ નાનાં, અર્ધગોળાકાર અને કર્ણછિદ્રને બંધ કરી શકે તેવાં હોય છે. નોળિયો સાપના દરમાં પણ ઘૂસી શકે છે. નોળિયાની શિકાર પર ત્રાટકવાની ઝડપ અને આવડતના કારણે જ્યારે નાગ જેવો ઝેરી સાપ તેને દંશ દેવા ફેણ નીચે લાવે ત્યારે નોળિયો તુરત જ તેને મોંમાંથી જ પકડી લઈ મારી નાખે છે. સાપ કરડવાથી કેટલાક નોળિયા મરી પણ જાય છે.

તરક્ષ (Hyaenidae) : તરક્ષ કુળમાં જરખ(Hyaena)નો સમાવેશ થાય છે. તેના પગ કૂતરા જેવા; પરંતુ ખોપરી, દાંત વગેરે બિલાડી જેવાં હોય છે. દેખાવે તદ્દન ભદ્દું અને અનાડી દેખાતું આ પ્રાણી પહોળાં અને ખૂબ જ મજબૂત જડબાં અને અણિયાળા કાન ધરાવે છે. તેના શરીરનો બાંધો ઝડપી દોડવા કે આક્રમણ કરવા માટે નકામો છે; તેથી અન્ય પ્રાણી દ્વારા થયેલા શિકાર કે મડદાને ખોળીને તે ખાય છે. તેથી તેને મડદાખાઉ કે અપમાર્જક કહેવામાં આવે છે. જરખનાં જડબાં ગમે તેવાં કઠણ હાડકાંને તોડી શકવા સમર્થ હોય છે.

આકૃતિ 4 : જરખ

જરખની બે પ્રજાતિ છે : (1) Hyaena પ્રજાતિમાં બદામી જરખ અને પટાદાર જરખ – એમ બે જાતિ છે. (2) Crocuta પ્રજાતિમાં ટપકાળા જરખની જાતિ છે. પટાદાર જરખ (Hyaena hyaena) ભારત ઉપરાંત ઈરાન, ઇરાક અને ઉત્તર આફ્રિકામાં જોવા મળે છે જ્યારે તેની કેટલીક જાતિઓ માત્ર આફ્રિકામાં જોવા મળે છે.

જરખને ગામની આસપાસના ઉકરડાઓ પણ આકર્ષે છે. તે કૂતરાં, ઘેટાં-બકરાંનાં બચ્ચાં તેમજ મરઘાં-બતકાંને ઉપાડી જાય છે.

આર્કટોઇડી અધિકુળ છ કુળનું બને છે : (1) શ્વાન (Canidae), (2) રીંછ (Ursidae), (3) જાયન્ટ પાન્ડા (Ailuropodidae), (4) કૅટ પાન્ડા (Ailuridae), (5) જળબિલાડી (Mustalidae) અને (6) રૅકૂન્સ (Procyonidae).

શ્વાન : તેમાં પાલતુ તથા વન્ય કૂતરાં, વરુ, શિયાળ તથા લોંકડી જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ બધાં જ પ્રાણીઓ સામાજિક જીવન જીવે છે.

(અ)

(આ)

(ઇ)

(ઈ)
આકૃતિ 5 : (અ) વરુ, (આ) શિયાળ, (ઇ) લોંકડી, (ઈ) જંગલી કૂતરું

આ પ્રાણીઓના પગ પાતળા, લાંબા, બૂઠા અને સીધા નહોરવાળા હોય છે. સામાન્ય રીતે આગળના પગમાં પાંચ અને પાછળના પગમાં ચાર આંગળીઓ તેઓ ધરાવે છે. બધાંયનાં શરીરના રંગ રતાશ કે પીળાશ પડતા બદામી હોય છે. સ્વાભાવિક રીતે તે નાનાં-મોટાં પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાંક મૃત પ્રાણીઓનું માંસ તથા વનસ્પતિજ ખોરાક પણ ખાય છે. શરૂઆતથી કૂતરો માણસનો વફાદાર સાથી રહ્યો છે.

શ્વાનની સૂંઘવાની શક્તિ અતિશય તીવ્ર હોવાથી તેઓ શિકારની ગંધ પારખી તેનો પીછો કરે છે અને શિકારને ઘેરી લઈ તેની પર ચારે કોરથી હુમલો કરે છે. આ પ્રાણીઓ જૂથમાં રહેતાં હોવાથી શિકાર કરવામાં તથા પોતાનું રક્ષણ કરવામાં સફળ રહે છે. વરુ (Canis lupus), શિયાળ (C. aureus) અને લોંકડી (Vulpes bengalensis) ભારતમાં બધે જ મળે છે. ભારતીય ધોળ કે વન્ય કૂતરા પણ જાણીતા છે. વરુ તથા કોયોટી ઉત્તર ધ્રુવ નજીકનાં બરફીલાં મેદાનોમાં પણ શિકાર કરે છે. આફ્રિકામાં પણ વન્ય કૂતરાની તથા શિયાળની જાતિઓ વસે છે.

આકૃતિ 6 : રીંછ

રીંછ : તે ઓળખાઈ જાય તેવું પ્રાણી છે. ભારતમાં ત્રણ પ્રકારનાં રીંછ વસે છે. સામાન્ય રીંછ (Sloth bear), બદામી રીંછ અને હિમાલયનું કાળું રીંછ. ઉત્તર ધ્રુવ પાસે સફેદ રીંછ (polar bear) મળે છે. જીવાશ્મો પરથી એવું જણાય છે કે કૂતરા અને રીંછ એક સામાન્ય પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલાં છે. રીંછની જીવનપદ્ધતિ નોખી છે. તે ઘાસ, દળદાર મૂળિયાં, ફળ, જીવાત, ઊધઈ, માંસ – બધું જ ખાય છે. મધ અને મહુડાનાં ફૂલ તેનો પ્રિય ખોરાક છે. આ બધા ખોરાક માટે તેને ઝડપથી દોડવાની કે શિકાર કરવાની જરૂર પડતી નથી. તેના પગ ઝાડ પર ચડવા તથા ખોદવા માટે અનુકૂલિત થયેલા હોય છે. રીંછની ઘ્રાણશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. તેના પરથી તે ખોરાક ગોતી લે છે. તે પાદતલચારી (plantigrade) હોવાથી તેનાં પગલાં માણસ જેવાં દેખાય છે. ભારતમાં સામાન્ય રીતે જોવા મળતું રીંછ Melursus ursinus ursinus અત્યંત જાણીતું છે, પરંતુ તેની વસ્તી ઘટી જવા પામી છે.

જાયન્ટ પાન્ડા (Ailuropodiae) : આ કુળનું પ્રાણી (Ailuropoda melanoleuca) મ્યાનમાર (બ્રહ્મદેશ) અને ચીનમાં જોવા મળે છે. જાયન્ટ પાન્ડાની સંખ્યા અત્યંત ઘટી જવા પામી છે. તેનું માથું ગોળ, શરીર ભારે અને પગ ટૂંકા હોય છે. તે પાદતલચારી હોવાથી બાહ્ય રીતે રીંછને મળતું આવે છે. તેના પગનાં તળિયાં વાળવાળાં હોય છે.

કૅટ પાન્ડા (Ailuridae) : આ કુળમાં કૅટ બેર (Ailurus fulgens) તરીકે ઓળખાતાં નિશાચર પ્રાણીઓ હિમાલયમાં નેપાળ, સિક્કિમ, ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ ચીનમાં વસે છે. તેઓ 1,500 મીટરથી વધુ ઊંચાઈવાળા પ્રદેશોમાં રહેવું પસંદ કરે છે. ગોળ માથું, મોટાં કડક અણિયાળાં કર્ણપલ્લવ, ટૂંકો મહોરો અને વાળવાળા ટૂંકા પગને કારણે આ પ્રાણીઓ કૅટ બેર તરીકે જાણીતાં છે. તેમના શરીરનો ઉપરનો ભાગ રાતા રંગનો હોવાથી તેમને રેડ પાન્ડા પણ કહે છે. તેમનો ખોરાક મૂળ, પાંદડાં, ઘાસ, ફળ, ઈંડાં, કીટકો, કીડા વગેરેનો હોય છે.

જળબિલાડી (Mustelidae) : આ કુળમાં વીઝલ (weasel), બૅજર (badger), જળબિલાડી (otter), માર્ટેન (marten), ફેરેટ બૅજર (ferret badger) અને ઘોરખોદિયું (ratel or honey badger) જેવાં એકબીજાંથી ભિન્ન દેખાતાં પ્રાણીઓનો સમાવેશ થાય છે.

(અ)

(આ)

(ઇ)
આકૃતિ 7 : (અ) જલમાજાર્ર્ર (Otter), (આ) વીઝલ (Weasel), (ઇ) વાલરસ (Walrus)

જળબિલાડી (Lutra lutra) પાણીમાં રહેવા તથા શિકાર કરવા માટે અનુકૂળતા ધરાવે છે. તેનો ખોરાક મુખ્યત્વે માછલીનો હોય છે. તે યુરોપ અને ઉત્તર આફ્રિકામાં તથા ભારતમાં હિમાલય, કાશ્મીર, દખ્ખણ અને ગુજરાતમાં નર્મદા નદીમાં જોવા મળે છે. દુનિયામાં જોવા મળતી જળબિલાડીની 12 જાતિઓ પૈકી ત્રણ ભારતમાં વસે છે : એલ. લ્યુટ્રા (L. lutra), સ્મૂધ ઇન્ડિયન ઑટર (L. perspicillata) અને ક્લૉલેસ ઑટર (Aonyx cinerea).

માર્ટેન(Maries toina)નું શરીર બિલાડી અને ખિસકોલીનાં લક્ષણોવાળું હોવાથી તે જમીન પર તથા વૃક્ષ પર જીવી શકે છે. રંગ સ્લેટિયો બદામી હોય છે. અન્ય પીતકંઠ માર્ટેન(M. flavignla)નો કંઠ પરનો પીળો પટો ધ્યાનાકર્ષક હોય છે. માર્ટેન કાશ્મીર, સિક્કિમ, દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયામાં; જ્યારે પીતકંઠ માર્ટેન, આસામ, મ્યાનમાર, ચીન અને મલેશિયામાં મળે છે. અન્ય એક નીલગિરિ માર્ટેન (M. gwatkinsi) નીલગિરિ, કોડગુ અને કેરળમાં વસે છે.

હિમાલયનું વીઝલ (Mustela sibirica), પીળું વીઝલ (M. attaica), પટાદાર વીઝલ (M. strigidorsa), પીળા પેટવાળું વીઝલ (M. kathiah) અને એર્માઇન (M. erminea) જેવી વીઝલની જાતિઓ છે. તે જમીન પર રહે છે, પરંતુ વૃક્ષો પર આસાનીથી ચઢી શકે છે. તે ઉંદરનો પીછો કરી તેને દરમાંથી પકડી શકે છે. આને માટે અનુરૂપ તેનું માથું સાપ જેવું, કર્ણપલ્લવ નાનકડાં, લાંબું પૂંછડિયાળું શરીર અને ટૂંકા પગ હોય છે. તે દર અને ખાંચાખૂંચીમાં છુપાયેલાં પ્રાણીઓનો પણ શિકાર કરે છે. વીઝલ હિમાલય, મધ્ય અને પૂર્વ એશિયા, મ્યાનમાર તથા જાવામાં વસે છે.

પોલકૅટ (Vormela peregusna) રંગે કાબરચીતરી, બાંધામાં વીઝલ જેવી, પરંતુ દેખાવે તેનાથી ભારે અને મોટી હોય છે. તેનાં શરીર અને પૂંછડી વધુ રૂંવાદાર હોય છે. તેને ચહેરા પર કપાળ વચ્ચેથી તથા કાન પાછળથી સફેદ પટા પસાર થાય છે. પોલકૅટ બલૂચિસ્તાન, પૂર્વ અને મધ્ય યુરોપ, એશિયાના દક્ષિણ-પશ્ચિમથી મધ્ય ભાગ સુધી અને ચીનમાં જોવા મળે છે. તે ખુલ્લી મોકળાશવાળી જગાઓ, ખડકાળ ભૂમિ, કાંટાળાં જંગલ અને બાગ-બગીચાઓમાં રહે છે. ઉંદર, મરઘાં-બતકાંને પણ મારે છે. તિબેટમાં પોલકૅટની એક ઉપજાતિ વસે છે, જે કાશ્મીર સુધી વ્યાપેલી છે.

ઘોરખોદિયું (Mellivora capensis) ગુજરાતમાં જોવા મળે છે. તે વેંઝુ, બરટોડી કે ઘુરનાર તરીકે પણ ઓળખાય છે. તેનું શરીર પ્રમાણમાં ભારે, પૂંછડી અને પગ ટૂંકાં પણ મજબૂત અને નહોર જમીન ખોદવા માટે કામ આવે એવા હોય છે. ગુજરાતના ઘણા ભાગમાં વસતું આ પ્રાણી હવે વિરલ છે. હિમાલય, મલબાર કાંઠો, બંગાળ સિવાય તે બધે મળે છે. તે પક્ષી, સરીસૃપ, નાનાં સસ્તનો, જીવજંતુ, મધ વગેરે ખાય છે.

રૅકૂન (Procyonidae) : આ કુળમાં અમેરિકન રૅકૂનનો સમાવેશ થાય છે. તેની પ્રજાતિ Procyon છે. પાન્ડા જેવું મુખ અને બિલાડી જેવું શરીર, ટૂંકા પગ અને રૂંછડાંવાળી પૂંછડી ધરાવતું આ પ્રાણી ભારતમાં નથી.

સૌથી પ્રાચીન માંસાહારી મિયાસિડી (Miacidae) કુળના જીવાશ્મો પેલિયોસીન (Paleocene)–કાલખંડ(epoch)માંથી મળી આવે છે. તે કીટભક્ષી(Insectivora)માંથી ઉદભવ્યાં હોવાનું મનાય છે. ઉત્તરાર્ધમાં તેમની બે શાખાઓ ફેલોઇડી અને કેનોઇડી અસ્તિત્વમાં આવી. પ્રથમ શાખામાં બિલાડી, વણિયર, જરખ જેવાં પ્રાણીઓ જ્યારે બીજી શાખામાં કૂતરાં, રીંછ, રૅકૂન જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે.

વિનોદ સોની

મ. શિ. દૂબળે