મિકાડો-પૂજા : જાપાનના સમ્રાટની પૂજા. જાપાનના સમ્રાટનું બિરુદ મિકાડો છે. મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એવી દૃઢ માન્યતા જાપાની પ્રજામાં પ્રવર્તે છે. પવિત્રતા એ શિન્તો ધર્મની નૈતિકતાનો પાયો છે. જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાના પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા અપરાધોનાં પ્રાયશ્ચિત્ રૂપે દર છ મહિને સંસ્કારવિધિ યોજે છે. જાપાનની પ્રજા મિકાડોના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તેમજ રાજ્યમાં સદાય સુખ અને શાંતિ રહે એ માટે પ્રાર્થના કરે છે. દર વર્ષે મિકાડોના જન્મદિવસે દરેક કેળવણીની સંસ્થામાં સરકારી હુકમને માન આપીને એક પવિત્ર ઉત્સવ મનાવવામાં આવે છે અને તે વખતે સ્વદેશાભિમાનની ભાવનાને પોષણ આપી રાજાના ચિત્ર કે છબીને નમસ્કાર કરવામાં આવે છે. આ રીતે પોતાના રાજા અને રાષ્ટ્ર પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ