માંદગીનો વીમો

February, 2002

માંદગીનો વીમો : માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે વીમા કંપની દ્વારા ઉતારવામાં આવતો વિશિષ્ટ પ્રકારનો વીમો. દરેક વ્યક્તિને જીવનમાં અનિશ્ચિતતાઓ સતત સતાવતી હોય છે. આમાંની એક અનિશ્ચિતતા માંદગી ક્યારે આવશે અને તે કેટલો ખર્ચ કરાવશે તે અંગેની હોય છે. વીમા વ્યવસાયનું કામ અનિશ્ચિતતામાંથી પેદા થતા જોખમને પૉલિસી-હોલ્ડરો વચ્ચે વહેંચી આપવાનું છે. આ માટે વીમાવ્યવસાય તરફથી મેડિક્લેઇમ વીમાની સેવા આપવામાં આવે છે.

વીમા કંપની અને વીમાદાર વચ્ચે કરાર થાય અને તદનુસાર નક્કી કરેલી મુદત સુધી રક્ષણ આપવામાં આવે છે. નિર્ધારિત રકમની મેડિક્લેઇમ ઇન્શ્યૉરન્સ પૉલિસી દ્વારા આ રક્ષણ વીમાદારને એકલાને અથવા તેના પરિવાર(પતિ/પત્ની તથા બે બાળકો)ને, કરારમાં જે પ્રમાણે ઠરાવ્યું હોય તે પ્રમાણે, મળી શકે છે. વીમાની રકમ ઉંમર પ્રમાણે બદલાય છે. વીમાદારે નિર્ધારિત પ્રીમિયમની રકમ ચૂકવવાની હોય છે; તે ઉપરાંત નક્કી કરેલી શરતોનું પાલન પણ કરવાનું હોય છે.

ભારતમાં માંદગીના વીમામાં નીચેની બાબતો ધ્યાનપાત્ર છે : (1) વીમાદાર માંદગી વેળા હૉસ્પિટલમાં રહ્યો હોય તો ત્યાંનો અથવા ઘરમાં જ સારવાર લીધી હોય તો તે પ્રમાણેનો જે ખર્ચ થયો હોય તે ખર્ચ મજરે મળે છે. (2) દાવાનો સ્વીકાર થતાં કંપની વીમાદારને રજિસ્ટર નંબર ધરાવતી હૉસ્પિટલ અથવા નર્સિગ હોમમાં દાખલ થયા પછી થયેલો જે ખર્ચ ચૂકવે છે તે આ પ્રમાણેનો હોય છે : (i) જનરલ, સેમિસ્પેશિયલ કે, સ્પેશિયલ રૂમ, આઇ. સી. યુ. અથવા એ. સી. રૂમનો ખર્ચ, (ii) ડૉક્ટરની સલાહ મેળવવામાં થયેલો ખર્ચ, (iii) જરૂર પડ્યે નિષ્ણાત ડૉક્ટરને મદદ માટે તેડાવ્યાથી થયેલો ખર્ચ, (iv) ઍનેસ્થેસિયાનો ખર્ચ, (v) જે તે રોગને લગતી દવાઓનો તમામ ખર્ચ, (vi) ઑક્સિજન અંગેનો ખર્ચ, (vii) લોહીની બૉટલો અને ગ્લુકોઝ-બૉટલોનો ખર્ચ, (viii) ઍક્સ-રેનો ખર્ચ, (ix) પૅથૉલૉજી અને અન્ય લૅબોરેટરીઓનો ખર્ચ અને (x) જે તે રોગને લગતા ખર્ચા ઉપરાંત અન્ય કોઈ પણ ખર્ચ; પરંતુ તેમાં નિસર્ગોપચારથી થતી સારવારનો ખર્ચ મળી શકતો નથી. (3) વીમાદારને નીચેનામાંથી કોઈ એક અથવા વધારે સગાંના વીમા માટે કુલ પ્રીમિયમમાં 10 ટકાની છૂટ આપવામાં આવે છે : (i) પતિ/પત્ની, (ii) આશ્રિત બાળકો અને (iii) આશ્રિત માતાપિતા, (4) આ બધી જ સારવાર ભારતમાં થાય એ જરૂરી છે અને ભારતના ચલણમાં જ તે સારવારના ખર્ચની ચુકવણી થાય છે, (5) પૉલિસી હેઠળની લાભમર્યાદામાં પ્રત્યેક દાવારહિત વીમા વર્ષના 5 ટકા પ્રમાણે વર્ષોવર્ષ વૃદ્ધિ કરવામાં આવે છે, પરંતુ આ વૃદ્ધિની રકમ દસ દાવારહિત વીમાના વર્ષોથી વધુ હોતી નથી અને (6) આ વીમો વ્યક્તિની 5 વર્ષથી 75 વર્ષની મર્યાદામાં જ ઉતારવામાં આવે છે. પરંતુ જૂના વીમા ચાલુ રાખવામાં આવે છે.

અશ્વિની કાપડિયા