માંડુ (માંડવગઢ)

February, 2025

માંડુ (માંડવગઢ) : મધ્યપ્રદેશની પશ્ચિમે માલવા ને નિમાર પ્રદેશમાં આવેલું પ્રાચીન શહેર.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 22  20´ ઉ. અ. અને 75  24´ પૂ. રે. પર સ્થિત છે. જે સમુદ્રસપાટીથી આશરે 700 મીટરની ઊંચાઈએ આવેલું છે. માંડુ વિધ્યાચલ પર્વતીય હારમાળા સાથે સંકળાયેલ માળવાના ઉચ્ચપ્રદેશમાં છે. ભૌગોલિક દૃષ્ટિએ જેની ઉત્તરે ગંગાનું મેદાન, દક્ષિણે દક્ષિણનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. નીચી ટેકરીઓ, ઉચ્ચપ્રદેશ અને નર્મદાની શાખા નદીઓની ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. આ વિસ્તારમાં આવેલી કાકડા ખો ખીણ જે માંડુ અને માળવાના ઉચ્ચપ્રદેશને જુદા પાડે છે. આ માંડુની ચોતરફ ઊંડી ખીણ અને હરિયાળી પથરાયેલી છે. માંડુથી ઉત્તરે આશરે 237 કિમી. દૂર નર્મદા નદી વહે છે. કુદરતે અહીં અદભુત સૌંદર્ય નિખાર્યું છે.

આબોહવા : અહીંની આબોહવા અર્ધશુષ્ક પ્રકારની છે. ઉનાળો અતિશય ગરમ જ્યારે શિયાળો પ્રમાણમાં હૂંફાળો રહે છે. માંડવગઢના કોટને ફરતે અનેક સરોવર અને નાનાં તળાવો આવેલાં છે. જેથી ત્યાંના વાતાવરણમાં ઠંડક પ્રસરતી રહે છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધ પ્રકારની છે. વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન 24.7  સે. રહે છે. ઉનાળામાં – માર્ચથી જૂન માસ દરમિયાન તાપમાન 44  સે.થી 45  સે. સુધી પહોંચે છે. વર્ષાઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર માસના ગાળામાં વરસાદ અનુભવાય છે. મોટે ભાગે વર્ષ દરમિયાન અહીં સરેરાશ 929 મિમી. વરસાદ પડે છે. શિયાળાના સમયગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન તાપમાન 29  સે.થી 12  સે. જેટલું રહે છે. વાતાવરણ પ્રમાણમાં હૂંફાળું રહે છે.

વનસ્પતિ : માંડવગઢના પહાડી વિસ્તારમાં વનસ્પતિ ઉષ્ણકટિબંધીય સૂકા-પાનખર પ્રકારની છે. મોટે ભાગે આંબો, મહુડો, શિરીષ, ખાખરો, સીતાફળ, બોર, ખીજડો, ટીમરું, બાવળ વગેરે રહેલાં છે. ફક્ત આ જંગલમાં જ બાઓબાબ (Baobab) વૃક્ષો આવેલાં છે. જે ઇજિપ્ત તરફથી સુલતાનને ભેટ અપાયાં હતાં. વન્ય પ્રાણીઓમાં વાઘ, દીપડો, ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ, શિયાળ વગેરે છે. પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીઓની વિવિધતા રહેલી છે.

બાઓબાબ વૃક્ષ

અર્થતંત્ર : અહીં વસતા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. જેમાં ઘઉં, મકાઈ, બાજરી, ચણા જેવા ધાન્ય પાકો લે છે. રોકડિયા પાકોમાં શેરડી, કપાસ અને મગફળી છે. આ ખેતી સિવાય લઘુઉદ્યોગોમાં પણ લોકો રોકાયેલા છે. કપાસની જિનિંગ અને વિવિંગ ફૅક્ટરીઓ, ખાદ્યપ્રક્રમણના નાના એકમો આવેલાં છે. આ ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં ખનીજોની વિવિધતા રહેલી છે, પરંતુ વ્યાપારિક ધોરણે તે મેળવાતી નથી. તેમ છતાં ગેરકાયદેસર ખનન થતું રહે છે. અહીંના પ્રવાસન ઉદ્યોગને રાજ્ય સરકારે વધુ મહત્ત્વ આપ્યું છે. આથી અહીં હોટલ, ખાદ્યપ્રક્રમણના નાના એકમો, હૉસ્પિટલ, હસ્તકલાની ચીજવસ્તુઓની દુકાનો વગેરે દ્વારા અહીંના લોકો રોજીરોટી મેળવે છે.

વસ્તી – પરિવહન : અહીંની વસ્તી (2025 મુજબ) આશરે 15,000થી 18,000 જેટલી છે. વિસ્તાર 20 ચો.કિમી. જેટલો છે પરંતુ ઐતિહાસિક સ્થાપત્યો જે વિસ્તારમાં આવેલાં છે તે વિસ્તાર 13 ચો.કિમી. છે. માંડુ પહોંચવા કોઈ સીધો રેલમાર્ગ નથી. માંડુથી રતલામ 130 કિમી., ઇન્દોર 95 કિમી. અને ધાર 36 કિમી. દૂર છે. આ ત્રણેય સ્થળેથી રાજ્ય પરિહવનની બસો, ખાનગી બસો તેમજ ટૅક્સી દ્વારા અહીં પહોંચી શકાય છે.

જહાજ મહલ

જોવાલાયક સ્થળો : પંદરમી સદીમાં માળવાના સુલતાનોનું પાટનગર. માળવાના સુલતાન હૂશંગશાહ(ઈ. સ. 1405–1435)ને બાંધકામનો ઘણો શોખ હતો. તેણે માંડુનો કિલ્લો એવો મજબૂત બંધાવ્યો હતો કે તે ભારતના અજેય કિલ્લાઓમાંનો એક લેખાયો હતો. તેણે માંડુને ભવ્ય અને શાનદાર નગર બનાવ્યું હતું. તેણે તેને પાટનગર બનાવ્યું અને પોતાનો દરબાર ત્યાં ખસેડ્યો હતો. સુલતાન મહમૂદશાહ ખલજીએ કુંભા રાણા સામે પોતે મેળવેલી જીતની યાદગીરીમાં માંડુમાં સાત મજલાનો મિનારો બંધાવ્યો હતો. માંડુમાં સ્થાપત્યકલાની પ્રબળ પરંપરા જોવા મળે છે અને દિલ્હીના તુગલખ વંશની સ્થાપત્યકલા સાથે તે સમાનતા ધરાવે છે. ઊંચી કમાનો અને સ્થૂળ બાંધકામ ત્યાંની વિશેષતાઓ છે. પથ્થરકામની બારીકાઈ અને કારીગરીની સપ્રમાણતા માટે પણ માંડુની ઇમારતો પ્રસિદ્ધ થયેલી છે. માંડુની પથ્થરની કિલ્લેબંધી તથા ત્યાંની સ્થાપત્યકલાની બે બેનમૂન ઇમારતો માળવાના શાસકોની વૈભવપ્રિયતા તથા મોજશોખનાં દર્શન કરાવે છે. ત્યાંના જહાજ મહેલ, હિંડોળા મહેલ, જામે મસ્જિદ, બાઝબહાદુર તથા રાણી રૂપમતીના મહેલો, ભારતમાં સૌપ્રથમ આરસનો બાંધેલો સુલતાન હૂશંગશાહનો મકબરો વગેરે સુંદર ધ્યાનાકર્ષક બાંધકામો છે. પ્રસિદ્ધ જહાજ મહેલમાં કમાનવાળી દીવાલો, છતવાળા મંડપ તથા સુંદર હોજ છે. ત્યાંનું રામનું મંદિર જાણીતું છે. ભારતનાં સર્વે દુર્ગરક્ષિત શહેરોમાં માંડુ સૌથી વધુ શાનદાર છે. આ સિવાય કપૂર તળાવ, રેવાકુંડ, દાઈનો મહેલ, સાગર તળાવ, સોનગઢનો કિલ્લો, 12 દરવાજા, માંડવગઢ તીર્થ વગેરે સ્થાપત્યો જોવાલાયક છે.

કપૂર તળાવ

ઇતિહાસ : 11મી સદીમાં માંડુ તરંગા રાજ્યનો ઉપવિભાગ હતો. 1305માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીએ માળવા પર પ્રભુત્વ સ્થાપ્યું. 1401માં અફઘાન દિલાવરખાને માળવા પર જીત મેળવી હતી. 1526માં મહેબુદ – II એ માંડુ જીતી લીધું હતું. 1556માં હુમાયુનું અવસાન થતાં 1556માં મોગલોએ મધ્યપ્રદેશ પર જીત મેળવી હતી. 1732માં મરાઠા હિંદુરાજા પેશ્વા બાજીરાવ – I એ લાંબા સમય પછી જીત મેળવી હતી. ત્યારબાદ બ્રિટિશરોએ પ્રભુત્વ સ્થાપ્યું હતું.

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી