માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને Cimex lecturorius કહે છે.

માંકડ

સામાન્ય રચના : આ કીટક શરીરે ચપટા, 4થી 5 મિમી. લંબાઈના અને રાતા-બદામી રંગના હોય છે. તેના માથા પર 4 ખંડોની બનેલી શૃંગિકા હોય છે. આ કીટક ચપટા હોવાથી લાકડાના ફર્નિચર–ખાટલા, ખુરસી વગેર–ની તિરાડો/સાંધામાં, ગાદલાં-ગોદડાંની ધારોમાં અને ભીંતોની તિરાડોમાં  ભરાઈ રહે છે. તેમનો ખોરાક લોહી છે. તે મનુષ્યના બાહ્ય પરોપજીવી તરીકે તેના શરીરમાંથી લોહી ચૂસે છે. તેને લીધે ચામડી પર ખંજવાળ આવે છે, બળતરા થાય છે અને ઢીમડાં થઈ આવે છે. મનુષ્ય ઉપરાંત તે ઉંદર, મરઘાં, ચકલી, ગિનીપિગ વગેરે પ્રાણીઓના શરીરમાંથી પણ લોહી ચૂસે છે. મનુષ્યમાં તે રિલૅપ્સિંગ ફીવર, ટાયફસ, કાલા આજાર, મરકી (પ્લેગ) અને રક્તપિત્ત જેવા રોગોના ફેલાવામાં ભાગ ભજવતા હોવાનું મનાય છે.

જીવનવૃત્તાંત : માદા કીટક તેના જીવનકાળ દરમિયાન 50થી 200 જેટલાં ઈંડાં લાકડાના ફર્નિચરની તિરાડોમાં, ગાદલાં-ગોદડાંમાં અને ઓશીકામાં મૂકે છે. ઈંડાં સફેદ રંગનાં, એકાદ મિમી. લંબાઈનાં અને લંબગોળાકાર હોય છે. તે ચીકણા પદાર્થને લીધે જે જગ્યા પર મૂક્યાં હોય ત્યાં સખત રીતે ચોંટી રહે છે. માદા કીટકને યજમાન પ્રાણીનું લોહી મળે તો જ ઈંડાં મૂકે છે. યજમાનમાંથી લોહી ચૂસતાં તેને 3થી 10 મિનિટ જેટલો સમય લાગે છે અને તેના વજન કરતાં લગભગ પાંચગણું લોહી ચૂસે છે. માદા માંકડ દરરોજનાં પાંચ ઈંડાં મૂકે છે અને આમ બે માસ સુધી ઈંડાં મૂકવાનું ચાલુ રહે છે. ઈંડાં-અવસ્થા ઉનાળામાં 4થી 5 દિવસની અને શિયાળામાં 10 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી બચ્ચાં બહાર નીકળી આવે છે. આ બચ્ચાં પુખ્ત માંકડ બનતાં સુધીમાં 4 વખત કાંચળી ઉતારે છે અને દરેક વખતે લોહી ચૂસવાનું મળે તો જ કાંચળી ઉતારવાની પ્રક્રિયા બને છે. છેલ્લી વખત કાંચળી ઉતાર્યા બાદ લોહી ચૂસવાનું મળે તો જ તે ઈંડાં મૂકે છે. માંકડ છ માસથી દોઢ વર્ષ સુધી જીવે છે. ખાસ કરીને મનુષ્યોમાં કપડાં દ્વારા તેનો ફેલાવો થાય છે.

ઘરમાં દીવાલો ધોળવાથી અને તિરાડો પૂરી દેવાથી માંકડનું રહેઠાણ અટકે છે. વળી લાકડાનું રાચરચીલું જો ગરમ પાણી ખમી શકે તેમ હોય તો ત્યાં ગરમ પાણીનો ઉપયોગ કરી તિરાડોમાં રહેલા માંકડનો નાશ કરી શકાય છે. વળી તેના નિકાલ માટે ડાયાજિનૉન, મેલાથિયૉન કે બેગૉન જેવી કીટનાશક દવાનો છંટકાવ કરી શકાય છે.

રા. ય. ગુપ્તે

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ