માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થવા ઉપરાંત ઈંડાંમાંથી પેદા થતાં બચ્ચાંની સંભાળ લેવાનું પણ સારી રીતે થઈ શકે છે. જોકે માળો બાંધવાની આ પ્રવૃત્તિ પક્ષીઓ પૂરતી મર્યાદિત નથી. વાસ્તવમાં પક્ષીઓ ઉપરાંત સસ્તનો, સરીસૃપો, ઉભયજીવીઓ, માછલીઓ અને કીટકો વિવિધ પ્રકારનાં આશ્રયસ્થાનોની રચના કરે છે. માળા બાંધવાની વૃત્તિ-પ્રવૃત્તિ મનુષ્યમાં પણ માળ, મકાન, આવાસ, ઇમારત કે ઘરના બાંધકામમાં પ્રદર્શિત થાય છે.

દક્ષિણ ભારતની રોપાલિડિયા ભમરીનો માળો

માળો બનાવતાં પહેલાં, જે તે પ્રાણી તે માટેના ચોક્કસ સ્થળની પસંદગી કરે છે અને આ પસંદગીમાં મુખ્યત્વે બે મહત્વનાં પરિબળોને ધ્યાનમાં રાખે છે : પર્યાવરણનું અને બચ્ચાંની જન્મ વખતની સ્થિતિનું. ઘણાં પક્ષીઓ આ માટેની સ્થળપસંદગી બચ્ચાંના જન્મ પૂર્વે આગલા વર્ષથી આરંભે છે તો કેટલાંક જે તે કાર્ય બચ્ચાંનો જન્મ થવાનો હોય તે સમયગાળામાં શરૂ કરે છે. યાયાવર પક્ષીઓ સ્થળપસંદગીમાં ઓછો સમય લે છે. સામાન્ય રીતે જગ્યાની શોધખોળ કરવા નર અને માદા બંને સાથે નીકળે છે; પરંતુ આખરી પસંદગી તો માદા દ્વારા જ થાય છે. માળો રચવાની પ્રક્રિયામાં પણ નર કરતાં માદા વધુ વ્યસ્ત રહે છે. સુઘરીમાં નરપક્ષીઓ માળા બાંધી માદા સુઘરીને આકર્ષે છે.

બધાં જ પક્ષીઓ માળા બાંધતાં નથી. કેટલાંક જળચર અને સ્થળચર પક્ષીઓ તેમનાં ઈંડાં સીધાં જ ખડક પર કે ખુલ્લી જમીન પર મૂકી દે છે; પરંતુ નાના કદનાં પક્ષીઓ અનિવાર્યપણે માળો બાંધે છે. કેટલાંક જમીન પર તો કેટલાંક વૃક્ષો પર માળા બાંધે છે. માળાની રચનામાં તેઓ વિવિધ સામગ્રીનો ઉપયોગ કરે છે; જેવી કે, નાના પથ્થરો, તણખલાં, રૂ, ઘાસ, પીંછાં, માટી, સળીઓ, લોખંડના તાર અને લાળરસ. અબાબીલ (swift) માળાની રચનામાં લાળરસનો ઉપયોગ કરતાં હોવાથી, ચીનના લોકો તેમના માળામાંથી સ્વાદિષ્ટ સૂપ બનાવીને પીએ છે!

ઊધઈ

પ્રજનનકાળમાં પક્ષીઓમાં જોવા મળતી ઝનૂની હરીફાઈ ઉપર માળાની સ્થળ-પસંદગી અવલંબે છે. ઈંડાંના સેવનકાળ બાદ, બચ્ચાંના ઉછેર દરમિયાન તેમના કુદરતી દુશ્મનોનો ભય માળાના પ્રકારો સાથે સંકળાયેલો હોય છે. કાચિંડા, ઘો, સાપ, ઉંદર, ખિસકોલી, વાંદરાં અને મનુષ્ય પણ પક્ષીઓનાં ઈંડાંઓ કે બચ્ચાંની શોધમાં રહેતાં હોય છે. વળી કાગડો, સમડી કે ઢોમડાં જેવાં પક્ષીઓ પણ આમાં ખરાં. આમ પક્ષીઓ પોતાની જરૂરિયાત મુજબ કઢંગા કે સુઘડ, નાના કે મોટા, જમીન પર કે વૃક્ષ પર, સ્થિર કે લટકતા માળા બાંધે છે. તેમને મુખ્યત્વે 8 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય :

(1) ઉપરથી ખુલ્લા એવા માળા : આ પ્રકારના માળા, ઊંડા અને પ્યાલા આકારના હોય છે; જેથી ઈંડાં કે બચ્ચાં નીચે પડી જતાં નથી. વચ્ચેના ભાગમાં મુલાયમ ગાદી માટે રેસા, વાળ કે પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. કાગડા, બગલાં અને હોલાના માળા આ પ્રકારના હોય છે. તેઓ ટોળામાં કે જોડીમાં રહેવાનું પસંદ કરે છે; તેથી તેમના માળા ખુલ્લા હોવા છતાં ઈંડાં તેમજ બચ્ચાંનું સહેલાઈથી રક્ષણ કરી શકે છે. કાગડો ઝાડની ત્રણ પાંખો/ડાળીઓનો માળો બાંધે છે જે પવનથી વીખરાતો નથી.

(2) ઢાંકેલા માળા : આ પ્રકારના માળા, ઉપરથી પૂરેપૂરા ઢાંકેલા – ઘુમ્મટ આકારના હોય છે. માળાની એક બાજુએ એક નાનો દરવાજો અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવે છે. અંદરના ઓરડાને નાનાં પીંછાં કે રૂની ગાદીથી આચ્છાદિત કરવામાં આવે છે.

(3) દર જેવા માળા : આ પ્રકારના માળા નદીના કિનારા પર જોવા મળે છે. પક્ષી પોતાની તીક્ષ્ણ ચાંચ વડે ભીની રેતીમાં લાંબાં દર કોતરી કાઢે છે. આવા માળા ઝડપથી બની શકે છે; ઉદા., કલકલિયા અને પતરંગાના માળાઓ.

(4) બખોલમાળા : વૃક્ષનાં થડ, ખડક કે દીવાલની બખોલમાં આ પ્રકારના માળા રચવામાં આવે છે. અહીં પક્ષીઓને માળા માટે અલ્પ તૈયારીની આવશ્યકતા રહે છે; કારણ કે પ્રાકૃતિક રીતે ઉપર્યુક્ત જગ્યાઓ, માળાને અનુરૂપ હોય છે. લક્કડખોદ, ઘુવડ, પોપટ અને ચિલોત્રાના માળાઓને આ શ્રેણીમાં મૂકી શકાય. ચિલોત્રાના માળામાં માદા પક્ષીને અંદર પૂરી, નર બહારની દીવાલ ચણી દેતો હોય છે. બહારથી માત્ર ખોરાક આપી શકાય તેવું નાનું છિદ્ર જ ખુલ્લું રહે છે.

(5) ઢાંકી શકાય એવા માળા : આ પ્રકારના માળા જળચર પક્ષીઓની વિશેષતા છે. પહેલી નજરે જોતાં આવા માળા ખુલ્લા તરાપા જેવા હોય છે. તેમના આધાર માટે જલજ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. બતક, ડૂબકી (grebe) અને જલમુરઘીના માળા આ શ્રેણીમાં આવે છે. આ પક્ષીઓ માળો છોડે ત્યારે ઈંડાં કે બચ્ચાંની સંભાળ માટે જલજ વનસ્પતિનાં પર્ણો માળા ઉપર ઢાંકી દે છે.

દરજીડો

(6) ખાડા રૂપે રચાતા માળા : બાટણ, ટિટોડી અને ચકવા-ચકવી જેવાં કેટલાંક પક્ષીઓના માળા સાચા અર્થમાં માળા કહી શકાય તેવા હોતા નથી. તેઓ સીધેસીધા જમીન ઉપર નાના ખાડા જેવી રચનાઓ કરી તેમાં ઈંડાં મૂકે છે અને ખાડાની આસપાસની કિનારી પર નાના પથ્થરોને ગોઠવી માળાનો આભાસ ઉત્પન્ન કરે છે.

(7) લટકતા માળા : માળાના વિવિધ પ્રકારોમાં સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ તો સુઘરીનો લટકતો માળો જ કહી શકાય. સ્થળ, કાળ અને દુશ્મનોથી તે પૂર્ણપણે સુરક્ષિત રહે છે. દરજીડો (tailor bird) પાંદડાં સીવીને માળાની રચના કરે છે. સુઘરીની જેમ દરજીડાનું માળો બાંધવાનું કૌશલ ખરેખર વખાણવા જેવું હોય છે.

(8) માટીના માળા : અબાબીલ (swift), દેવચકલી (robin) અને તારોડિયું (swallow) જેવાં પક્ષીઓ ઊંચે સુરક્ષિત એવી જગ્યા શોધી ત્યાં લાળમિશ્રિત માળા બાંધે છે.

લાલ સુઘરી : માળાનું મોઢું, નીચેનો ભાગ. નાળચા જેવા ઘુમટાકાર ભાગમાં છાજલી જેવો ગૌણ માળો બનાવી ઈંડાં અને બચ્ચાંનું રક્ષણ કરે છે.

અન્ય પ્રાણીસમૂહોના માળાઓ : સસ્તન પ્રાણીઓના માળા : ખિસકોલીનો માળો સામાન્ય રીતે ઊંચા ઝાડ પર, નજરે ન ચડે તેવો હોય છે; જ્યારે સસલું જમીનમાં દર બનાવે છે. આ પ્રાણીઓ પક્ષીઓની માફક અંડપ્રસવી નથી, પરંતુ જીવતાં બચ્ચાંને જન્મ આપે છે. અપત્યપ્રસવી માળામાં બચ્ચાંઓનું તાપમાન જાળવવા પોતાની રુવાંટીનો ઉપયોગ કરે છે. કીડીખાઉ (anteater) અને બતકચાંચ (duckbill, platypus) જેવાં અંડપ્રસવી સસ્તનો પાંદડાં અને ઘાસનો ઉપયોગ કરી, માળા તૈયાર કરે છે.

બીવર : બીવર નામે ઓળખાતાં રોડેન્શિયા-શ્રેણીનાં સસ્તનો મેક્સિકો તેમજ યુરોપમાં આવેલા અતિશીત પ્રદેશોનાં જળાશયોમાં જોવા મળે છે. તેઓ નાની નદી, ઝરણ અને તળાવોમાં પથ્થર, લાકડાં, માટી જેવા પદાર્થો ભેગા કરી બંધ (dam) બાંધવાની અદભુત શક્તિ ધરાવે છે. તેઓ સામાન્યપણે સમૂહમાં રહીને પાણીમાં ટાપુ સાથે સરખાવી શકાય તેવા આવાસ (lodge) બાંધે છે. આ માટે તેઓ શરૂઆતમાં જમીનમાં બોગદા જેવી નહેર ખોદીને તેમાંથી બાંધકામ માટે ઉપયોગી એવાં ડાળખાં, લાકડાંની સળીઓ જેવી વસ્તુઓને પસાર કરીને તેમને માટી વડે લીંપે છે અને પાણી કરતાં ઊંચી સપાટીએ, આશરે દોઢેક મીટર ઊંચા એવા ઘુમ્મટ આકારના આવાસ બાંધે છે. ત્યાં વૃક્ષોની છાલ જેવા ખોરાકનો સંઘરે છે. નર અને માદા બીવર પોતાનાં જન્મેલાં બાળકો સાથે ત્યાં શિયાળો પસાર કરતાં હોય છે.

ગોરીલા : દરરોજ સાંજે અંધારું થવાના સમયે જમીન પર અથવા તો ઝાડ પર એક સાદો માળો તૈયાર કરી તેના પર તે સૂઈ જાય છે. આ માળો ઝાડની ડાળખીમાંથી બનાવેલ કાચા મંચ જેવો હોય છે. પુખ્ત ઉંમરના ગોરીલા દરરોજ નવા માળા બાંધે છે, જ્યારે બચ્ચાં માતાની સાથે સૂએ છે.

સક્કરખોરો અને માળો

સરીસૃપોના માળા : આ પ્રાણીઓ જમીનમાં એક ઊંડા દરરૂપ માળો રચે છે અને તેમાં ઈંડાં મૂકી, કુદરતના ભરોસે છોડી દે છે. મીઠા પાણીના કાચબાઓ આ માટે થોડી વધુ જહેમત લેતા જોવા મળે છે. અહીં કાચબી પોતાની પૂંછડી વડે દસેક સેમી. જેટલું ઊંડું બોગદું તૈયાર કરી ઈંડાંઓનો સમૂહ મૂકી, તેના પર રેતી કે માટી ઢાંકી દે છે. અંડસ્ફોટનને અંતે બહાર નીકળતાં બચ્ચાંઓને પાણી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી માદા બજાવે છે. અજગર, સાપ પોતાની પૂંછડીને ગૂંચળા-આકારે વાળી માળો રચે છે અને તેમાં ઈંડાંઓને સાચવે છે.

ખિસકોલી

ઉભયજીવીઓના માળા : ઇકથિયૉફિસ પણ અજગરની માફક પોતાની પૂંછડીને ગૂંચળા-આકારે વાળી, અંડસમૂહને સુરક્ષિત રાખે છે. દરજીડાના જેવો માળો બનાવવાની ક્ષમતા દેડકાની એક પ્રજાતિ ફાયલોમેડ્યુસામાં જોવા મળે છે.

મત્સ્યના માળા : મીઠા પાણીની સ્ટિકલબૅક માછલી અદભુત માળો રચે છે. અહીં નર સ્ટિકલબૅક વનસ્પતિના તાંતણા, લીલ વગેરે એકત્રિત કરી, માદાના કદનો માળો રચે છે. કેટલીક માછલીઓ હવાના પરપોટાનો માળો રચે છે !

સ્ટિકલ-બૅક માછલીનો માળો

અપૃષ્ઠવંશીઓના માળા : કીડી, મધમાખી, ભમરી જેવા કીટકો સામૂહિક જીવન ગુજારે છે અને ઈંડાંના જતન માટે જટિલ પ્રકારના માળા રચે છે. મધપૂડો કે ઊધઈના રાફડા તેમનાં સ્થાપત્ય માટેનાં જાણીતાં ઉદાહરણો કહી શકાય. કેટલાક ભમરા એકાકી જીવન પસાર કરે છે. તેઓ પોતે પ્રવેશ કરી શકે તેટલું ગોળાકાર દ્વાર રાખી પવાલા આકારનું માટીનું આશ્રયસ્થાન કરે છે. કરોળિયાના જાળાને પણ માળાના એક પ્રકાર તરીકે વર્ણવી શકાય. જોકે રહેવા ઉપરાંત કરોળિયાના જાળાનો ઉપયોગ ભક્ષ્યને ફસાવવા (પકડવા) માટે પણ થાય છે.

દિલીપ શુક્લ