માંકડ, ડોલરરાય રંગીલદાસ

February, 2002

માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક.

ડોલરરાય રંગીલદાસ માંકડ

1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં લેક્ચરર અને પ્રોફેસર. 1947થી ’53 વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગરમાં આચાર્ય અને પ્રાધ્યાપક. 1953થી ’64 દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય, અલિયાબાડામાં આચાર્ય અને પ્રાધ્યાપક. 1960થી ’66 હરિભાઈ સંશોધન મંદિર, અલિયાબાડામાં ડિરેક્ટર, 1966થી ’70 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ (વાઇસ-ચાન્સેલર).

1946માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1964માં ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ. દ્વારકાના જગદગુરુ શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ દ્વારા ‘વિદ્યાપારિધિ’ની ઉપાધિ અર્પણ થઈ હતી. 1952માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ થયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી. લિટ્.ની (મરણોત્તર) ઉપાધિ. ‘ગુજરાતીના અધ્યાપક સંઘ’ની સ્થાપનામાં તેમની પ્રેરણા હતી.

ડોલરરાયે સંસ્કૃત સાહિત્યમીમાંસાના સંદર્ભમાં વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો ચર્ચ્યા છે. એમની ર્દષ્ટિમાં શાસ્ત્રીયતા અને મૌલિકતા છે. સાહિત્યને તેઓ સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક ભૂમિકાએ જોવા-મૂલવવાનું વલણ ધરાવે છે. ‘સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા’(1943)માં એમણે સંસ્કૃત નાટ્યવિવેચનનો ઐતિહાસિક ર્દષ્ટિએ અભ્યાસ રજૂ કર્યો છે. ‘કાવ્યવિવેચન’(1949)થી તેઓ ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં પ્રતિષ્ઠિત થયા. આ ગ્રંથમાં ભારતીય રસસિદ્ધાંત માટે પશ્ચિમ પાસેથી પુષ્ટિ મેળવવા સાથે કેટલીક બાબતોમાં આપણો અભ્યાસ એનાથી આગળ ગયો છે એવું તારણ આપ્યું છે તે નોંધપાત્ર છે. તેવું જ કવિતામાં વિચારપ્રધાનતાની જ જિકર થતી હતી ત્યારે તેમણે વિચાર, કલ્પના અને ઊર્મિ – ત્રણેયમાં ઉત્તમ કાવ્ય હોઈ શકે તે બતાવ્યું છે. ‘સાધારણીકરણવ્યાપાર’, ‘ઊર્મિજન્ય ભાવાભાસ’. ‘ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવનશક્તિ’, ‘સંગીતકાવ્યો’ જેવા સૈદ્ધાંતિક ચર્ચાના લેખો ડોલરરાયની તત્વદર્શી વિવેચક તરીકેની વિશેષતાઓના પરિચાયક છે. ગ્રંથાવલોકનોમાં તેઓ કૃતિના અંશભૂત વિચારદ્રવ્યને ધ્યાનમાં રાખીને તત્કાલીન સમાજજીવનના સંદર્ભમાં એને તપાસે છે. કાવ્યને સમજવાની એમની રુચિ ઊંડી, સૂક્ષ્મ અને નરવી છે.

‘સાહિત્યમીમાંસાના બે પશ્નો’ (1958) પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગ્યતા’ – એ બે લેખો છે. રસાભાસમાં આલંબનવિભાવનું અનૌચિત્ય કારણભૂત હોય છે અને અલંકારધ્વનિને કાવ્યના પ્રકાર તરીકે સ્વીકારવો જોઈએ  એ બે મુદ્દાની પર્યેષણા તેમાં છે. ‘નૈવેદ્ય’ (1962–2009) તત્વદર્શી સાહિત્યમીમાંસક અને ગંભીર પુરાતત્ત્વવિદના લેખોનો સંગ્રહ છે. તે ગોવર્ધનયુગના સાક્ષરોની ઉજ્જ્વળ વિદ્યાપરંપરા જાળવનારા સાહિત્યસેવી અને સંશોધકબુદ્ધિના વિદ્વાનના અધ્યયન–મનનના પરિપાકરૂપ છે. નાટ્યશાસ્ત્ર, અનુશ્રુતિ અને સમયાનુક્રમ વિશેના લેખોમાં મૂલગામી ર્દષ્ટિ અને પારદર્શકતા અનુભવાય છે. ‘કલામાં ધ્વનિ’, ‘એકાંકી નાટકો’, ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’, ‘કાલિદાસની નાટ્યભાવના’, ‘શાકુન્તલનું ભાષાંતર’, ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ’, ‘નિરુક્ત’ વગેરે લેખોમાંની સિદ્ધાંતચર્ચા અને સ્વરૂપચર્ચા નોંધપાત્ર છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘શર્વિલક’ જેવી પ્રશિષ્ટ કૃતિઓની સમીક્ષામાં બહુશ્રુત સંસ્કૃતજ્ઞની વિવેચનાનો અનુભવ થાય છે. ‘કેશવલાલ હ. ધ્રુવની વાઙ્મયસેવાની સૂચિ’ એ ગુજરાતીમાં અપૂર્વ કાર્ય છે. આ સૂચિમાં કેશવલાલ ધ્રુવની સમર્થ વિદ્વત્તાનું તેમ ડોલરરાયની શાસ્ત્રીય અને વ્યવસ્થિત કાર્યપદ્ધતિનું પણ દર્શન થાય છે. કોઈ પણ સાહિત્યકારની વાઙ્મયસેવાની સૂચિ માટે આ કાર્ય નમૂનારૂપ છે. ‘ભગવદજ્જુકીયમ્’નો તેમનો અનુવાદ પણ આ ગ્રંથમાં છે.

‘ગુજરાતી કાવ્યપ્રકારો’(1964)માં એમણે માનવજીવનનિરૂપણ, વસ્તુ-ઉદ્દીપન અને વસ્તુ-આલંબનની ર્દષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો પાડી તેમની મૂલગામી ચર્ચા કરી છે. એમાં એમનો નવો અભિગમ પણ છે. ‘ભગવાનની લીલા’ (1948) સળંગ સુગ્રથિત કથાકાવ્ય છે. સંસ્કૃત કાવ્યસાહિત્યના સંસ્કારો આ કૃતિમાં ઝિલાયા છે. ધીરગંભીર અનુષ્ટુપમાં, 3 ખંડોમાં, 3 અધ્યાયના એક આખ્યાનક રૂપે તે રજૂ કરેલું છે. તેમાં વિદ્વત્તા અને ધર્મબોધ બંને તત્વો ઊપસી આવે છે. ‘કર્ણ’ (1939) એમનું બાલવાર્તાનું પુસ્તક છે. ‘ભગવાનની લીલા’ (1948) નામક કથાકાવ્ય લખ્યું છે.

‘ઋગ્વેદમાં વસિષ્ઠનું દર્શન’ (1964), ‘હિન્દુ ધર્મમાં મધ્યમમાર્ગ’ (1964), ‘ધર્મસંસ્થાપકોની વાણી’ (1968), ‘ગીતાનો બુદ્ધિયોગ’ (1969), ‘રાસપંચાધ્યાયી’ (1973) વગેરે ધર્મ અને તત્વજ્ઞાનનાં પુસ્તકોમાં એમની ઊંડી અધ્યયનશીલતા અને મૌલિક અર્થઘટનશક્તિ દેખાય છે.

ડોલરરાયે સ્વાધ્યાય તથા સંશોધનને અનુલક્ષીને અંગ્રેજીમાં પણ ધનંજયના દશરૂપક, સંસ્કૃત નાટકના પ્રકારો, કાલિદાસ અને ગુપ્તો, પ્રાચીન ભારતીય રંગભૂમિ, યુગપુરાણ, પૌરાણિક સાલવારી, ઋગ્વેદનો રચનાકાળ, કિષ્કિંધાકાંડ, પૌરાણિક વંશાવલિ વગેરે વિશે અગત્યનાં લખાણો આપ્યાં છે.

ડોલરરાયે જીવનભર અધ્યયન-અધ્યાપન કર્યું છે. તેમણે ગ્રામપ્રસ્થાશ્રમની ભાવનાને સાકાર કરવા માટેનો એક મહત્ત્વનો પ્રયોગ અલિયાબાડા જેવા ગ્રામવિસ્તારમાં ઉચ્ચશિક્ષણની સંસ્થા સ્થાપીને કર્યો. ત્યાંના શિક્ષણપ્રયોગમાં ગાંધીજીની બુનિયાદી તાલીમ સાથેનો અનુબંધ પણ જોઈ શકાય. જીવનભરના સંનિષ્ઠાભર્યા અધ્યયન-અધ્યાપનના પરિપાક રૂપે તેમણે તેમની શિક્ષણવિષયક વિચારણાને શબ્દબદ્ધ કરેલી છે. ‘એકસૂત્રી શિક્ષણયોજના’ (1950) અને ‘વિક્રમોર્વશીયમ્’ (1958) એમની શિક્ષણવિષયક કૃતિઓ છે. ‘શક્રાદયસ્તોત્ર’ (1929), ‘રુદ્રાધ્યાય’ (1929), ‘અહુનવર’ (1935), ‘પ્રાચીન ભારતમાં શિક્ષણયોજના’ (1950) – એ એમના અનુવાદ- ગ્રંથો છે.

મનસુખ સલ્લા