મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા.
શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે અને તેમનાં બહેન વિદ્યાબહેન ગુજરાતી મહિલાઓમાં સૌપ્રથમ ગ્રૅજ્યુએટ થયાં હતાં. 1898માં તેમનાં લગ્ન ડૉ. સુમન્ત મહેતા સાથે થયાં હતાં. તેઓ બંને પછીથી ગુજરાતના જાહેર જીવનમાં ઘણાં આગળ આવ્યાં. શારદાબહેને હિંદુ શાસ્ત્રો, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય, શ્રી અરવિંદનું સાહિત્ય, પંડિત સુખલાલજી અને ડૉ. રાધાકૃષ્ણન્નાં રચના-લખાણો તથા કુરાન, બાઇબલ વગેરેનો અભ્યાસ કર્યો હતો. આ રીતના વિશાળ વાચનનો તેમના વિચારો અને જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.
તેમના પતિ ડૉ. સુમંત મહેતા સાથે 1921 પછી તેમણે જાહેર જીવનમાં ભાગ લેવા માંડ્યો. તેમણે શિક્ષણ, સ્ત્રીઓનો ઉત્કર્ષ, જ્ઞાતિનાં બંધનો દૂર કરવાં, અસ્પૃશ્યતાનિવારણ અને દેશની સ્વતંત્રતાનાં કાર્યો વાસ્તે જીવન સમર્પણ કર્યું. તેમણે એક હિંદુ બાળવિધવાને આશ્રય આપી, ભણાવી અને રૂઢિચુસ્ત સમાજના સખત વિરોધની પરવા કર્યા વિના તેનાં પુનર્લગ્ન કરાવી આપ્યાં હતાં. તેઓ પાશ્ર્ચાત્ય શિક્ષણનાં પ્રશંસક હોવા છતાં તેને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ વળાંક આપતાં હતાં. તેઓ ગાંધીજીની અહિંસક અને અસહકારની ચળવળમાં ભાગ લેવા છતાં યુવાન ક્રાંતિકારો પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં હતાં. તેઓ સંસદીય પદ્ધતિની સરકારનાં હિમાયતી હતાં અને ભારતની સંપૂર્ણ સ્વતંત્રતાની ચળવળમાં પણ જોડાયાં હતાં. તેઓ વખતોવખત ગુજરાતી સામયિકોમાં લેખો લખીને તથા ભાષણો કરીને પોતાના પ્રગતિશીલ વિચારો પ્રગટ કરતાં હતાં. તેમણે 1906થી સ્વદેશીનો પ્રચાર કરવા માંડ્યો અને ખાદી પહેરવા માંડી. 1917માં તેમણે વેઠની પ્રથા સામે ઝુંબેશ ચલાવી. તેઓ 1919માં ‘નવજીવન’ સાપ્તાહિકમાં ઇન્દુલાલ યાજ્ઞિકને તેમના સંપાદનકાર્યમાં મદદ કરતાં હતાં.
અમદાવાદમાં ગુજરાત કિસાન પરિષદ 1928માં ભરવામાં આવી ત્યારે તેમણે તેની સ્વાગત સમિતિના અધ્યક્ષ, પોતાના પતિ ડૉ. સુમંત મહેતા સાથે રહીને કામ કર્યું. એ જ વરસે બારડોલી સત્યાગ્રહ અંગે સૂરત મુકામે પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે ગવર્નરને મળ્યાં. અમદાવાદના મિલમજૂરોની સ્થિતિનું સર્વેક્ષણ કરતા વ્હિટલી કમિશન સમક્ષ મજૂરો વતી, 1929માં રજૂઆત કરી. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન દારૂની દુકાનો સમક્ષ પિકેટિંગ કર્યું. તેને બીજે વરસે અમદાવાદમાં ખાદીમંદિરની સ્થાપના કરી અને અમદાવાદ પાસે શેરથામાં તેમના પતિએ સ્થાપેલ આશ્રમનું સંચાલન કર્યું. 1934માં તેમણે ‘આપણા ઘરની દુકાન’ નામથી સહકારી ભંડાર શરૂ કર્યો. આ બધા સમય દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા તથા મુંબઈની મહિલાસંસ્થાઓ અને શિક્ષણસંસ્થાઓ તથા વડોદરા રાજ્ય પ્રજામંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય હતાં. 1931થી 1935 દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીનાં સભ્ય હતાં. 1934માં અમદાવાદમાં મહિલાઓના ઉત્કર્ષ માટે સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું.
તેમણે ગુજરાતીમાં લખેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘પુરાણોની બાળબોધ વાર્તા સંગ્રહ’ (1906), ‘ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર’ (1906), ‘ગૃહવ્યવસ્થાશાસ્ત્ર’ (1920), ‘બાળકનું ગૃહશિક્ષણ’ (1922) અને ‘જીવનસંભારણાં’ (1929). તેમણે મહારાણી ચીમનાબાઈના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં ‘હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન’ નામથી અનુવાદ કર્યો છે.
શિવપ્રસાદ રાજગોર