મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર

January, 2002

મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર (જ. 1892, અમદાવાદ) : નવલકથાકાર. મૂળ બારેજાના વતની. માતા રેવાબાઈ, પિતા સાંકળેશ્વર. ગુજરાતીનો અભ્યાસ પૂરો કરી તેઓ અંગ્રેજી શાળામાં જોડાયા પણ છઠ્ઠા ધોરણથી આગળ વધી શક્યા નહિ. શિક્ષણ ભલે થોડું, પણ એક સર્જક તરીકે તેમની શક્તિ યુવાકાળમાં જ પ્રગટ થવા માંડી હતી. એમને નવલકથાનું ક્ષેત્ર વિશેષપણે અનુકૂળ નીવડ્યું હતું. તેમણે ઠીક ઠીક સંખ્યામાં નવલકથાઓ લખી છે. ‘કુમુદકુમારી’, ‘પદ્મલતા’ તેમની ઊગતી કારકિર્દીના સમયમાં લખાયેલી. તે પછી ‘તરુણ તપસ્વિની’ના બે ભાગ (અનુક્રમે ઈ. સ. 1915 અને 1917) પ્રગટ થયેલા. એ નવલકથાઓનું કથાવસ્તુ એવું મનોરંજક હતું કે એ કથાઓ પરથી ચલચિત્ર (ફિલ્મ) તૈયાર થયું. આ કથાઓએ તેમને સારી નામના આપી. તે પછી ‘કાળરાત્રિ’ ના બે ભાગ (ઈ. સ. 1915) તેમણે પ્રગટ કર્યા અને તે નવલકથાઓ પણ ચલચિત્રને પાત્ર નીવડી. ઈ. સ. 1918થી 1921ના સમયગાળામાં તેમનું ‘વસંતવિજય’ ચાર ભાગમાં પ્રકાશિત થયું અને ‘ઝેરી જમાનો’ના પાંચ ભાગ તેમણે ઈ. સ. 1921માં પ્રગટ કર્યા.

એ પછી ‘કૈલાસકુમારી’ ભાગ 1–2 (1922), ‘વિશ્વમોહિની’ ભાગ 1થી 8 (પ્રથમ ચાર ભાગ ઈ. સ. 1922માં અને પછીના ચાર ભાગ ઈ. 1923માં) પ્રગટ કર્યા. ‘કુસુમકાન્ત’ પણ ત્રણ ભાગમાં (પ્રથમ ભાગ, ઈ. સ.  1918, દ્વિતીય ભાગ ઈ. સ. 1922 અને તૃતીય ભાગ ઈ. 1924) પ્રકાશિત થઈ.

સત્યેન્દ્ર મહેતાની નવલકથાકાર તરીકેની એક તરી આવતી ખાસિયત એ છે કે એમને વિશાળ પટ ઉપર જ કથાવસ્તુ આલેખવાનું અનુકૂળ બને છે. એમની નવલકથાઓ પૂરતું મનોરંજન આપતી હોવાને કારણે ખાસ્સી લોકપ્રિય નીવડી અને ફિલ્મના ક્ષેત્ર સુધી પહોંચી ગઈ. એમની કેટલીક નવલકથાઓની એકાધિક આવૃત્તિઓ પણ થઈ છે. એમની અન્ય કૃતિઓમાં ‘રત્નપુરની રંભા’, ‘કુંજ કિશોરી’, ‘માયાવી મોહિની’, ‘અદભુત યોગિની’ (1927), ‘સિક્કિમની વીરાંગના’ (1933), ‘શહીદોની સૃષ્ટિ’ (1931), ‘આદર્શ રમણી’, ‘રાજપૂત પ્રતિજ્ઞા’ (1933), ‘જુલમી જાલિમ’, ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ અને ‘રાજસ્થાનના રંગ યાને ભેદી ખંડેર’નો સમાવેશ થાય છે.

એમની નવલકથામાં જોરદાર કથાવસ્તુ, ભેદભરમ વગેરે જેવાં તત્ત્વો એ જમાનાના વાચકોને અને કેટલાક લેખકોને પણ આકર્ષક – પ્રેરક નીવડ્યાં હતાં.

મધુસૂદન પારેખ