મહેતા ફીરોજશાહ (સર) (જ. 4 ઑગસ્ટ 1845, મુંબઈ; અ. 5 નવેમ્બર 1915, મુંબઈ) : વિનીતવાદી (મવાળ) રાષ્ટ્રીય નેતા, કૉંગ્રેસના સ્થાપકોમાંના એક, કૉંગ્રેસ-પ્રમુખ. મૅટ્રિકની પરીક્ષા 1861માં પાસ કરી એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી હોવાથી 1864માં દક્ષિણા ફેલો તરીકે નિમાયા. આર. ડી. જીજીભાઈની શિષ્યવૃત્તિ મળતાં ફીરોજશાહ ઇંગ્લૅન્ડ ગયા અને બૅરિસ્ટર થઈને 1868માં સ્વેદશ પાછા ફર્યા. ઇંગ્લૅન્ડમાં તેઓ વખતોવખત દાદાભાઈ નવરોજીને મળતા હતા. તેથી તેઓ તેમના જેવા ઉદારમતવાદી બન્યા. તેમના મિત્રો કે. ટી. તેલંગ, બદરુદ્દીન તૈયબજી, ગોખલે, દીનશા વાચ્છા, વ્યોમેશચંદ્ર બૅનરજી તથા અંગ્રેજોમાં ઍલેક્ઝાંડર ગ્રાન્ટ, એ. ઓ. હ્યૂમ, વિલિયમ વેડરબર્ન વગેરે પણ ઉદારમતવાદી હતા; તેથી તેઓ બંધારણીય રીતમાં માનતા અને કોમવાદના તથા હિંસાના વિરોધી હતા. તેઓ પક્ષપદ્ધતિ અને સંસદીય લોકશાહીના હિમાયતી હતા.
તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચ સાહિત્ય રસપૂર્વક વાંચતા હતા. ટેનિસન અને ડિકન્સની રચનાઓ તથા બાઇબલ તેમને પ્રિય હતાં. તેઓ શૈક્ષણિક સુધારાના હિમાયતી હતા. શાળાઓને આપવામાં આવતા અનુદાન તથા બૉમ્બે યુનિવર્સિટીને સરકારી ખાતાની જેમ ચલાવવાના તેઓ ટીકાકાર હતા. દેશનું અર્થતંત્ર વિકસાવીને આત્મનિર્ભર બનાવવાના અને તેનો ઔદ્યોગિક વિકાસ સાધવાના તેઓ સમર્થક હતા. સ્વદેશી બૅંક તરીકે સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં તેમણે સહકાર આપ્યો હતો. તેને નાણાકીય મુશ્કેલીમાં તેમણે કીમતી મદદ કરી હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આધુનિક બનાવવામાં તેમનું નોંધપાત્ર પ્રદાન હતું. નગરપાલિકાઓમાં ચૂંટણીના સિદ્ધાંતનો અમલ કરવામાં 1872માં આપેલા તેમના ભાષણનો પ્રભાવ પડ્યો હતો. 1888નો મ્યુનિસિપલ ધારો તેમના અને કે. ટી. તેલંગના પ્રયાસોને આભારી હતો. ‘બૉમ્બે ક્રૉનિકલ’ નામનું અંગ્રેજી વર્તમાનપત્ર શરૂ કરવાની જવાબદારી તેમણે સ્વીકારી હતી.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના તથા શરૂનાં ઘણાં વરસો પર્યંતની તેની કાર્યવાહીમાં પણ તેમનું મહત્વનું પ્રદાન હતું. કૉંગ્રેસના નીતિવિષયક નિર્ણયો કરવામાં અને જહાલવાદીઓને દૂર રાખવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કલકત્તામાં 1890માં ભરાયેલી કૉંગ્રેસની બેઠકનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું અને મુંબઈમાં 1889 તથા 1904માં મળેલી કૉંગ્રેસની બેઠકોની સ્વાગત સમિતિના તેઓ પ્રમુખ હતા. દેશનો વહીવટ સુધારવાની માંગણી કરતા ઠરાવો તેઓ કૉંગ્રેસની બેઠકોમાં રજૂ કરતા અથવા તેમને સમર્થન આપતા. કે. ટી. તેલંગના સહકારથી તેમણે બૉમ્બે પ્રેસિડન્સી એસોસિયેશનની સ્થાપના કરી, તેના મંત્રી તરીકે સેવા આપી. પશ્ચિમ ભારતમાં લોકમત ઘડવાનું અને ઇંગ્લૅન્ડમાં ભારતની સમસ્યાઓ લોકો સમક્ષ રજૂ કરવાનું આ મંડળે ઘણું કામ કરેલું. આ ઉપરાંત આ મંડળે કેન્દ્ર અને સ્થાનિક સરકારોને આવેદનપત્રો પણ મોકલ્યાં હતાં. ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશનની મુંબઈ શાખામાં પણ તેઓ ક્રિયાશીલ હતા. તેઓ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે ત્રણ વાર અને મુંબઈની ધારાસમિતિના સભ્ય તરીકે 1886માં ચૂંટાયા હતા. ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 1894થી 1897 સુધી તેઓ મુંબઈ ઇલાકાના પ્રતિનિધિ હતા. આ બધી સંસ્થાઓમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી તેમની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. મુંબઈની ધારાસમિતિમાં અંદાજપત્ર પરનાં તેમનાં પ્રવચનો ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ વિકસાવવા માટેનો તેમનો આગ્રહ દર્શાવે છે. વળી આ સંસ્થાઓમાં આપેલાં વ્યાખ્યાનોમાં તેમની તેજસ્વી વક્તૃત્વકલા તથા તલસ્પર્શી અભ્યાસની પ્રતીતિ થાય છે. સરકારે નીમેલાં કમિશનો સમક્ષ તેમણે આપેલાં સૂચનો મહત્વિનાં ગણવામાં આવતાં હતાં.
ફીરોજશાહ રીતભાત અને સ્વભાવે ઉમરાવ જેવા હતા. મિત્રો અને પ્રશંસકોથી તેઓ વીંટળાયેલા રહેતા હતા. 1894માં સરકારે તેમને સી.આઇ.ઇ. અને 1904માં ‘સર’ના ખિતાબોથી નવાજ્યા હતા. બૉમ્બે યુનિવર્સિટીએ 1915માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લૉઝ’ની માનાર્હ પદવી આપી હતી.
જયકુમાર ર. શુક્લ