મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ

January, 2002

મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ (જ. 10 ઑક્ટોબર 1910, સાયલા (સૌરાષ્ટ્ર); અ. 27 સપ્ટેમ્બર 1981, થામણા) : જાણીતા ગાંધીવાદી કાર્યકર, સ્વાતંત્ર્ય સૈનિક અને લોકસેવક. એક વર્ષની ઉંમરે જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયા હેઠળ ઊછર્યા. સુઘડતા, કરકસર, ઉદ્યોગપરાયણતા જેવા ગુણોનો વારસો માતા પાસેથી મળેલો. પ્રારંભિક શિક્ષણ હળવદ તથા મુંબઈમાં. નાનપણથી જ સંગીત અને ચિત્રનો શોખ. બાર વર્ષની ઉંમરે વાંચેલાં મહાપુરુષોનાં ચરિત્રની તેમના ચિત્ત પર અસર. સ્વામી રામતીર્થ, વિવેકાનંદ અને ટૉલ્સ્ટૉય વગેરે પાસેથી શ્રમયુક્ત, સેવાપરાયણ અધ્યાત્મજીવન માટેની પ્રેરણા મળી. કુરૂઢિઓ કે કુરિવાજોના કિશોરવયથી જ વિરોધી. ઉચ્ચ શિક્ષણ કરાંચીમાં, તે પછી 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાં. કાકાસાહેબનો ભારે પ્રભાવ. સ્વદેશીના આંદોલન અને સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય. અનેક વાર જેલયાત્રાઓ પણ વેઠેલી. તેમણે આજીવન બ્રહ્મચર્યપાલન કરવાનું સ્વીકાર્યું. તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોના અમલ ને પ્રચારનું કામ ઉપાડી લીધું.

બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા

સ્વાતંત્ર્ય નિમિત્તેની જેલયાત્રાઓમાંથી મુક્ત થયા બાદ રાષ્ટ્રના નવનિર્માણ નિમિત્તે એમણે ગ્રામસેવાનું અને લોકકેળવણીનું કામ ઉપાડ્યું. તેમણે ખેડા જિલ્લાના માતર ગામને પોતાની રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પસંદ કર્યું. આ નિમિત્તે હરિજનસેવા, પ્રૌઢશિક્ષણ, ગ્રામસફાઈ, ખાદીકામ, મદ્યનિષેધ, પુસ્તકાલયપ્રવૃત્તિ જેવા અનેક કાર્યક્રમો ચલાવ્યા. 1937માં ગાંધીજીની પાયાની કેળવણીના અમલ માટે થામણાને પોતાનું થાણું બનાવ્યું. બબલભાઈએ જુવાનીનો મોટો ભાગ થામણામાં ગાળ્યો. ત્યાં રહીને ગ્રામસેવા કરતાં તેમણે 27 જેટલાં પુસ્તકો લખ્યાં, જેમના પુરસ્કારની રકમ પણ તેમણે ગ્રામસેવામાં જ રોકી. તેમણે સ્વાતંત્ર્યસેનાનીનું પેન્શન લેવાનું ટાળ્યું હતું. અખિલ ભારત સર્વસેવા સંઘે એમનાં ‘મારું ગામડું’ (1939) અને ‘ભીંતપત્રો દ્વારા લોકશિક્ષણ’ (1944) પુસ્તકો જોઈ દેશને ખૂણે ખૂણે કામ કરતા ગ્રામસેવકોને હૂંફ અને માર્ગદર્શન આપવા તેમને વિનંતી કરેલી અને તે માટે કર્ણાટક-કેરળ વગેરે પ્રદેશોનો પ્રવાસ તેમણે કર્યો હતો. વિનોબાજીની ભૂદાન-પ્રવૃત્તિને પણ લોકકેળવણીનું કામ લેખી તેમાં તેમણે સક્રિય ફાળો આપેલો.

ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમન્નનારાયણે તેમના કાર્યકાલ દરમિયાન બબલભાઈને ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં સભ્ય તરીકે નીમેલા. સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સેવાયોજનાની સલાહકાર સમિતિમાં તેમને લીધેલા. તદનુષંગે તેમણે કેટલાક તાલીમશિબિરો પણ ચલાવ્યા હતા.

બબલભાઈએ રચનાત્મક સેવાકાર્ય કરતાં કરતાં નાનાંમોટાં જે પુસ્તકો લખ્યાં તે તેમના વિચારજગત તેમજ અનુભવજગતનું શ્રદ્ધેય દર્શન કરાવી રહે છે. તેમનાં કેટલાંક નોંધપાત્ર પુસ્તકો આ પ્રમાણે છે : ‘મારું ગામડું’ (1939), ‘ભૂદાનનાં ગીતો’ (1952), ‘યજ્ઞસંદેશ’ (1955), સર્વોદય અને ભૂદાનયજ્ઞ (1956), ‘સર્વોદયની વાતો ભા. 1થી 5’ (1956–57), ‘જીવનસૌરભ’ (1960), ‘માનવતાના સંસ્કારો’ (1960), ‘સમૂહજીવનનો આચાર’ (1965), ‘બાપુને પ્રતાપે’ (1969) વગેરે.

રવિશંકર મહારાજને અનુલક્ષીને પણ તેમણે ‘રવિશંકર મહારાજ’ (1948) જેવું પુસ્તક પણ આપ્યું છે. ઉપરાંત તેમણે કેટલુંક અનુવાદનું સાહિત્ય પણ આપ્યું છે.

ગાંધીશૈલીના ગુજરાતના કેટલાક સંનિષ્ઠ રચનાત્મક કાર્યકરોમાં તેમનું નામ અને કામ મોખરાનું રહ્યું છે. તેમની આત્મકથા ‘મારી જીવનયાત્રા’(1982)માં તેમણે રચનાત્મક સેવામય પ્રવૃત્તિનો રસપ્રદ પરિચય આપ્યો છે.

હર્ષિદા દવે