મહેતા, નર્મદાશંકર દેવશંકર (દીવાન બહાદુર) (જ. 23 ઑગસ્ટ 1871, અમદાવાદ; અ. 21 માર્ચ 1939) : નૃસિંહાચાર્યજીના અનુયાયી, શ્રેય:સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિના પોષક અને અગ્રણી ગુજરાતી લેખક-ચિંતક, ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના ઊંડા અભ્યાસી. આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય, કવિ બાલાશંકર કંથારિયાના ભાણેજ, સંસ્કૃતનું ભાઉદાજી પારિતોષિક અને ભારતીય દર્શન માટે સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત પારિતોષિક મેળવનાર. નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના ધર્મવિભાગના અધ્યક્ષ, પ્રખર વક્તા, પ્રગાઢ વિદ્વાન. જન્મ નડિયાદના સાઠોદરા નાગર ગૃહસ્થ પરિવારમાં. પિતા દેવશંકર મામલતદાર. માતા રુક્ષ્મણી (રુક્મિણી) સંસ્કારી સન્નારી. 17 વર્ષે 1888માં મૅટ્રિક; અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના વિષય સાથે વડોદરાની કૉલેજમાંથી 1894માં સ્નાતક. ઊંચી ગુણવત્તાને લીધે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે નિમાયા. એ દરમિયાન આચાર્ય આનંદશંકર ધ્રુવના પરિચયે સંસ્કૃત-સંસ્કૃતિના અભ્યાસ પ્રતિ અભિરુચિ વધી જે આગળ જતાં એમના અધ્યયનનો વિષય બની રહી.
1896માં રેવન્યૂ ખાતામાં કારકુન તરીકે જોડાઈને ખંત અને નિષ્ઠાએ કલેક્ટર થયા. એમની તીવ્ર બુદ્ધિશક્તિના લીધે મુંબઈ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી કમિશનર તરીકે પસંદગી પામ્યા, પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાર્યકારી મુખ્ય અધિકારીની સફળ કામગીરી બજાવી. નિવૃત્તિ પછી મ્યુનિસિપાલિટીના સરકાર દ્વારા નિયુક્ત સભ્ય બન્યા. ઉત્તર વયમાં તેઓ ખંભાત રાજ્યના દીવાન પણ થયા હતા.
નર્મદાશંકરની સાહિત્યિક રુચિ ઊંચી હતી. વળી બાળાશંકર કંથારિયાના સહવાસ-સંસર્ગથી એમની સાહિત્યસાધનાને વેગ મળ્યો હતો. 1885માં એમણે ‘સતી નાટક’ની રચના કરી. એ એમની પ્રથમ સાહિત્યકૃતિ. સંસ્કૃત સાહિત્યના અધ્યયને 1892માં તોટકાચાર્યકૃત ‘શ્રુતિસારસમુદ્ધરણ’ તથા અપય્યદીક્ષિતકૃત ‘વૈરાગ્યશતક’નાં તેમનાં ભાષાંતરો પ્રસિદ્ધ થયાં. 1899માં ‘અદ્વૈતબ્રહ્મસિદ્ધિ’ નામક ગ્રંથનો અંગ્રેજી અનુવાદ કરીને બીજી વાર સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ મેળવ્યું. એમનો મૂળભૂત રસ તો ભારતીય તત્વજ્ઞાન અન હિન્દુ ધર્મના અધ્યયનનો હતો. એથી એ જ દિશામાં એમની અધ્યયનગતિ રહી અને એના ફળસ્વરૂપે એમની પાસેથી 2 ભાગમાં ‘હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ’ (1924, 1925) નામક અતિ મહત્વની કૃતિ ઉપલબ્ધ થઈ. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું ને અનન્ય પ્રકાશન છે. સંશોધન કરીને હિંદના તત્વજ્ઞાનનો પ્રમાણભૂત ઇતિહાસ આપવામાં એમની તે વિષયની રુચિ, ઊંડો અભ્યાસ અને દીર્ઘકાળનો પરિશ્રમ વરતાય છે. એમની બીજી મહત્વની કૃતિ તે ‘ઉપનિષદવિચારણા’ (1932). હિંદના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ ભારતીય તત્વજ્ઞાનના અર્ક સમાં ઉપનિષદ પર કરેલી વિચારણામાં નવી ર્દષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે. આ બંને કૃતિઓમાં એમની તત્વદર્શી પ્રતિભા કોળી છે.
ધર્મતત્વનું અધ્યયન કરતાં તેઓ કેવલાદ્વૈત અને શુદ્ધાદ્વૈતનો સમન્વય કરી બતાવે છે. વળી વેદશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની તુલના પણ કરે છે. શૈવ-વૈષ્ણવની જેમ જ શાક્ત સંપ્રદાયની પરંપરા પણ અતિ પ્રાચીન છે. ફાર્બસ સભા માટે તેમણે તૈયાર કરેલો ‘શાક્ત સંપ્રદાય’ (1932) ગ્રંથ પણ સુપ્રસિદ્ધ છે. જ્ઞાની કવિ અખા વિશે ઊંડાણપૂર્વક સંશોધન-અધ્યયન કરીને એમણે ‘અખાકૃત કાવ્યો’ ભાગ-1(1931)નું સંપાદન કર્યું. તેમાં અખાની કવિતા તથા તેના તત્વજ્ઞાનને સમજાવતી એમની વિશદ ર્દષ્ટિનો પરિચય મળે છે. વળી ‘ધર્મતત્વ-વિચાર’ના 4 ગ્રંથો (1972, 1977, 1978, 1980) એમનાં મરણોત્તર પ્રકાશન છે. એમાં સાહિત્ય, ધર્મ અને તત્વજ્ઞાનના લેખો સંગૃહીત થયેલા છે. આ ગ્રંથોનું સંપાદન અનંતરાય રાવળે કર્યું છે. તેમણે ‘સુપ્રજન શાસ્ત્ર’ (1923) અને ‘સંધ્યાકર્મવિવરણ’ (1924) જેવા ગ્રંથો પણ લખ્યા છે.
પ્રફુલ્લ રાવલ