મહેતા, નરેશ [જ. 15 ફેબ્રુઆરી 1922, શાજાપુર (માળવા), મધ્યપ્રદેશ; અ. 22 નવેમ્બર 2000, ભોપાલ] : હિંદી ભાષાના કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. તેમનું મૂળ નામ પૂર્ણશંકર શુક્લ હતું. સંપન્ન વૈષ્ણવ પરિવારમાં જન્મ. મૂળ ગુજરાતના, પરંતુ પેઢીઓથી તેમના પૂર્વજો મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા.

તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરણ્ય’ માટે 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1992માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આમ હિંદીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ પાંચમા વરિષ્ઠ કવિ હતા.

માધવ કૉલેજ, ઉજ્જૈનમાં ઉચ્ચ શિક્ષણ. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. પછી છ વર્ષ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો પર કાર્યક્રમ-અધિકારી (પ્રોગ્રામ-ઑફિસર) તરીકે કામગીરી કરી. 1942માં તેમણે ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગ લીધો. કેટલોક સમય હિંદી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક પણ રહ્યા. તેમણે ‘કૃતિ’ અને ‘સાહિત્યકાર’ જેવાં સામયિકોનું સંપાદન પણ કર્યું.

1959થી વીસ વર્ષ સુધી પ્રયાગમાં રહીને ઊંડી સાહિત્ય-સાધના કરી. 1985થી 5–6 વર્ષ તેઓ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાં પ્રેમચંદ સ્વાધ્યાયપીઠના અધિષ્ઠાતા રહ્યા. તે પછી પત્રકારત્વ અને સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ આદરી. તેઓ છાયાવાદ પછીની કવિતાધારાના એક પ્રતિનિધિ સર્જક હતા. તેમનાં કાવ્યોમાં નદીનાળાં, મેઘ, સૂર્યોદય, સૂર્યાસ્ત, વન અને પર્વતનાં સુરમ્ય અને સજીવ શબ્દચિત્રો નવી ભંગિમામાં રજૂ થયાં છે. આમ પ્રકૃતિના કવિ તરીકે તેમનું પ્રદાન ચિરસ્મરણીય છે. તેમનું નામ ‘નઈ કવિતા’ સાથે સંકળાયેલું છે, અને તેઓ ‘દૂસરા સપ્તક કે કવિ’ તરીકે ખ્યાતિ પામ્યા હતા.

તેમણે શિષ્ટ પ્રયોગશીલતા તથા નૂતન સંવેદનશીલતાને અનુરૂપ અભિવ્યક્તિ સિદ્ધ કરવા સંસ્કૃત શબ્દપ્રયોગોનો સવિવેક લાભ લીધો છે. ‘વનપંખી સુનો’, ‘સમય કા ભિક્ષુ’, ‘પુન: ભિક્ષુ’ જેવાં કાવ્યોમાં વાસ્તવિકતા માટેની તેમની ચિંતા તેમનાં ભાવનાત્મક સંવેદનોથી રસાઈને રજૂ થઈ છે. તેમણે સામાજિક જીવનનાં અસંગઠિત પાસાંને પણ આલેખ્યાં છે. તેમના કાવ્યસંગ્રહો ‘સંશય કી એક રાત’, ‘પ્રવાલ પર્વ’, ‘શબરી’ અને ‘મહાપ્રસ્થાન’ વેદ, ઉપનિષદ અને પુરાણો પર આધારિત છે. ‘સંશય કી એક રાત’માં રામના આંતરમનનો સંઘર્ષ વ્યક્ત થાય છે, જ્યારે ‘મહાપ્રસ્થાન’માં માનવજાતની મુક્તિ માટેની ઝંખના પ્રગટ થઈ છે.

તેમની કલમના સ્પર્શે જેમ કવિતા બની છે તેમજ નવલકથા, નાટક વગેરેમાંયે પ્રતિભાનો પ્રકાશપ્રભાવ અનુભવવા મળે છે. તેમની પ્રથમ નવલકથા ‘ડૂબતા મસ્તૂલ’ (1955) તેની વસ્તુસંકલના અને વિશિષ્ટ સાહિત્યિક શૈલી માટે નોંધપાત્ર છે. તેમાં સ્ત્રીઓ પરના અત્યાચારનો મુદ્દો વણી લેવામાં આવ્યો છે. તેમની અન્ય ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘યહ પથ-બંધુ થા’, ‘ઉત્તરકથા’ (બે ભાગ), ‘દો એકાંત’, ‘પ્રથમ ફાલ્ગુન’ અને ‘ધૂમકેતુ: એક શ્રુતિ’નો સમાવેશ થાય છે.

તેમના નાટ્યસંગ્રહ ‘ખંડિત યાત્રાયેં’માં રજૂ થયેલાં પાત્રોમાં જીવનની ખંડિતતાની તેમજ અસ્તિત્વની વિચ્છિન્નતાની વેદના વરતાય છે. તેમના વિવેચનગ્રંથોમાં ‘મુક્તિબોધ–એક અવધૂત કવિ’, ‘શબ્દપુરુષ અજ્ઞેય’ અને ‘કાવ્ય કા વૈષ્ણવ વિચાર’ ઉલ્લેખનીય છે. આમ તેમની કૃતિઓ બહુમુખી અને બહુઆયામી છે.

તેમની 30થી વધુ કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં 7 નવલકથાઓ, 2 નાટકો, 2 એકાંકીસંગ્રહો, 3 વાર્તાસંગ્રહો, 3 વિવેચનસંગ્રહો અને 13 કાવ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. તેમાંની અનેક કૃતિઓને રાજ્ય સરકારના તથા વિવિધ સંસ્થાનોના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. તેમની સાહિત્યસેવાઓ બદલ તેમને મધ્યપ્રદેશનું ‘શિખર સન્માન’ તથા ઉત્તર પ્રદેશના હિંદી સંસ્થાન દ્વારા ‘ભારતભારતી’ સન્માન પ્રાપ્ત થયું છે.

તેમની જ્ઞાનપીઠ પુરસ્કાર પામેલી કૃતિ ‘અરણ્ય’ 33 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં વાચકોને નવા જગતની અનુભૂતિ થાય છે. તેમાંનાં કાવ્યોમાં બૌદ્ધિક તેમજ ભાવનામય ઊંડાણ પ્રગટ થાય છે. તેમની આ કૃતિનું તેમ તેના આ સર્જકનું હિન્દી સાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન છે.

બળદેવભાઈ કનીજિયા

મહેશ ચોકસી