મહેતા, (ડૉ.) સુમંતભાઈ (જ. 1 જુલાઈ 1877, સૂરત; અ. 15 ડિસેમ્બર 1968) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર કાર્યકર, સમાજસુધારક. તેમનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા ડૉ. બટુકરામ શોભારામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમની માતા ડાહીગૌરી સૂરતના સંસ્કારી પરિવારનાં સભ્ય હતાં. સુમંતભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને મુંબઈમાં લીધા બાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વરસ અભ્યાસ કર્યો. તે પછી તેઓ વધુ અભ્યાસાર્થે માન્ચેસ્ટર (ઇંગ્લૅન્ડ) ગયા અને 1901માં વિક્ટૉરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. તેમના પિતાશ્રીના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના તબીબ અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા અને રાજકુટુંબ સાથે તેમના મીઠા સંબંધો ચાલુ રહ્યા. અમદાવાદના પ્રસિદ્ધ સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે 1898માં તેમનાં લગ્ન થયાં હતાં. શારદાબહેન પણ પતિ સાથે જાહેર જીવનમાં ભાગ લેતાં હતાં.

સુમંતભાઈએ 1910–’11 દરમિયાન વડોદરાના મહારાજા સાથે ચીન, જાપાન, ઇંગ્લૅન્ડ, જર્મની, ઇટાલી, ફ્રાંસ, યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાનો પ્રવાસ કર્યો. તેનાથી તેમની વિશાળ ર્દષ્ટિ કેળવાઈ. બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના તેમજ રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને ઉંમર ખય્યામના ગ્રંથોના વાચનનો તેમના જીવન ઉપર પ્રભાવ પડ્યો. મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ બીજાંએ તેમને દેશભક્ત બનાવવામાં મહત્વનું પ્રદાન કર્યું હતું.

ડૉ. સુમંતભાઈ મહેતા

કારકિર્દીની શરૂઆતનાં વરસોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું વૈભવી જીવન જીવતા હતા; પરંતુ 1906માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને તે પછી ગોપાલ કૃષ્ણ ગોખલેની પ્રેરણાથી તેમણે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનો નિર્ણય કર્યો; પરંતુ ગોખલેના અવસાન બાદ તેમના વિચારો બદલાયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો સારી પેઠે ઘટાડી દીધી. સમય જતાં તેઓ વિવિધ ક્ષેત્રે સુધારાના હિમાયતી અને સ્પષ્ટવક્તા બન્યા. વડોદરા રાજ્યની સેવામાં ચાલુ રહેવાનું મુશ્કેલ બનવા છતાં, મહારાજાએ તેમના પ્રત્યેની લાગણીને લીધે 1921 સુધી સેવાનિવૃત્ત કર્યા નહિ. 1923માં ખેડા જિલ્લાના સોજિત્રા ગામે ભરાયેલ ખેડૂત-પરિષદનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું. ગુજરાતમાં 1927માં આવેલ રેલસંકટ દરમિયાન તેમણે રેલરાહતના કાર્યમાં વડોદરામાં સહાય કરી. બારડોલી સત્યાગ્રહ (1928) દરમિયાન તેમણે તેમનાં પત્ની શારદાબહેન સાથે સરભોણ વિભાગની છાવણી સંભાળી અને તે વિભાગમાં લોકોનો જુસ્સો જાળવી રાખ્યો. તેમણે ગુજરાતની યુવક-પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યો અને 1929માં યુવક સંઘની પરિષદ ભરી. બીજે વરસે 1930માં વડોદરા રાજ્ય પ્રજામંડળનું આઠમું અધિવેશન નવસારી મુકામે તેમના પ્રમુખપદે યોજવામાં આવ્યું. ત્યારબાદ પ્રજામંડળનું તેરમું અધિવેશન મે 1936માં નવસારી પાસેના કઠોર ગામે તેમના પ્રમુખપદે યોજાયું. ગ્રામજીવનના વિકાસ માટે તેમણે શેરથા (તા. કલોલ) મુકામે 1936માં એક આશ્રમ સ્થાપ્યો હતો. તેમણે આદિવાસી ખેડૂતો, રાનીપરજ અને દક્ષિણ ગુજરાતના હાળીઓની સ્થિતિ સુધારવાની પ્રવૃત્તિ કરી હતી. તે માટે કિસાન ચળવળમાં તેઓ સક્રિય હતા. 1938માં હરિપુરામાં મળેલ કૉંગ્રેસના અધિવેશન વખતે તેમણે ઇંદુલાલ યાજ્ઞિક સાથે કિસાનોની જંગી રેલી કાઢી અને માગણીપત્ર રજૂ કર્યું હતું. તેઓ વર્તમાનપત્રો અને માસિકોમાં ખેડૂતોની અવદશા અને તેમનો વિકાસ કરવા અંગેના લેખો પણ લખતા હતા.

યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ મૅડમ કામા, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારોને મળ્યા હતા. મોટું જોખમ લઈને ‘ધી ઇન્ડિયન વૉર ઑવ્ ઇન્ડિપેન્ડન્સ’ નામના સાવરકર-લિખિત પ્રતિબંધિત ગ્રંથની નકલ તેઓ ભારતમાં લાવ્યા હતા. સવિનય કાનૂનભંગની ચળવળમાં (1930–’32) એમની ધરપકડ કરી, જલાલપોરની જેલમાં રાખી પૅરોલ પર છોડ્યા. પૅરોલના હુકમનો ભંગ કરવા માટે એક વર્ષની  કેદ અને રૂ. 500/- દંડ અથવા છ મહિનાની વધુ કેદની સજા કરવામાં આવી. તેમણે સાબરમતી, વીસાપુર અને નાસિક જેલમાં, જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. તેઓ સ્વદેશી, અહિંસા, ધર્મનિરપેક્ષતા અને દેશ માટે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમના જીવનનાં સંભારણાં રજૂ કર્યાં છે.

જયકુમાર ર. શુક્લ