મહેતા, સુજાતા પ્રહલાદરાય

January, 2002

મહેતા, સુજાતા પ્રહલાદરાય (જ. 11 માર્ચ 1959, નવસારી) : ગુજરાતી રંગમંચનાં અભિનેત્રી. અભિજાત દશા શ્રીમાળી પોરવાડ પરિવારના સંસ્કારોથી સંપન્ન રેખાબહેન તે તેમની માતા અને સ્વાતંત્ર્યસેનાની પ્રહલાદરાય તે તેમના પિતા. સુજાતા મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં.

કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા મુંબઈના તખ્તાના કલાકારો હતાં. તેમના અભિનય-સંસ્કારો ઝીલીને બાળપણથી જ તેઓ રંગભૂમિ પર અભિનય કરવા પ્રેરાયાં. માત્ર 13 વર્ષની ઉંમરે અંગ્રેજી નાટક ‘વેટ અન્ટિલ ડાર્ક’માં તેમણે અંધ છોકરીની મહત્વની ભૂમિકા કરી. આઇ.એન.ટી.ના બાળનાટક તેમજ હિન્દી વીડિયો ફિલ્મ ‘સિયાહી’માં પણ તેમણે અભિનય કર્યો. મુંબઈની ગુજરાતી રંગભૂમિએ સુજાતાનું અભિનય-ઘડતર કર્યું. અભિનયની વ્યવસ્થિત તાલીમ લીધી ન હોવા છતાં સુજાતાએ નાટકોમાં કામ કરતાં કરતાં જ ઉચ્ચ કોટિના અભિનયને આત્મસાત્ કર્યો. ગુજરાતી તખ્તાએ જે શીખવ્યું એ જ તેમની સમૃદ્ધ અભિનય-મૂડી બની રહી. કાન્તિ મડિયાના ઉત્કૃષ્ટ ગુજરાતી નાટક ‘અમે બરફનાં પંખી’માં કૅન્સરને કારણે જેની જિંદગી ધીમે ધીમે ઓગળતી જાય છે તેવી યુવતીની યાદગાર ભૂમિકા; તખ્તાના જાણીતા કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘પેરૅલિસિસ’માં, દૂરદર્શનનાં ઘણાં ટીવી નાટકોમાં તેમજ પ્રવીણ જોશીના પ્રસિદ્ધ નાટક ‘થૅંક યૂ મિસ્ટર ગ્લાડ’માં પણ મહત્વની ભૂમિકા ઉપરાંત ગુજરાતી રંગમંચ પર દેશ-વિદેશમાં 600થી વધુ નાટ્યપ્રયોગ-ઇતિહાસ સર્જનારા નાટક ‘ચિત્કાર’માં માનસિક યાતનાથી પીડાતી નારીની વિક્રમસર્જક ભૂમિકા – એમ વિવિધ ભૂમિકાઓમાં તેઓ રંગમંચ ઉપર પ્રભાવક રીતે રજૂ થયાં. ગુજરાતી રંગભૂમિની સમાંતરે સુજાતાએ વ્યાવસાયિક વિજ્ઞાપનોમાં મૉડલિંગ પણ કર્યું. આ ઉપરાંત દૂરદર્શનની શરદબાબુની નવલકથા ‘શ્રીકાંત’ પર આધારિત જાણીતી શ્રેણીમાં સુજાતાએ રાજલક્ષ્મીનું પાત્ર ભાવવાહી રીતે ભજવવા ઉપરાંત લોકપ્રિય શ્રેણી ‘ખાનદાન’માં સ્વાભિમાની નારી-પ્રતિભાની ભૂમિકા, ‘યસ સર’માં શફી ઇનામદારની સાથે કૉલેજગર્લની ભૂમિકા, પંડિત જવાહરલાલ નહેરુના પ્રસિદ્ધ ગ્રંથ ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ પર આધારિત અને શ્યામ બેનેગલ નિર્દેશિત શ્રેણીમાં દ્રૌપદીની ભૂમિકા ભજવી.

સુજાતાના ઉચ્ચ કોટિના અભિનયને કારણે હિન્દી ચલચિત્રોમાં પણ તેમને સ્થાન મળ્યું. તેલુગુ ફિલ્મ ‘પ્રતિઘટના’ પરથી બનેલી દિગ્દર્શક એન. ચંદ્રાની ક્રાંતિકારી નાયિકાપ્રધાન ફિલ્મ ‘પ્રતિઘાત’માં લક્ષ્મી જોશીની પડકારરૂપ ભૂમિકા ભજવી. આ પછી 1988માં ‘કનવરલાલ’માં રૂપયૌવનાની, તેમજ ‘યતીમ’માં ખલનાયિકાની તથા 1990માં ‘ગુનાહોં કા દેવતા’માં પોલીસ-ઇન્સ્પેક્ટરની ભૂમિકાઓ ભજવી. 1991માં ‘ગુનહગાર કૌન ?’ અને ‘પ્રતિજ્ઞાબદ્ધ’માં ગામડાની છોકરીની ભૂમિકા હતી. 1995માં ‘મેરી મોહબ્બત મેરા નસીબા’ અને 1996માં ‘જંગ’ ફિલ્મમાં તેમનો અભિનય હતો. આ ઉપરાંત શેખર સુમન જોડે ‘અંદાઝ’ કથાશ્રેણીમાં અભિનય કર્યો. કેતન મહેતાની કથાશ્રેણી ‘સરસ્વતીચંદ્ર’માં સુજાતા ગુણસુંદરીની ભૂમિકામાં જોવા મળે છે.

સુજાતાનું અભિનયક્ષેત્ર ગુજરાતી તખ્તાથી હિન્દી ચલચિત્ર સુધી વિસ્તરેલું છે, પરંતુ તેમની પહેલી પસંદગી રંગમંચ છે. પાત્રને જીવંત અને જાનદાર બનાવવું એ તેમનું લક્ષ છે. ભારતીય નારીનાં સંવેદનોને ઝીલતી સશક્ત ભૂમિકાઓ તેમણે ભજવી છે. રંગમંચનાં સુજાતા મહેતા ગુજરાતી નાટક ‘ચિત્કાર’ અને હિન્દી ફિલ્મ ‘પ્રતિઘાત’ના ઉત્કૃષ્ટ અભિનયને કારણે દર્શકોની ચિરકાલીન સ્મૃતિમાં રહેશે.

હરીશ રઘુવંશી