મહીપાલ બીજો (શાસનકાળ ઈ. સ. 1070–1075) : બંગાળના પાલ વંશનો રાજા. પાલ વંશના રાજા વિગ્રહપાલ ત્રીજાનું અવસાન થયા બાદ તેના ત્રણ પુત્રો મહીપાલ, સૂરપાલ અને રામપાલ વચ્ચે ગાદી મેળવવા માટે ઝઘડો થયો. તેમાં મહીપાલ રાજા બનવામાં સફળ થયો. વિદેશી આક્રમણોને લીધે તેનું રાજ્ય નબળું પડી ગયું હતું. કેન્દ્ર સરકારની નબળાઈનો લાભ લઈને તેના સામંતો શક્તિશાળી બની ગયા હતા. મહીપાલ તેના ભાઈઓ પ્રત્યે માયાળુ હતો; પરન્તુ કેટલાક તોફાની લોકોએ ખોટો હેવાલ આપ્યો કે તેઓ તેના વિરુદ્ધ કાવતરું કરે છે. તે હેવાલને ચકાસ્યા વિના તેણે ભાઈઓને જેલમાં પૂર્યા અને તેમના પ્રત્યે અપમાનજનક વર્તાવ કર્યો. તેથી ભાઈઓ તેના વિરોધી બન્યા. આ દરમિયાન ઘણા સામંતોએ ભેગા થઈને તેની સત્તા કચડી નાખવા સૈન્ય સહિત કૂચ કરી. કાર્યદક્ષ મંત્રીઓની સલાહની અવગણના કરીને થોડા સૈનિકો સાથે તે બળવાખોરોની સામે ગયો. સામંતોએ મહીપાલને સખત હાર આપી. એ લડાઈમાં જ તે માર્યો ગયો.
જયકુમાર ર. શુક્લ