મહિના : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. એમાં સંસ્કૃતની ‘ઋતુસંહાર’ જેવાં ઋતુકાવ્યોની પરંપરાનું સાતત્ય જોઈ શકાય. એ ‘બારમાસી’ કે ‘બારમાસ’ તરીકે  પણ ઓળખાય છે. એ ઋતુકાવ્યનો એક પ્રકાર છે, જેમાં વિરહિણી નાયિકાના વિપ્રલંભ શૃંગારની કરુણ અવસ્થાનું વર્ણન પ્રત્યેક માસ સાથે સાંકળવામાં આવ્યું હોય છે. નાયિકાની વિરહાવસ્થાનું વર્ણન સામાન્ય રીતે કારતક માસથી શરૂ થતું હોય છે, પણ ચૈત્ર અને અષાઢથી શરૂ થતા વર્ણનના પણ સંખ્યાબંધ મહિના રચાયા છે. અધિક માસ આવે તો તેમાં 13 માસનું આલેખન થતું હોય છે. બાર માસ કે તેર માસના મહિનામાં અંતે નાયક-નાયિકાનું મિલન આલેખાતું હોય છે. વિપ્રલંભની અવસ્થા પરાકાષ્ઠાએ પહોંચતાં પ્રિયતમ અચૂક આવી પહોંચે અને વિપ્રલંભ સંયોગમાં પરિણમે એવું સામાન્ય રીતે આ કાવ્યપ્રકારમાં અંતભાગે બનતું હોય છે. પ્રકૃતિતત્વોનો ઉદ્દીપનવિભાવ તરીકે વિનિયોગ કરી, ઋતુગત વિશિષ્ટતાઓના સંદર્ભમાં નાયિકાનાં તનમનની અવસ્થાનું અહીં નિરૂપણ થતું હોય છે. ઘણાખરા મહિનાઓમાં વર્ણન બંધાયેલી રૂઢિ પ્રમાણે થતાં હોય છે, પણ શક્તિશાળી કવિ એમાં કલ્પના અને ભાવોદ્રેકના સંકલનથી હૃદયંગમ ચિત્રો ઉપસાવે છે. પ્રત્યેક માસમાં નાયિકાની અવસ્થાનું અને તેના સંચારી ભાવોનું નિરૂપણ થતું હોવાથી સમગ્ર રૂપે આ પ્રકારની કૃતિઓ પદમાલાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે અને એમાં પ્રત્યેક પદમાં જે તે માસનું પ્રભાવક આલેખન કરવાનો કવિને અવકાશ રહેતો હોય છે. ઘણુખરું કૃષ્ણનો વિરહ રાધા અને ગોપીઓને માસે માસે અને ઋતુએ ઋતુએ કેવો સાલે છે તેનું વર્ણન મહિનાઓમાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ બારમાસ પદ્યપ્રકાર એટલો લોકપ્રિય રહ્યો છે કે અનેક સંપ્રદાયના કવિઓએ એનો ઉપયોગ કર્યો છે; તેથી સીતાનો રામ માટેનો વિરહ પણ એમાં ગવાયેલો મળે છે. આ મહિનાઓમાં રચનાનું વૈવિધ્ય સારા પ્રમાણમાં મળે છે. જૈનેતર કવિઓના મહિનાઓમાં રાગબદ્ધ ઢાળ કે દેશીનો ઉપયોગ થતો હોય છે અને જૈન કવિઓમાં પ્રચલિત ગીતનો રાહ પણ આવતો હોય છે. રત્નેશ્વરે બારમાસાની રચનામાં માલિની વૃત્તનો ઉપયોગ પણ કર્યો છે. કેટલાક મહિનાઓ–બારમાસા મંગલાચરણ કે ઇષ્ટદેવની સ્તુતિથી શરૂ થાય છે ને કેટલાકમાં વર્ણનથી જ સીધો ઉપાડ થાય છે. કેટલાકમાં પાત્રમુખે  વિરહની કથની વ્યક્ત થાય છે તો કેટલાકમાં કવિ જ પાત્રોની મનોવ્યથાનો ચિતાર આપે છે. નરસિંહ, પ્રેમાનંદ, રત્નેશ્વર, થોભણ, પ્રેમસખી, ગિરધર અને દયારામે રાધાકૃષ્ણના મહિનાનાં કાવ્યો લખ્યાં છે. જૈન કવિઓમાં નેમિ-રાજુલનાં પાત્રો અવલંબનરૂપ રહ્યાં છે. વળી મહિનાનું સ્વરૂપ કેટલાક કવિઓએ જ્ઞાનોપદેશ માટે પણ ઉપયોગમાં લીધું છે. તે માટે અખો, પ્રીતમ, દિવાળીબાઈ, ભોજો આદિ સુવિદિત છે.

મધ્યકાળમાં મહિના, બારમાસી–બારમાસનો પ્રકાર ખૂબ ખેડાયો છે. તે વખતના સામાજિક જીવનમાં પુરુષોના દીર્ઘપ્રવાસ–ખેડાણને કારણે આ સ્વરૂપમાંનું કથયિતવ્ય સુસંગત રહેતું. રત્ના અને રાજેના મહિના ખૂબ પ્રસિદ્ધ છે. ઇન્દ્રાવતીની ‘વિરહ બારમાસી’ ભાવોત્કટ નિરૂપણ માટે સુખ્યાત છે. જૈન કવિ વિનયચંદ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’થી માંડીને ચારિત્રકલશ, જશવંતસૂરિ, વિનયવિજય, માણિક્યવિજય અને જિનહર્ષ વગેરેએ બારમાસી કાવ્યો આપ્યાં છે. માણિક્યવિજયની કૃતિ ‘નેમિનાથ-રાજમતી બારમાસ’ અતિ નોંધપાત્ર છે. વલ્લભ ભટ્ટે અંબાજીના મહિના રચ્યા છે.

અર્વાચીન કાવ્યસાહિત્યમાં પણ આ પ્રકાર દલપત-નર્મદથી માંડીને આજદિન સુધી ખેડાતો આવ્યો છે. લોકગીતોમાં પણ આ પ્રકાર સુપેરે ખેડાયો છે. આધુનિકોમાં રાજેન્દ્ર શુક્લે આ કાવ્યપ્રકારનો પ્રયોગ કર્યો છે.

મનોજ દરુ