મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ.

પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ 1981માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-એમબીએની ડિગ્રી મેળવી. બિલ ગેટ્સ આનંદ મહિન્દ્રાના સહપાઠી હતા.

આનંદ મહિન્દ્રા ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે. તેઓ મુંબઈસ્થિત વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ છે. મહિન્દ્રા પરિવારમાં આનંદ મહિન્દ્રા ત્રીજી પેઢીના ઉદ્યોગપતિ છે. તે અબજોપતિઓની વૈશ્વિકયાદીમાં 1434મા સ્થાને અને ભારતના 91મા ક્રમાંકે સૌથી અમીર ઉદ્યોગપતિ છે. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ગ્રૂપને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો શ્રેય આનંદ મહિન્દ્રાને આપવામાં આવે છે. મહિન્દ્રા ઍન્ડ  મહિન્દ્રા ગ્રૂપ તેના ટ્રેક્ટર અને એસ.યુ.વી. વાહનો માટે જાણીતું છે. મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ગ્રૂપનો બિઝનેસ ઓટોમોબાઈલથી લઈને ઈન્ફોર્મેશન ટેકનોલોજીસહિત 22 ઈન્ડસ્ટ્રીઝમાં ફેલાયેલો છે.

મહિન્દ્રા ગ્રૂપને રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં લઈ જવાનો યશ આનંદ મહિન્દ્રાને જાય છે. આનંદ મહિન્દ્રા $19 અબજની નેટવર્થ સાથે મહિન્દ્રા ઍન્ડ  મહિન્દ્રા ગ્રૂપનાઍ ચેરમેન છે. ફોર્બ્સ અનુસાર, આનંદ મહિન્દ્રાની કુલ નેટવર્થ $ 2.1 અબજ છે. આનંદ મહિન્દ્રાની પત્ની અનુરાધા રોલિંગ સ્ટોન ઇન્ડિયા અને મેન્સ વર્લ્ડનાં એડિટર રહી ચૂક્યાં છે. અનુરાધા મહિન્દ્રા જીવનશૈલી મૅગેઝિન વર્વેનાં સ્થાપક, સંપાદક અને પ્રકાશક છે. તેમની આલિકા અને દિવ્યા નામની બે પુત્રીઓ છે. મહિન્દ્રાને ટ્વિટર પર 1.05 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. આનું કારણ એ છે કે આનંદ મહિન્દ્રા એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એક પ્રેરણાદાયી વ્યક્તિ પણ છે.

આનંદ મહિન્દ્રાએ પોતાની કારકિર્દીની શરૂઆત 1981માં મહિન્દ્રા યૂજીન સ્ટીલ કંપની લિમિટેડના ફાઇનાન્સ ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કરેલી. 1989માં તેમને મહિન્દ્રા યૂજીન સ્ટીલ કંપની લિમિટેડના અધ્યક્ષ અને ડેપ્યુટી મૅનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કરાયા. તેમણે રિયલ એસ્ટેટ વિકાસ અને આતિથ્ય પ્રબંધનના નવા વ્યાવસાયિક ક્ષેત્રોમાં મહિન્દ્રા સમૂહના વૈવિધ્યકરણનો આરંભ કર્યો. 4 એપ્રિલ, 1991થી આનંદ મહિન્દ્રા ભારતના ઓફ-રોડ વાહનો અને કૃષિક્ષેત્રમાં વપરાશમાં લેવાતાં ટ્રૅક્ટર જેવાં યંત્રોનાં નિર્માણ માટે પ્રચલિત મહિન્દ્રા ઍન્ડ  મહિન્દ્રા લિમિટેડમાં ડેપ્યુટી મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે સામેલ થયા. 2001માં આનંદ મહિન્દ્રા ઍન્ડ  મહિન્દ્રા લિમિટેડમાં ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત થયા. 2011માં આનંદને એશિયાના 25 સૌથી શક્તિશાળી વ્યાપારીઓની સૂચિમાં સામેલ કરાયા .

વર્ષ 2012માં કાકા કેશુબ મહિન્દ્રા બોર્ડના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા બાદ આનંદ મહિન્દ્રાએ અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યો. 2014માં આનંદ મહિન્દ્રાએ પોતાના બનેવી અને ખેલ કોમેન્ટેટર ચારુ શર્મા સાથે ભારતમાં વ્યાવસાયિક સ્તરની કબડ્ડી લીગ પ્રો કબડ્ડી લીગ લૉન્ચ કરી. 2014માં જ આનંદ મહિન્દ્રા, મુકેશ અંબાણી અને મહેશ સમતે મળીને EPIC નામની ભારતીય ટેલિવિઝન ચૅનલ શરૂ કરી. બે વર્ષ બાદ અંબાણી અને સમતે પોતાનો હિસ્સો મહિન્દ્રાને વેચી દેતાં હવે એક માત્ર તેઓ ચૅનલનો માલિકીહક ધરાવે છે.

આનંદ મહિન્દ્રા કેટલીક નામી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા : 2009માં વિશ્વ આર્થિક મંચના સહ-અધ્યક્ષ હતા. એપ્રિલ, 2014માં યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ બોર્ડના સભ્ય બન્યા. લિંકન સેન્ટર, ન્યૂયૉર્કમાં ભારત સલાહકાર પરિષદના અધ્યક્ષ છે. જાન્યુઆરી 2015માં લંડનના પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયના ટ્રસ્ટી તરીકે ચાર વર્ષ માટે નિયુક્ત કરાયેલી ટીમના સભ્ય રહ્યા. ‘માનવીય ખુશી માટે ડિઝાઇન’નો ઉપયોગ કરવાના પ્રબળ સમર્થક એવા આનંદ ગવર્નિંગ કાઉન્સિલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના અધ્યક્ષ અને ઇન્ડિયા ડિઝાઇન કાઉન્સિલના અધ્યક્ષ છે. આ ઉપરાંત આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એશિયા –પ્રશાંત સલાહકાર બોર્ડમાં, હાર્વર્ડ યુનિવર્સિટી એશિયા સેન્ટરની સલાહકાર સમિતિમાં, હાર્વર્ડ વૈશ્વિક સલાહકાર પરિષદમાં, એશિયા બિઝનેસ કાઉન્સિલમાં, વિદેશ સંબંધ પરિષદના વૈશ્વિક સલાહકાર બોર્ડમાં, વ્યવસાય કરવા માટેના વિશ્વ બૅન્ક સમૂહના સલાહકાર બોર્ડમાં અને મુંબઈ એકૅડેમી ઓફ ધ મૂવિંગ ઇમેજના બોર્ડમાં સભ્ય તરીકે કાર્યરત છે.

આનંદ મહિન્દ્રાને અનેક સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. 2004માં ઉદ્યોગક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજીવ ગાંધી પુરસ્કાર, 2004માં જ ફ્રાન્સીસી ગણરાજ્યના રાષ્ટ્રપતિ દ્વારા  ‘નાઇટ ઓફ ધ ઑર્ડર મેરિટ’, 2005માં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી લીડરશિપ ઍવૉર્ડ, 2006માં સીએનબીસી એશિયાનો એ વર્ષનો બિઝનેસ લીડર પુરસ્કાર, 2008માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ પૂર્વ છાત્ર ઉપલબ્ધિ પુરસ્કાર, 2009માં અર્ન્સ્ટ ઍન્ડ  યંગ એન્ટર પ્રેન્યોર ઓફ ધ યર ઇન્ડિયા પુરસ્કાર, 2011માં ધ એશિયન ઍવૉર્ડ્સનો બિઝનેસ લીડર ઓફ ધ યાર પુરસ્કાર, 2012માં યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનો ગ્લોબલ  લીડરશિપ ઍવૉર્ડ, 2012માં જ એશિયન સેન્ટર ફોર કૉર્પોરેટ ગવર્નન્સ ઍન્ડ  સસ્ટેનેબિલિટીનો સર્વશ્રેષ્ઠ પરિવર્તનકારી નેતા પુરસ્કાર, 2013માં ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપનો  ‘વર્ષના ઉદ્યમી’ પુરસ્કાર, 2014માં બિઝનેસ ટુ ડે સીઈઓ ઓફ ધ યર અને  2016માં  ઇન્ટરનેટ ઍન્ડ  મોબાઇલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વરા સોશિયલ મીડિયા પર્સન ઓફ ધ યરના પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા છે. 2020માં આંનદ મહિન્દ્રાને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા હતા.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહે છે. તેઓ ટૅક્નૉલૉજી અને જુદા-જુદા વિષયો પર ટ્વિટ કરીને અથવા સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને માહિતી આપતા હોય છે. આ ઉપરાંત તેઓ પ્રેરણા દાયક કિસ્સા વિશે પણ જણાવતા હોય છે. એક યુઝર દ્વારા પુછાયેલા ‘તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિ ક્યારે બનશો?’ સવાલના જવાબમાં મહિન્દ્રાએ કહેલું કે, ‘સાચી વાત એ છે કે હું ક્યારેય સૌથી ધનિક નહીં બની શકું. કારણકે સૌથી શ્રીમંત બનવાની મારી કોઈ ઇચ્છા જ નથી.’

 

ટીના દોશી