મહાશિવરાત્રિ : ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ. દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષશિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની રાત્રિને માસ શિવરાત્રિ કહે છે. યોગી પોતાની શક્તિથી જે શિવરાત્રિ ઉત્પન્ન કરે તેને યોગશિવરાત્રિ કહે છે. જ્યારે ગુજરાતી સંવત મુજબ મહા માસની અને મારવાડી સંવત મુજબ ફાગણની વદ ચૌદશને મહાશિવરાત્રિ કહે છે.

તે દિવસે રાત્રિના ચારે યામ જુદી જુદી પૂજા કરવામાં આવે છે. કથાશ્રવણ, બ્રહ્મભોજન તથા દીપદાન કરાય છે. ‘શિવરહસ્ય’માં જણાવ્યું છે કે ફાગણ વદ ચૌદશે શિવપૂજન કરવું. આ તિથિ ત્રિસ્પૃશા હોય એટલે કે સૂર્યોદય, પ્રદોષ અને રાત્રિ સુધી ફેલાયેલી હોય તો ઉત્તમ છે. તેમાં પણ મંગળવાર હોય તો સાક્ષાત્ શિવયોગ જ ગણાય, તેવો પુરાણોનો મત છે. આ દિવસે શિવપૂજન, જાગરણ અને વ્રત કરવામાં આવે તો પુનર્જન્મ નથી તેવો સ્કંદપુરાણનો મત છે. ચારેય વર્ણ, ચાંડાળ, સ્ત્રી–સૌ કોઈ આ વ્રત કરી શકે છે. શિવને સૌ કોઈની પૂજા ગ્રાહ્ય છે. ગરીબમાં ગરીબ પણ કરી શકે છે. વેદપાઠીને અને તાંત્રિકને પણ એનું મહત્વ છે. આનાથી સર્વ પ્રકારનાં પાપનો નાશ થાય છે, સુખોપભોગ પ્રાપ્ત થાય છે, મોક્ષ મળે છે. ધર્મશાસ્ત્રીય ગ્રંથ ‘મદનરત્ન’ જણાવે છે કે આ વ્રત નિત્ય છે અને કામ્ય છે. તે પ્રતિવર્ષ કરવાનું હોઈ નિત્ય છે. શિવપુરાણ આ વ્રત વિશે વિસ્તૃત માહિતી આપે છે. મત્સ્યપુરાણમાં શિવપાર્વતીનો સંવાદ છે. તેમાં શિવ પાર્વતીને કહે છે, ‘જે કોઈ પદ્ધતિસર આ વ્રત કરે છે તે મને ચોક્કસપણે સંતોષે છે. શ્રદ્ધાથી મને ખાલી બિલ્વપત્ર ચડાવે તોપણ મને સંતોષ થાય છે.’ આ દિવસનું મહત્વ અનેક રીતે છે.

ભગવાન શિવ

(1) સેંકડો સૂર્ય જેવા તેજસ્વી જ્યોતિર્લિંગનો સૌપ્રથમ પ્રાદુર્ભાવ આ દિવસે રાત્રે થયો હતો. (2) સૃષ્ટિના આરંભે બ્રહ્માએ સૌપ્રથમ રુદ્રરૂપી શિવને પ્રગટાવ્યા. તે આ દિવસે પ્રગટ્યા હતા. (3) વિગત પ્રલયને કારણે સર્વત્ર શૂન્યતા હતી. આ દિવસે શંકરે તાંડવનૃત્ય કર્યું. ડમરુના નિનાદ કર્યા. તેમાંથી સમગ્ર વાયુમંડળમાં જ્ઞાનવિજ્ઞાનનાં સૂક્ષ્મ રૂપ પ્રગટાવ્યાં અને તેનાથી સમગ્ર જગત વ્યાપ્ત કરી દીધું. આ દિવસનું આ રીતે ત્રિવિધ મહત્વ છે. સામવેદીય અને ઋગ્વેદીય પદ્ધતિથી સ્વસ્તિવાચન કર્યા પછી, ચાર વાર પ્રત્યેક પ્રહરમાં શિવપૂજન કરવાનું વિધાન છે. આ વ્રતની કથા તરીકે સુધન્વા બ્રાહ્મણની કથા અને વ્યાધ અને મૃગની કથા અતિપ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતમાં દુષ્ટ બ્રાહ્મણની કથા પણ જાણીતી છે. આ કથાનો બોધ પણ એ છે કે અજાણતાં પણ થતું શિવને બિલ્વપત્રઅર્પણ મોક્ષદાયી બની શકે છે, પુણ્યદાયી બની શકે છે. 12, 14 કે 24 વર્ષ સુધી મહાશિવરાત્રિનું વ્રત કર્યા પછી તેનું ઉદ્યાપન કરવામાં આવે છે. તેમાં સર્વતોભદ્ર મંડળમાં કળશસ્થાપના કરી શિવપાર્વતીની સુવર્ણમૂર્તિ સ્થાપી ઘીની આહુતિઓ આપવામાં આવે છે. 14 બ્રાહ્મણોની પૂજા, વસ્ત્ર વગેરેનું દાન અને અન્ય દાનો કરવામાં આવે છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા