મહાશ્વેતા કાદંબરી : કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તરે લખેલું ગુજરાતી નાટક. સંસ્કૃત ભાષાના કવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના આધારે રચાયેલું આ નાટક 1910માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’એ ભજવ્યું હતું. બાણભટ્ટની અટપટી અને આંટીઘૂંટીવાળી લાંબી કથાને નાટકમાં ઢાળતાં એમણે ઘણી કાપકૂપ કરી છે. નાટકો માટે સંસ્કૃત કથાને પસંદ કરી નવો અભિગમ અપનાવવાનું તેમનું ર્દષ્ટિબિંદુ સૂચક છે.

આ નાટકની ભાષામાં ઘણી જગાએ સંસ્કૃતની છાંટ છે. સંસ્કૃત ભાષાનો શબ્દ-વૈભવ નાટકમાં મોજૂદ છે. આ નાટકમાં 18 સ્ત્રી-પાત્રો અને 12 પુરુષ-પાત્રો છે. કાદંબરી જેવી સંસ્કૃત ભાષાની કૃતિને ગુજરાતી રંગભૂમિ ઉપર ઉતારવાનો લેખકનો  પુરુષાર્થ, સમકાલીન નાટ્યકારો કરતાં તેમનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રગટ કરે છે.

આ નાટકની વસ્તુસંકલના અને અંક-પ્રવેશ-યોજના, કાદંબરી-કથાની કવિ બાણરચિત સંકલનાને અનુસરવાને બદલે મહાશ્વેતા–પુંડરિકના મિલનથી શરૂ કરી, પહેલા અંકના પાંચમા પ્રવેશમાં કથા-તત્વ રજૂ કરી, છઠ્ઠા પ્રવેશમાં કાદંબરીને ઉપસ્થિત કરી, પછી એક વધુ પ્રવેશ તેને આપી, ચંદ્રાપીડ તેને પ્રથમ મળે ત્યાં સુધીની તેની અને તેની સખીની જીવનઘટના નાટ્યકારે રજૂ કરી છે. ચંદ્રાપીડ તો બીજા અંકના ચોથા પ્રવેશમાં પ્રથમ વાર રંગભૂમિ પર આવે છે.

ફ્લૅશ-બૅક જેવું કાર્ય કરી આપતી આ યોજના નાટકમાં અસરકારક રીતે પાર પડી છે.

એક પ્રસંગે કાદંબરીના હાથમાં વીણાના તાર તૂટી જાય છે. તે જ પળે મહાશ્વેતા વિધવા બન્યાના દુ:ખદ સમાચાર આવે છે. આ યોજનામાં કલાત્મક નાટ્યર્દષ્ટિ છે. નાટકના બીજા અંકમાં કાદંબરી, મહાશ્વેતા અને ચંદ્રાપીડના મિલન વેળા તમાલિકા મેના-પોપટનાં પાંજરાં લાવે છે. નાટ્યર્દષ્ટિને શૃંગારોદ્દીપન અને પ્રણયોકુર માટે સાનુકૂળ ભૂમિકા ગોઠવવામાં ફૂલચંદભાઈએ સારી સર્જકતા દેખાડી છે.

અચ્છોદ સરોવર પાસે મહાશ્વેતા ને પુંડરિકનું મિલન, કામાંધ પુંડરિકની દુર્દશા, ચંદ્ર–પુંડરિકના પરસ્પર શાપ, પુંડરિકનું મરણ જેવા પ્રસંગો નાટ્યવસ્તુને ભરચક બનાવે છે. મહાશ્વેતાની તપશ્ચર્યા, શબનું સ્વર્ગગમન, કપિંજલનું અનુસરણ, કપિંજલને શાપ, ચંદ્રાપીડનો રાજ્યાભિષેક, તપ કરતી મહાશ્વેતા પાસે ચંદ્રાપીડનું આગમન અને મહાશ્વેતાનું તેને કાદંબરી પાસે લઈ જવા જેવા પ્રસંગોની સાથે વૈશંપાયનને મહાશ્વેતાનો શાપ, ચંદ્રાપીડના હૃદયનું ફાટી પડવું, કપિંજલે મૂળ સ્વરૂપ પામવું, શુદ્રકના રાજમહેલમાં શુક પુંડલિકને લઈ ચાંડાલ કન્યાનું આગમન, પૂર્વજન્મનું સ્મરણ અને અંતે પુંડરિકનું સજીવન થવું અને સર્વનો મેળાપ થવો આ બધી ઘટનાઓનો જમેલો મૂળ કાદંબરીમાં છે.

ભજવણીની ર્દષ્ટિએ આકર્ષક ર્દશ્યરચના ને કર્ણપ્રિય સંગીત, અતિ ગંભીર વસ્તુ આ નાટકને રૂઢ ધંધાદારી શૈલી કરતાં જુદું પાડે છે.

દિનકર ભોજક