મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ. 808–880) મહાવીરને રાજ્યાશ્રય આપ્યો હતો. આ જૈનધર્મી રાજાઓના સમયમાં જૈનપંચાંગ ગણિતને સમર્થન તથા જૈન પંડિતો-ગણિતજ્ઞોને આશ્રય અને પ્રોત્સાહન મળતાં હતાં. આથી જૈન પંચાંગ પરંપરા વિકાસ પામી. જૈન પંચાંગ પરંપરા અને તેનું ગણિત હિન્દુ પંચાંગની પરંપરાને અનુસરે છે. આ પંચાંગ જૈન ધર્મ તહેવારો, ધાર્મિક વિધિ, તિથિ, ઉપવાસ વગેરે બાબતે ધર્માનુસાર વિશિષ્ટતા ધરાવે છે. પંચાંગનું ગણિત માન્ય રાખ્યા પછી કાલનિર્ણયોનો વિચાર તે ધર્મનાં વિદ્વાન સાધુ-સાધ્વીજીઓ કરે છે.
ઈ. સ. 850ના અરસામાં મહાવીરે ‘ગણિતસારસંગ્રહ’ નામનો ગ્રંથ લખ્યો. દક્ષિણ ભારતમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. ‘ગણિતસારસંગ્રહ’ને હાલના સ્વરૂપના અંકગણિતનું પ્રથમ પુસ્તક ગણવામાં આવે છે. તેમાં બીજગણિત, ભૂમિતિ અને ક્ષેત્રગણિત આદિ વિષયોનું નિરૂપણ છે. તેમણે પોતાના ગ્રંથનાં નવ પ્રકરણ પાડેલાં છે. પ્રથમ પ્રકરણ પ્રસ્તાવના સ્વરૂપે છે, તેમાં વિવિધ સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ છે. બીજાં પ્રકરણોમાં વિવિધ પ્રકારની ગાણિતિક રચનાઓ, પદ્ધતિઓ અને તેમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનું વિવરણ કરેલું છે. સંખ્યાલેખનમાં મહાવીરે ચોવીસ આંકડાની સંખ્યા આપેલી છે. તેમાં ચોવીસમા સ્થાનનું નામ ‘મહાક્ષોભ’ આપવામાં આવેલું છે. તેમણે ગુણાકારની ચાર પદ્ધતિઓ, ભાગાકારની પદ્ધતિ, વર્ગ અને ઘનની વ્યાખ્યા અને વર્ગમૂળ શોધવાની રીત વગેરે બાબતો આપેલી છે. ‘સારસંગ્રહ’નો ગ્રંથ ‘લીલાવતી ગણિત’ જેવો છે. તેમાં આશરે 2000 શ્લોકો છે. તેમના આ ગ્રંથમાં તેમના પૂર્વાચાર્ય શ્રીધરાચાર્યની અસર જોવા મળે છે. અગિયારમા શતકમાં આ ગ્રંથનું તેલુગુમાં ભાષાંતર કરવામાં આવ્યું. 1912માં એમ. રંગાચાર્યે આ ગ્રંથની અંગ્રેજીમાં ભાષાંતર કરેલી આવૃત્તિ અને 1963માં લક્ષ્મીચંદ જૈને હિંદીમાં ભાષાંતર કરેલી આવૃત્તિ પ્રકાશિત કરી.
અપૂર્ણાંકના આંકડાઓમાં લઘુતમ સાધારણ અવયવીની સંકલ્પના વાપરનાર મહાવીર પહેલા ભારતીય ગણિતી હતા. જેના અંશમાં એક હોય તેવા અપૂર્ણાંકો માટે મહાવીરે કેટલાંક સૂત્રો આપ્યાં; દા.ત.,
છે. જે મહાવીરના સૂત્રનું સમર્થન કરે છે. મહાવીરાચાર્યે સમાંતર શ્રેઢી અને સમગુણોત્તર શ્રેઢી અંગે પણ વિચારેલું. ત્રિરાશિ અને પંચરાશિનો ઉપયોગ અનેક પ્રશ્નોમાં તેમણે કરેલો જોવા મળે છે. સૂત્ર તેમની જાણમાં હતું. ઋણ સંખ્યાના વર્ગમૂળનું અસ્તિત્વ નથી તેનો તેમને ખ્યાલ હતો. દ્વિઘાત સમીકરણો છોડવાની રીત તે જાણતા હતા. ભૂમિતિમાં સંમેય બાજુવાળા ત્રિકોણો અને ચતુષ્કોણો અંગેનું વિવરણ તેમણે કરેલું છે. ઉપવલય(ellipse)ના વક્ર સંબંધી વિવરણ કરનાર મહાવીર પ્રથમ ગણિતી હતા. તેમણે ઉપવલયનું ક્ષેત્રફળ અને ઉપવલયની પરિમિતિ સંબંધી સૂત્રો આપેલાં છે.
બટુક દલીચા
શિવપ્રસાદ મ. જાની