મહાવીર સ્વામી (જ. ઈ. પૂ. 599, ક્ષત્રિયકુંડપુર; નિર્વાણ : ઈ. પૂ. 527, પાવાપુરી, બિહાર) : જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર. તેમનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડપુર એ પટણાથી થોડા માઈલ દૂર આવેલું આજનું બસાડ ગામ હોવાનું ઇતિહાસકારો માને છે. મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. માતા ત્રિશલાદેવી વૈશાલીના ગણસત્તાક રાજ્યના અધિપતિ ચેટકની બહેન થતાં હતાં. આમ મહાવીર તત્કાલીન સત્તાધારી ક્ષત્રિય રાજવંશો સાથે સંકળાયેલા હતા.

માતા-પિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન રાખ્યું હતું, કારણ કે તેમના જન્મ સમયે તેમનાં ધન-ધાન્યની વૃદ્ધિ થઈ હતી. તેમણે યુવાન વયે જ ત્યાગ અને તપશ્ર્ચર્યામય જીવનનો કઠિન માર્ગ સ્વીકાર્યો. તેમની ઘોર, અતિ ઉત્કટ સાધનાને કારણે તેઓ મહાવીરપદને પામ્યા અને તે જ નામે પ્રસિદ્ધ થયા. પ્રાચીન સાહિત્યમાં તેમને ‘જ્ઞાતૃક્ષત્રિય’, ‘જ્ઞાતૃપુત્ર’, ‘વિદેહદત્તાના પુત્ર’, ‘વિદેહનિવાસી’, ‘વિદેહના રાજકુમાર’ તથા ‘વૈશાલિક’ નામે પણ ઓળખવામાં આવ્યા છે.

જૈન પુરાણો અનુસાર મહાવીરનો જીવ પ્રથમ તો ઋષભદત્ત નામે બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરેલ અને પછી સૌધર્મેન્દ્રે તેનું હરણ કરી ત્રિશલાની કૂખમાં મૂક્યો. ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વર્ધમાનને જન્મ આપ્યો હતો. બાલ્યાવસ્થાથી જ વર્ધમાન આત્મોન્મુખ બન્યા હતા. જૈનોના દિગંબર સંપ્રદાય અનુસાર વર્ધમાન પરણ્યા ન હતા. જ્યારે શ્વેતાબંર સંપ્રદાય પ્રમાણે સમરવીર નામના રાજાની રાણી પદ્માવતીની પુત્રી યશોદા સાથે કુમાર વર્ધમાનનાં લગ્ન થયાં હતાં. યશોદાને પ્રિયદર્શના નામે પુત્રી પણ થઈ હતી અને તેના જમાલિ નામે ક્ષત્રિયકુમાર સાથે લગ્ન પણ થયાં હતાં.

માતા-પિતાના સ્વર્ગવાસ પછી ત્રીસ વર્ષની યુવાવસ્થામાં જ તેઓ સંસારના સુખવૈભવ આદિનો ત્યાગ કરી ત્યાગી બની ગયા. ત્રીસ વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો તેનું મુખ્ય કારણ પણ પોતાનાં માતા-પિતા તેમ જ મોટાભાઈની ઇચ્છાને માન આપવા પૂરતું જ હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું. અંતિમ વર્ષમાં તો તેમણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું દીન-દુખિયાંઓને આપી દીધું હતું અને પોતે અકિંચન બની ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા. તેમણે ગૃહસ્થજીવન છોડી, કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો. આ બાર વર્ષના તપસ્યામય જીવન દરમિયાન તેમને અનેક ઉપસર્ગો અને પરિષહો વેઠવા પડ્યા. કાનમાં ખીલા જેવાં કાષ્ઠશૂળ ઠોકાવાથી માંડી ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, રાઢ દેશ જેવા જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમતાભાવથી વિહરવું – જેવી વિકટ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ બાર વર્ષના અંતે વર્ધમાનને કેવળજ્ઞાન અર્થાત્ સર્વ જીવ-જગતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. અપાપા નગરી(હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે દિવસ વૈશાખ સુદ દશમનો હતો. હવે મહાવીર સાધક મટી વીતરાગતાને પામી, તત્વનો સાક્ષાત્કાર કરી, સંબુદ્ધ કેવલી અર્થાત્ સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી બન્યા. તેઓ જિન અને તીર્થંકર બન્યા.

મહાવીર સ્વામી

તીર્થંકર બન્યા બાદ સર્વપ્રથમ ભગવાન મહાવીરના ઉપદેશથી અભિભૂત થઈને ગૌતમ ઇન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણ પંડિતો તેમના શિષ્યો બન્યા. આ પંડિતો વેદના લૌકિક અર્થ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા, પરંતુ તત્વસંબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાઓ હતી. ભગવાન મહાવીરે જ્યારે આ શંકાઓ વિશે નવો આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શંકાઓનું સમાધાન કર્યું ત્યારે આ અગિયાર પંડિતોએ ઘરબાર તજી ભગવાન પાસે જૈન માર્ગની દીક્ષા લીધી. તેમના શિષ્યોએ પણ જૈન માર્ગનું જ અવલંબન સ્વીકાર્યું. ભગવાને આ અગિયારેને પોતપોતાના શિષ્યગણના ગણધર અર્થાત્ નાયક બનાવ્યા. તે જ પરિષદમાં હાજર ચંદના નામક કુમારીને પણ ભગવાન મહાવીરે દીક્ષા આપી અને પ્રવર્તિની અર્થાત્ સાધ્વીઓની અગ્રણી બનાવી. જે લોકો દીક્ષા લેવા સમર્થ ન હતાં તેવાં ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને શ્રાવક-શ્રાવિકા રૂપે અનુયાયી બનાવવામાં આવ્યાં. આમ તેમણે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ભગવાન મહાવીરના મંગળ ધર્મનો ઉપદેશ સાંભળી વીરાંગક, વીરયશ, સંજય એણયક, સેય, શિવ, ઉદયન અને શંખ નામક આઠ સમકાલીન રાજાઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. અભયકુમાર, મેઘકુમાર જેવા રાજકુમારોએ પણ ઘરબારનો ત્યાગ કરી તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમના ગૃહસ્થ અનુયાયીઓમાં મગધના તત્કાલીન પ્રતાપી રાજા અજાતશત્રુના પિતા શ્રેણિક બિંબિસારનું નામ પ્રસિદ્ધ છે. તેમનો સંઘ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કોશલ, શૂરસેન, વત્સ, અવન્તી વગેરે દેશોમાં ફેલાયેલો હતો.

ભગવાન મહાવીરે તત્કાલીન લોકભાષા એટલે કે બિહારની તે વખતની ભાષા હાલ જેને આપણે અર્ધમાગધી તરીકે ઓળખીએ છીએ તે ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ગણધરોએ તેમનો ઉપદેશ શબ્દબદ્ધ કરી લીધો હતો. આ ઉપદેશના બાર ગ્રંથો દ્વાદશાંગી તરીકે ઓળખાય છે. આમાંનું અંતિમ અંગ લુપ્ત થયેલ છે.

ભગવાન મહાવીર ત્રેવીસમા જૈન તીર્થંકર પાર્શ્વનાથની જ પરંપરામાં થયેલા એટલે તેમણે પાર્શ્વનાથના ચાતુર્યામ ધર્મ અર્થાત્ ચાર વ્રતવાળા ધર્મમાં સુધારો કરી પંચમહાવ્રત રૂપી આચારધર્મની પ્રરૂપણા કરી. આ પાંચ મહાવ્રતો છે : (1) અહિંસા, (2) સત્ય, (3) અસ્તેય, (4) બ્રહ્મચર્ય અને (5) અપરિગ્રહ. આચારમાં અહિંસાને કેન્દ્રવર્તી સ્થાન આપી વિચારમાં મહાવીરે સ્યાદ્વાદ કે અનેકાન્તવાદની પ્રરૂપણા કરી. આત્મશુદ્ધિ માટે આંતર-બાહ્ય તપશ્ચર્યાને પણ તેમણે મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું.

ચાતુર્માસ માટે પાવાપુરીમાં આવેલા ભગવાન મહાવીરે અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. એમની અંતિમ દેશના સતત સોળ પ્રહર અર્થાત્ 48 કલાક સુધી વરસતી રહી. પાવાપુરીના હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ત્રણ મહિના વીતી ગયા હતા અને ચોથો મહિનો અડધો પૂરો થયો હતો. ભગવાન મહાવીરના નિર્વાણનો સંકેત મળતાં દેવો અને માનવોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જે રાત્રિએ ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું તે રાત્રે ઇન્દ્રરાજે મોહની દારુણ પળો પર વિજય મેળવીને સ્વસ્થ થઈને દીપક પેટાવવાનું કહેલું. અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી. વિક્રમ સંવત પૂર્વે 470 (ઈ. પૂ. 527)માં લોકોએ દીપકો પ્રગટાવી પ્રભુ મહાવીરના નિર્વાણનો ઉત્સવ રચ્યો. ત્યારથી દીપાવલિ પર્વ ઊજવવાની પરંપરા છે.

ભગવાન મહાવીરે પ્રચલિત વર્ણવ્યવસ્થાને મહત્વ આપવાને બદલે ચારિત્ર્યની મહત્તા સ્થાપી અને કહ્યું કે કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર થવાય છે. એમણે કહ્યું કે પોતાની જાત સાથે યુદ્ધ કરો. દુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે એને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે એનો વિજય પરમ વિજય છે. સાડા બાર વર્ષના સાધનાકાળ દરમિયાન મહાવીરે માત્ર 349 દિવસ અને તેય એક જ ટંક જે આહાર મળ્યો તે લીધો. બાકીના દિવસોમાં અન્ન તો ઠીક, પણ પાણીયે લીધા સિવાય ઉપવાસ કર્યા. સાધક જીવનના 4,515 દિવસમાંથી 4,166 દિવસ તો નિર્જલા તપશ્ચર્યા કરી. હજારો ગાઉ પગપાળા ચાલ્યા. માથા પર છત્ર નહિ; પગમાં પગરખાં નહિ; દેહ પર વસ્ત્ર પણ નહિ. એમણે માનવીના આત્મબળનો મહિમા કર્યો. ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધના આધારે જીવતા માણસની ગુલામી અને નિષ્ક્રિયતા દૂર કરી પુરુષાર્થનો ઉપદેશ આપ્યો. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણો છે. જેનું મન આવા ધર્મમાં રમમાણ છે એને દેવો પણ નમે છે. હિંસા કરવી નહિ, કરાવવી નહિ તેમજ એનું અનુમોદન પણ કરવું નહિ તેમ કહ્યું. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, પરંતુ માનવીના સમગ્ર વ્યક્તિત્વને ઘાટ આપતી જીવનશૈલી છે. ઈ. સ. 2001ના એપ્રિલથી 2002ના એપ્રિલ સુધી ભગવાન મહાવીરના 2,600મા જન્મ-કલ્યાણક મહોત્સવની ઉજવણી વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવાનો ઉપક્રમ રચાયો છે.

રમણિકભાઈ મ. શાહ