મહાવીરચરિય (1083) : પ્રાકૃત ભાષાનું ઉત્તમ ગદ્યકાવ્ય. આ કૃતિના કર્તા ગુણચન્દ્ર પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ દેવભદ્રસૂરિ હતું. તેઓ સુમતિવાચકના પણ શિષ્ય હતા. તેમણે ‘કહારયણકોસ’, ‘પાસનાહચરિય’, ‘અનંતનાથસ્તોત્ર’, ‘વીતરાગસ્તોત્ર’ અને ‘પ્રમાણપ્રકાશ’ વગેરે ગ્રંથો રચ્યા છે. ગુરુના ઉપદેશથી અને છત્રાલનિવાસી શેઠ શિષ્ટ અને વીરની પ્રાર્થનાથી આ કૃતિ રચાઈ હતી. પ્રાકૃતભાષાબદ્ધ, ગદ્યપદ્યાત્મક શૈલી ધરાવતી, 12,025 ગાથાપ્રમાણ આ કૃતિ આઠ પ્રસ્તાવમાં વિભક્ત છે. આરંભના ચાર પ્રસ્તાવમાં ભગવાન મહાવીરના 2 પૂર્વભવોનું નિરૂપણ છે. ચોથા પ્રસ્તાવથી મહાવીરના ભવનું વર્ણન છે.

ભગવાન મહાવીરના જીવનમાં બનેલ પ્રમુખ ઘટનાઓને અહીં સાંકળી લીધી છે. ચોથા પ્રસ્તાવમાં તેમનો જન્મ, બાળપણ, માતા-પિતાનો સ્વર્ગવાસ, દીક્ષા; પાંચમા પ્રસ્તાવમાં શૂલપાણિ ચંડકૌશિકને ઉપદેશ, તેમને થયેલા વિવિધ ઉપસર્ગો; છઠ્ઠા પ્રસ્તાવમાં મંખલિગોશાળ સાથેનો પ્રસંગ; સાતમા પ્રસ્તાવમાં પરિષહોનું સહન અને કેવળજ્ઞાનપ્રાપ્તિ તથા ઉપદેશ તેમજ આઠમા પ્રસ્તાવમાં નિર્વાણલાભ વગેરે બાબતો સુપેરે ગૂંથાઈ છે.

આ સિવાય ચંદનબાળાની દીક્ષા, ચતુર્વિધ સંઘની સ્થાપના, રાણી મૃગાવતીની દીક્ષા વગેરે પ્રસંગો પણ સમાવિષ્ટ છે. હરિવર્મા, સત્યશ્રેષ્ઠિ, સુરેન્દ્રદત્ત, વાસવદત્તા, જિનપાલિત, રવિપાલ, કોરંટ, કામદેવ, સાગરદેવ, સાગરદત્ત-જિનદત્ત, સાધુરક્ષિત વગેરેની અનેકાનેક અવાંતર કથાઓ વડે આ કૃતિ સમૃદ્ધ બની છે.

કવિની વર્ણનક્ષમતા અદભુત છે. સ્મશાનભૂમિમાં, ઘોર શિવની સાધનાનું ધ્યાનાકર્ષક અનુપમ વર્ણન છે. સ્મશાનનું ભયંકર અને બીભત્સ તાર્દશ ચિત્રણ છે. આ કૃતિ પર કાલિદાસ, ભારવિ અને માઘનાં સંસ્કૃત કાવ્યોનો પ્રભાવ ર્દષ્ટિગોચર થાય છે. વચ્ચે વચ્ચે અપભ્રંશ અને સંસ્કૃત પદ્યોનો સમાવેશ છે. વિવિધ છંદોનો સમુચિત પ્રયોગ કરાયો છે. તેમાં બાણની ‘કાદંબરી’ જેવી લાંબાં સમાસો અને વાક્યોવાળી રચના પ્રાકૃત ભાષામાં કરવામાં આવી છે. પ્રાકૃત સાહિત્યમાં આ કૃતિ મહત્વનું સ્થાન ધરાવે છે. નેમિચંદ્રસૂરિએ પણ આવું બીજું ‘મહાવીરચરિય’ રચ્યું છે.

સલોની નટવરલાલ જોશી