મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

May, 2023

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા.

પ્રશાંતચંદ્ર મહલાનોબિસ

તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં તેમણે 1915થી 1922 સુધી પ્રાધ્યાપક તરીકે, 1922થી 1948 સુધી તે જ વિભાગના અધ્યક્ષ અને તે જ કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. આ સમય દરમિયાન, 1921થી 1931 સુધીમાં તેમણે વિશ્વભારતીમાં સચિવ તરીકે પણ કામ કર્યું. 1941થી 1945 દરમિયાન તેમણે કલકત્તા યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી.

1945થી 1948 દરમિયાન તેમણે બંગાળની સરકારના આંકડાશાસ્ત્રીય (statistical) સલાહકાર તરીકે કામ કર્યું. 1949માં ભારત સરકારના આંકડાશાસ્ત્રીય સલાહકાર તરીકે નિમણૂક થઈ. તેમણે કલકત્તા ખાતે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની સ્થાપના કરી. આ સંસ્થાએ ગણિતશાસ્ત્રના ક્ષેત્રે અને તેમાંય ખાસ કરીને આંકડાશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. આંકડાશાસ્ત્ર માટે ભારતમાં આ રીતે ઘણાં કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. મહલાનોબિસે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સચિવ અને નિર્દેશક તરીકે રહીને તેનો વિકાસ સાધ્યો. આ વિશિષ્ટ આંકડાશાસ્ત્રીએ ભારતને આર્થિક આયોજનના ક્ષેત્રે સાચી સફળતાઓ માટેનો માર્ગ ચીંધ્યો અને નિષ્ફળતાઓનાં કારણો શોધી આપ્યાં.

વિશિષ્ટ વિજ્ઞાની તરીકે તેમનો અભિગમ તેમની રાજકીય અને સામાજિક ભૂમિકા ઉપર આધારિત રહ્યો હતો. તેઓ પ્રખર માર્કસવાદી હતા. આથી યોજના પરત્વે તેમનો અભિગમ સમાજવાદી સિદ્ધાંતના ઉપર નિર્ભર રહ્યો હતો. તેઓ આર્થિક બાબતો માટે સોવિયેત પરિરૂપ ઉપર ખૂબ આધાર રાખતા હતા. યોજનાઓ પ્રત્યે તેમનું વલણ મિતવ્યયી હતું. આથી તેમનું આ વલણ સંપત્તિ પેદા કરવા માટેનો રાહ ચીંધવામાં નડતરરૂપ નીવડ્યું.

1948 બાદ તેમણે કલકત્તા યુનિવર્સિટીના સન્માનનીય પ્રાધ્યાપક અને 1955થી 1965 સુધી તેમણે આયોજન પંચના સભ્ય તરીકે સેવાઓ આપી.

આંકડાશાસ્ત્રના ક્ષેત્રે સંશોધન માટે તેમને 1944માં વેલ્ડન, 1957માં દેવપ્રસાદ સર્વાધિકારી, 1964માં ચેકોસ્લોવાક એકૅડેમી ઑવ્ સાયન્સિઝ અને 1968માં દુર્ગાપ્રસાદ ખૈતાન પદકો એનાયત થયા. આ સાથે 1957માં કલકત્તા યુનિવર્સિટીએ, 1961માં સોફિયા યુનિવર્સિટીએ અને 1964માં દિલ્હી યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સ(ડી. એસસી.)ની ઉપાધિથી તેમને સન્માન્યા.

તેમણે આંકડાશાસ્ત્રના ક્ષેત્રે જેટલું ભારતમાં તેટલું જ પ્રદાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કર્યું છે.

રાષ્ટ્રસંઘ(United Nations)ના આંકડાશાસ્ત્રીય પંચના સભ્ય અને 1954થી 1958 દરમિયાન તેના અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યું હતું. આ સાથે રાષ્ટ્રસંઘની આંકડાશાસ્ત્રીય પ્રતિચયન (sampling) માટેની પેટાસમિતિના સભ્ય તરીકે પણ સેવાઓ આપી હતી. 1950માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી(INSA)ના પણ પ્રમુખ થયા. 1952માં બૅંગકૉક ખાતે મળેલી આંકડાશાસ્ત્રીઓની ECAFE (Economic Commission for Asia and Far East) પરિષદના તેઓ પ્રમુખ રહ્યા હતા. 1956થી 1961 વચ્ચે આંતરરાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર અને વસ્તી માટેના ભારતીય પ્રતિનિધિમંડળનું તેમણે નેતૃત્વ કરેલું.

વિનયન અને વિજ્ઞાન માટેની વિશ્વ-એકૅડેમી, લંડનની રૉયલ સોસાયટી, અમેરિકન આંકડાશાસ્ત્રીય સંગઠન અને આંતરરાષ્ટ્રીય ઇકૉનૉમેટ્રિક સોસાયટીના ફેલો તરીકે તેઓ ચૂંટાયા હતા. આ ઉપરાંત સોવિયેત રશિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના વિદેશોમાંથી પસંદ કરાતા સભ્યોમાંના તેઓ એક હતા.

ભારતમાં પ્રસિદ્ધ એવા આંકડાશાસ્ત્રના સામયિક ‘સાંખ્ય’ના સ્થાપક અને સંપાદક તરીકે તેમણે આજીવન સેવાઓ આપી.

બીજા વિશ્વયુદ્ધ બાદ ‘પદ્મભૂષણ’ મહલાનોબિસ, હોમી ભાભા અને શાંતિસ્વરૂપ ભટનાગરે ભારતીય અર્થતંત્ર તથા વિજ્ઞાનને પોતપોતાની રીતે આકાર આપ્યો છે, પણ અલગ અલગ પરિણામો સાથે.

પ્રહલાદ છ. પટેલ