મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ

January, 2002

મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ : મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસાર્થે સ્થાપવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યની કેન્દ્રીય સાહિત્યિક સંસ્થા. તેની સ્થાપના 1906માં લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સન 2001માં તેના આજીવન સભ્યોની સંખ્યા 7,000 જેટલી હતી તથા તેની શાખાઓની સંખ્યા 35 જેટલી હતી. પરિષદનું કાર્ય મુખ્યત્વે સાહિત્યવિષયક હોવાથી વર્ષ દરમિયાન તેના નેજા હેઠળ લગભગ 60 જેટલા સાહિત્યવિષયક કાર્યક્રમોનું આયોજન થાય છે; જેમાં વ્યાખ્યાનો–વ્યાખ્યાનમાળાઓ, ચર્ચાસભાઓ, પરિસંવાદો, કાવ્યપઠન વગેરેનો સમાવેશ થાય છે. આવા કાર્યક્રમોમાં દેશવિદેશના લેખકો – કવિઓ ભાગ લેતા હોય છે. પ્રતિવર્ષ પરિષદ દ્વારા જુદા જુદા પ્રકારના ગ્રંથોને 45 જેટલાં પારિતોષિકો એનાયત કરવામાં આવે છે; જેમાં ઉત્કૃષ્ટ નવલકથા, વાર્તાસંગ્રહ, એકાંકી, વ્યક્તિચરિત્ર, અનુવાદ, લલિતેતર પણ વૈચારિક સ્વરૂપની બે ઉત્કૃષ્ટ કૃતિઓ (વિકલ્પે બે વ્યાખ્યાનો), વિવેચન, બાલસાહિત્ય, સામયિકોમાં પ્રતિવર્ષ પ્રકાશિત થતો ઉત્કૃષ્ટ દીપાવલી-અંક, શાસ્ત્રીય સ્વરૂપનો ઉત્કૃષ્ટ ગ્રંથ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરિષદના સ્થાપનાદિને દર વર્ષે કોઈ એક જ્યેષ્ઠ વરિષ્ઠ સાહિત્યકારને ‘સાહિત્ય પરિષદ પુરસ્કાર’ એનાયત કરીને તેમનું ગૌરવ કરવામાં આવે છે. 1995થી પરિષદે નિરાધાર અને જરૂરતમંદ લેખકો માટે માસિક રૂપિયા 250ની પેન્શન-યોજના દાખલ કરી છે; જે માટે પરિષદે ત્રણ લાખ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું છે. આ બધા જ પુરસ્કારો માટે યોગ્ય વ્યક્તિ/લેખકની પસંદગી થાય તે હેતુથી દરેક માટે તજ્જ્ઞોની અલગ અલગ સમિતિઓ નીમવામાં આવે છે.

પરિષદની શાખાઓ તરફથી દર વર્ષે તાલુકા-મથકે વિભાગીય સાહિત્ય-સંમેલનોનું આયોજન કરવામાં આવે છે, જેના અધ્યક્ષસ્થાને અગ્રણી સાહિત્યકારની વરણી કરવામાં આવે છે.

મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસ-અર્થે પરિષદ દ્વારા દર વર્ષે મરાઠીની ડિપ્લોમા તથા પદવી પરીક્ષાઓ લેવામાં આવે છે, જેની શરૂઆત 1938માં કરવામાં આવી હતી; મહારાષ્ટ્ર અને તેની બહાર અલગ અલગ ઠેકાણે તેનાં પરીક્ષાકેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

પરિષદ દ્વારા ‘મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરવામાં આવે છે. પરિષદે અત્યાર સુધી કેટલાક મૌલિક ગ્રંથોનું પ્રકાશન પણ કરેલ છે.

પરિષદના પોતાના મકાનમાં ‘વા. ગો. આપ્ટે ગ્રંથાલય’ છે, જેમાં આશરે 50,000 જેટલા ગ્રંથો છે અને મોટી સંખ્યામાં સામયિકો મંગાવવામાં આવે છે. પરિષદના મકાનમાં એક સભાગૃહ તથા મહેમાનગૃહની સગવડ પણ છે.

પરિષદે મરાઠી સાહિત્યનો 1950 સુધીનો ઇતિહાસ છ ગ્રંથોમાં પ્રકાશિત કર્યો છે અને 1950 પછીનો મરાઠી સાહિત્યનો ઇતિહાસ પ્રકાશિત કરવાનું કામ હાલ ચાલુ છે. સાથોસાથ મરાઠી સાહિત્યનો ઇતિહાસ અંગ્રેજી તથા હિંદી ભાષામાં ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો પણ પરિષદ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

પરિષદના અત્યાર સુધીના વિકાસમાં જે સાહિત્યકારો અને સમાજસેવકોએ ફાળો આપ્યો છે તેમાં લોકમાન્ય ટિળક ઉપરાંત વામન મલ્હાર જોશી,  ગં. ભા. નિરંતર, ના. ગો. ચાપેકર, વા. ગો. આપ્ટે, સાહિત્યસમ્રાટ ન. ચિં. કેળકર, કવિ કે. નારાયણ કાળે, ન. ર. ફાટક, ડૉ. ધનંજયરાવ ગાડગીળ, શં. દા. પેંડસે, કૃ. પાં. કુલકર્ણી, ઇતિહાસકાર દત્તો વામન પોતદાર, માધવરાવ કિબે, માધવરાવ પટવર્ધન, શ્રીમંત બાબાસાહેબ ઇચલકરંજીકર, વિ. મો. મહાજની, બાળાસાહેબ પંતપ્રતિનિધિ, માધવ જ્યૂલિયન, વિ. દ. ઘાટે, શ્રી. મ. માટે, રા. શ્રી. જોગ, વા. દા. ગોખલે અને ગોપીનાથ તળવળકર સવિશેષ ઉલ્લેખનીય છે.

પરિષદની આજની ભવ્ય ઇમારત પુણે ખાતે જે જમીન પર બાંધવામાં આવી છે તે જગ્યા ઔંધ રિયાસતના રાજવી શ્રીમંત બાળાસાહેબ પંતપ્રતિનિધિ તરફથી 999 વર્ષના પટા પર સંસ્થાને વાર્ષિક માત્ર રૂ. 15ના ભાડા પર આપવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે