મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા

January, 2002

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાતત્વવિષયક મ્યુઝિયમ, વડોદરા : ગુજરાતનું પુરાતત્વવિષયક એક મહત્વનું મ્યુઝિયમ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ તરફથી અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્થળ-તપાસ અને ઉત્ખનનની તાલીમ અર્થે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનનાં પુરાતાત્ત્વિક મહત્વ ધરાવતાં સ્થાનોએ સંશોધન-ઉત્ખનન હાથ ધરવામાં આવતાં અને તે નિમિત્તે જે સામગ્રી પ્રાપ્ત થતી તેનો સંગ્રહ કરવા માટે 1950થી પુરાતત્વભવનના એક અલગ ખંડમાં મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી, જેનો પછી ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. આ મ્યુઝિયમમાં સ્થાયી પ્રદર્શન વિભાગ હોવા ઉપરાંત વખતોવખત કામચલાઉ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે.

નર્મદા-ખીણમાંથી પ્રાપ્ત અવશેષો; દેવની મોરીના સ્તૂપ અને વિહારના ઉત્ખનનમાંથી પ્રાપ્ત અવશેષો–બુદ્ધની મૂર્તિઓ, બુદ્ધનાં અસ્થિ ધરાવતો પથ્થરનો દાબડો, પથ્થરનાં ઓજારો, માટીનાં પાત્રો અને રમકડાં, શિલાલેખો, સિક્કાઓ અને શિલ્પો તેમજ વડોદરા, વડનગર, કાયાવરોહણ, ચાંપાનેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત અવશેષો અત્રે સુરક્ષિત રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીંના નમૂનાઓની સંભાળ, માવજત અને રાસાયણિક પ્રક્રિયા માટે લૅબોરેટરીની યોજના પણ કરવામાં આવેલી છે. અન્ય મ્યુઝિયમો સાથે વસ્તુઓનાં આદાનપ્રદાન દ્વારા પણ પ્રદર્શનના નમૂનાઓ એકઠા કરવામાં આવે છે. યુનિવર્સિટીના ફંડ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની આર્થિક સહાયથી આ મ્યુઝિયમનો નિભાવ થાય છે.

વિભૂતી વિ. ભટ્ટ