મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા

January, 2002

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા : પશ્ચિમ ભારતની જાણીતી યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ. સ્થાપનાનું બીજ વીસમી સદીના પ્રથમ દાયકામાં જ રોપાયું હતું. વડોદરા કૉલેજના આચાર્ય ડૉ. જેકસને વડોદરામાં સ્વતંત્ર વહીવટી સત્તાવાળા વિજ્ઞાન વિદ્યાલયની આવશ્યકતા જણાવી. આના અનુસંધાનમાં 1909માં નિમાયેલા પંચે તત્કાલીન બરોડાની કૉલેજના કાર્યક્ષેત્રને વિસ્તારવા ભલામણ કરી. તુલનાત્મક ધર્મ અને ગૃહલક્ષી વિજ્ઞાનના વિષયોના વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. 1916માં કરાયેલી સમીક્ષામાં પુન: વિશ્વવિદ્યાલયની આવશ્યકતા પર ભાર મુકાયો. કાશી હિંદુ યુનિવર્સિટીના પી. શેષાદ્રિને વડોદરા યુનિવર્સિટીની યોજના ઘડવાનું કાર્ય સોંપાયું. મહારાણી ચિમનાબાઈના મહિલા વિશ્વવિદ્યાલયના પ્રસ્તાવને યોગ્ય પ્રતિભાવ સાંપડ્યો નહિ. પ્રો. એ. જી. વાઇડગરના અધ્યક્ષપદ નીચેના પંચે 1927માં એક રૂપરેખા પ્રસ્તુત કરી. ફરી બે દાયકા વહી ગયા, પણ નક્કર કાર્ય થઈ શક્યું નહિ. 1948માં કનૈયાલાલ મા. મુનશી સમિતિની ભલામણ અનુસાર વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રસ્તાવને વિધાનસભાએ સ્વીકૃતિ આપી. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે અનુમતિ આપતાં યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. મહારાજા તેના કુલાધિપતિ મનાયા. હંસા મહેતા કુલપતિપદે નિમાયાં. તા. 19 માર્ચ, 1950થી યુનિવર્સિટીના ક્ષેત્રમાં આવતાં વિદ્યાલયોને મ. સ. યુનિવર્સિટી સાથે જોડાણ અપાયું. શ્રી ચિમનાબાઈ મહિલા પાઠશાળાનું શ્રી ના. દા. ઠા. યુનિવર્સિટી સાથેનું જોડાણ અપવાદ રૂપે ચાલુ રાખવા દેવાયું. વિધાન દ્વારા કુલાધિપતિ-પદે ગાયકવાડ વંશની વ્યક્તિની નિમણૂક અનિવાર્ય છે. વર્તમાનમાં એટલે કે 2000માં, રાજપરિવારનાં વિદુષી મહિલા ડૉ. મૃણાલિનીદેવી પુવાર આ પદે આસીત છે.

યુનિવર્સિટી શિક્ષણ આપતી (teaching) યુનિવર્સિટી છે. તેનું ક્ષેત્ર વડોદરા નગરમાં આવેલા કાર્યાલયથી 16 કિમી. ત્રિજ્યાના પ્રદેશમાં આવેલી સઘળી કૉલેજોને આવરી લે છે. તેમાં વિવિધ વિશ્વવિદ્યાશાખા(faculty)ઓમાં યુનિવર્સિટીના અધ્યાપકો અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું કાર્ય કરે છે.

વિદ્યાશાખાઓ આ પ્રમાણે છે : વિનયન (arts), વિજ્ઞાન (science), વાણિજ્ય (commerce), આયુર્વિજ્ઞાન (medicine), ઇજનેરી અને પ્રૌદ્યોગિકી (engineering and technology), કાયદો (law), લલિત કલા (fine arts), ગૃહવિજ્ઞાન (home science), સમાજકાર્ય (social work), લલિત કલા (fine arts) મંચન કલાઓ (performing arts), પ્રબંધન (management) તેમજ પત્રકારત્વ અને સંચાર (journalism and communication).

વિદ્યાશાખા અંતર્ગત વિદ્યાલયોમાં તથા સ્વતંત્ર એકમ જેવાં વિદ્યાલયોમાં કેટલાંક નોંધપાત્ર છે. ઉદા., યુનિવર્સિટી એક્સ્પેરિમેન્ટલ સ્કૂલ, શેઠ ઉજમશી આયુર્વેદિક સંશોધન કેન્દ્ર અને શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ સ્ટડિઝ, પોલિટૅકનિક, વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલય, પ્રાચ્યવિદ્યા ભવન તથા સતત શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને સામૂહિક સેવા કેન્દ્ર.

વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓની સગવડ માટે પણ વિશેષ સંસ્થાઓ કાર્યરત છે; જેમ કે : અખિલ ભારતીય અને કેન્દ્રીય સેવા પ્રશિક્ષણ કેન્દ્ર, સંગણક કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર (આરોગ્ય સેવાની સુવિધા), સામાન્ય શિક્ષણ કેન્દ્ર, યુનિવર્સિટી પ્રકાશન વિભાગ, યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા) તેમજ રાષ્ટ્રીય સમાજશાસ્ત્ર માહિતી કેન્દ્ર.

યુનિવર્સિટીનાં વિદ્યાલયોમાં અત્યારે (2000ના વર્ષમાં) 35,843 વિદ્યાર્થીઓ છે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસોની વ્યવસ્થા છે. વિદ્યાર્થીઓ માટેનાં 16 છાત્રાવાસોમાં 3,000 છાત્રો અને કન્યાઓ માટેનાં 4 છાત્રાવાસોમાં આશરે 1,000 કન્યાઓ નિવાસ કરે છે. પરદેશોથી આવેલા 95 વિદ્યાર્થીઓ માટે નિવાસસહ શિક્ષણની વ્યવસ્થા છે. આ વિદ્યાર્થીઓ મુખ્યત્વે એશિયા-આફ્રિકાના વિકાસોન્મુખ દેશોમાંથી આવે છે.

શિક્ષણ માટે ટ્યૂટૉરિયલ પદ્ધતિનો ઉપયોગ વ્યાપક છે. કેટલીક શાખાઓમાં સત્ર (semester) પદ્ધતિ છે. વર્ષના કાર્ય માટે 30 % ગુણ આંતરિક પરીક્ષાના ફાળવવામાં આવેલા છે. સફળ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ અર્પણ કરાય છે. પીએચ.ડી. પદવી માટે સંશોધનની સગવડ ઘણી વિદ્યાશાખાઓમાં ઉપલબ્ધ છે. અનુદાન તથા દાનમાં મળેલાં નાણાંમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા પારિતોષિકો આપવામાં આવે છે.

યુનિવર્સિટીનું ગ્રંથાલય શ્રી હંસા મહેતા ગ્રંથાલય નામે જાણીતું છે. યુનિવર્સિટીની સ્થાપનાનું પ્રથમ વર્ષ પૂરું થતાં જ, તા. 1 મે 1950ના દિવસે તેની સ્થાપના કરાઈ ત્યારે તેમાં 25,000 ગ્રંથો હતા. ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓમાં ગ્રંથાલયોમાં કેન્દ્રસ્થ એકસમાન વ્યવસ્થા ગોઠવાઈ. 1957માં તેના ખાસ ભવનમાં ગ્રંથાલય ખસેડાયું. આધુનિક ગ્રંથાલયમાં હોવી જોઈએ તેવી સઘળી સુવિધાઓ આ ગ્રંથાલય પૂરી પાડે છે. ગ્રંથાલયમાં 3,59,659 ગ્રંથો છે. 60,432 બાંધેલાં સામયિકો છે. 1,283 નકશા, આલેખો આદિ છે. આ ઉપરાંત વૃત્તાંતો, માનચિત્રો, કૅસેટો, સૂક્ષ્મ છબિઓ આદિ વિપુલ માત્રામાં છે.

ભાષાવાર ગ્રંથસંખ્યા 1997માં આ પ્રમાણે હતી.

અંગ્રેજી : 2,12,608; ગુજરાતી : 40,534; હિન્દી : 11,406; સંસ્કૃત : 4,405; ઉર્દૂ : 1,780; ફારસી : 1,556 અને મરાઠી : 1,450.

ગ્રંથાલય 14,928 સામયિકો, 5,760 વર્તમાનપત્રો તથા 530 સર્વભોજ્ય સામયિકો મંગાવે છે. યુનિવર્સિટીના ક્ષેત્રનાં વિદ્યાલયોમાં વિવિધ વિદ્યાશાખાઓનાં 12 ગ્રંથાલયો છે. તેમાં 2,57,550 ગ્રંથો છે.

યુનિવર્સિટીના ખર્ચ માટે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ તથા રાજ્ય સરકાર અનુદાન આપે છે. આ યુનિવર્સિટીના કુલપતિઓમાં હસાંબેન મહેતા, ડૉ. જ્યોતીંદ્ર મહેતા, ચતુરભાઈ પટેલ, નસરવાનજી વકીલ, વી. સી. શાહ, ભીખુ પારેખ અને અનિલ કાણે ઉલ્લેખપાત્ર છે.

કૃષ્ણકાંત ગો. દેસાઈ