મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા

January, 2002

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા (1961) : વડોદરાનું મૂલ્યવાન કલા-સંગ્રહાલય. મોતીબાગમાં આવેલી મોતીબાગ સ્કૂલના મકાનમાં આ મ્યુઝિયમ આવેલું છે. મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરા શહેર અને રાજ્યને કલાકૃતિઓથી સમૃદ્ધ કરવા માટે દેશવિદેશમાંથી ખરીદેલી અને કેટલીક ખાસ તૈયાર કરાવેલી કલાકૃતિઓને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં 22 ખંડો અને વિશાળ ગૅલરી છે. તેમાં પ્રાચીન યુરોપિયન શિલ્પોની પ્રતિકૃતિઓ, યુરોપની પ્રશિષ્ટ ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ, ફર્નિચર તથા કાચ અને લાકડાની કલાકૃતિઓ પ્રદર્શિત છે. આમાં ફ્રેન્ચ અને ઇટાલિયન કલાકૃતિઓ ખાસ ધ્યાન ખેંચે છે. મહારાજા સયાજીરાવ 3જાએ ઇટાલીના મહાન કલાકાર ફેલિચીને નિમંત્રણ આપી વડોદરા બોલાવ્યા હતા અને તેમને કલાવિષયક ખરીદસમિતિના અધ્યક્ષપદે નિયુક્ત કરી તેમના દ્વારા ઉમદા કલાકૃતિઓ ખરીદાવી હતી. સયાજીરાવે ત્રાવણકોર રાજ્યના રાજકુમાર અને મહાન ચિત્રકાર રાજા રવિવર્માને વડોદરામાં ખાસ બોલાવી જે ચિત્રો કરાવડાવ્યાં તેમાં 18 પૌરાણિક ચિત્રો અને ચાળીસ જેટલાં રાજા-મહારાજાઓનાં વ્યક્તિચિત્રો પ્રસિદ્ધ છે. આ બધાં ચિત્રો આ મ્યુઝિયમની મૂલ્યવત્તામાં ભારે વધારો કરે છે. ફણીંદ્રનાથ બોઝ, એસ. સાર્જન્ટ તેમજ ફૈઝી રહેમાનની કલાકૃતિઓ પણ આ મ્યુઝિયમનું વિશેષ આકર્ષણ બનેલ છે. આ મ્યુઝિયમની ગોઠવણી મ્યુઝિયમવિદ્યાના તજ્જ્ઞ ડૉ. એચ. ગોએત્ઝને હસ્તે થયેલી છે. મ્યુઝિયમનું સંચાલન ખાનગી ટ્રસ્ટ દ્વારા થાય છે અને હાલ(2000)માં રણજિતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ એના પ્રમુખ ટ્રસ્ટી છે.

વિભૂતી વિ. ભટ્ટ