મહાબતખાન (સત્તરમી સદી) : મુઘલ સમયનો નામાંકિત અને વફાદાર સેનાપતિ; દખ્ખણનો સૂબો. ઈ. સ. 1608માં મુઘલ શહેનશાહ જહાંગીરે મેવાડના મહારાણા અમરસિંહ સામે લશ્કરનું નેતૃત્વ લેવા મહાબતખાનને પસંદ કર્યો હતો. તેના સેનાપતિપદ હેઠળ 12,000 ઘોડેસવારો, 500 આહેડીઓ, 2,000 બંદૂકધારીઓ અને હાથીઓ તથા ઊંટો પર ગોઠવેલી 80 તોપોનું લશ્કર મોકલવામાં આવ્યું હતું. તે સમયે તેનો દરજ્જો વધારવામાં આવ્યો અને તેને ઝભ્ભો, ઘોડો, હાથી અને રત્નજડિત તલવાર ભેટ આપીને સન્માનવામાં આવ્યો હતો; પરંતુ મેવાડ સામે મહાબતખાનને વિજય મળ્યો નહિ. રાજસ્થાનના ઇતિહાસ મુજબ રાજપૂતોએ અચાનક રાત્રે હુમલો કર્યો. મહાબતે જીવ બચાવવા તેની છાવણીમાંથી નાસી જવું પડ્યું. તે પછી રાજપૂત યોદ્ધાઓએ તેનો શસ્ત્રસરંજામ લૂંટી લીધો. માર્ચ 1609માં જહાંગીરે તેને પાછો બોલાવી લીધો. બાદશાહને યોગ્ય સલાહ આપવાની તેનામાં હિંમત હતી. તે શાહજાદા ખુર્રમ(પાછળથી શાહજહાન)ની તરફેણ કરતો હતો, તેથી નૂરજહાં તેને પોતાનો વિરોધી માનતી હતી. ખુર્રમે જહાંગીર સામે બળવો કર્યો. બળવો નિષ્ફળ જવાથી તેણે પિતાની માફી માગી. તે પછી શાહજાદા પરવેઝનું મહાબતખાન સાથે થયેલું જોડાણ પણ નૂરજહાંને પસંદ નહોતું. તેમને જુદા પાડવાના હેતુથી નૂરજહાંએ મહાબતખાનની નિમણૂક બંગાળમાં કરાવી. તે ઉપરાંત તેના ઉપર રાજ્યની મોટી રકમોની ગોલમાલ કર્યાનો, શહેનશાહની પરવાનગી વિના તેની દીકરીનાં લગ્ન કર્યાનો – જેવા આક્ષેપો મૂકવામાં આવ્યા. મહાબતખાને તેના જમાઈને જે મિલકત આપી હતી, તે સમ્રાટે લઈ લીધી. મહાબતખાન સમ્રાટનો હુકમ માનીને 4,000 બહાદુર રાજપૂતો સાથે દખ્ખણમાંથી ઉત્તરમાં આવ્યો. તેણે કાબુલથી પાછા ફરતા શહેનશાહ જહાંગીરને ઝેલમ નદીના કિનારે છાવણીમાં કેદ કર્યો, પરંતુ વિવેક જાળવીને થોડા સમય બાદ સમ્રાટને તે તાબે થયો.
જહાંગીરના અવસાન બાદ શાહજહાન ગાદીએ બેઠો (1627). બુંદેલા રાજા જુજહારસિંહે બળવો કર્યો ત્યારે સેનાપતિ મહાબતખાનની સરદારી હેઠળ મુઘલ લશ્કર મોકલવામાં આવ્યું. મહાબતખાને ઓરછા પર હલ્લો કરી જુજહારસિંહને હરાવ્યો. 1632માં દખ્ખણના સૂબા મહાબતખાનની સરદારી હેઠળ અહમદનગર રાજ્યના દોલતાબાદના કિલ્લાને ઘેરી લેવામાં આવ્યો અને લાંચ આપીને તેને કબજે કરવામાં આવ્યો.
વાયવ્ય સરહદે 1672માં બળવો થયો અને અફઘાનિસ્તાનના મુઘલ ગવર્નર મુહમ્મદ અમીનખાનનો પરાજય થયો ત્યારે શહેનશાહ ઔરંગઝેબને આઘાત લાગ્યો અને તેણે મહાબતખાનને અફઘાનિસ્તાનના ગવર્નર (સૂબા) તરીકે મોકલ્યો. તેણે કોઈ જોખમ લીધું નહિ અને બળવાખોરો સાથે ગુપ્ત સમજ કરી કે કોઈએ એકબીજાને પજવવા નહિ. તે પછી ઔરંગઝેબ પોતે પેશાવર ગયો. તેણે મહાબતખાનને હોદ્દા પરથી દૂર કર્યો અને બળવાખોરોમાંના કેટલાકને ઉચ્ચ હોદ્દા, ઇનામો, પેન્શન વગેરે આપીને શાંતિ સ્થાપી.
જયકુમાર ર. શુક્લ