મહાબલિપુરમ્ (મમલાપુરમ્)

January, 2002

મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું. આ રાજાના નામ પરથી જ આ સ્થળને મમલાપુરમ્ નામ અપાયેલું છે. હવે તે ‘મમલાપુરમ્’ નામથી ઓળખાય છે. અહીંથી જૂના વખતના ચીની, ઈરાની અને રોમન સિક્કા મળી આવેલા છે, આ બાબત દર્શાવે છે કે આ સ્થળે બંદર હતું. અહીં 7મી અને 8મી સદીનાં ઘણાં પલ્લવ મંદિરો તથા સ્મારકો જોવા મળે છે. આ પૈકી વધુ જાણીતાં સ્થળોમાં અર્જુનનું તપ:સ્થાન, ગંગાવતરણ વગેરેનો સમાવેશ થાય છે. કોતરણીવાળા પથ્થરો પણ અહીંથી મળે છે. અહીંના દરિયાકિનારે ઘણાં ગુફામંદિરો, શિવમંદિરો વગેરે આવેલાં છે. પાંચ રથ અથવા કીર્તિસ્તંભવાળાં મંદિરો પણ છે. તે બધાં સાત મંદિરોના અવશૅરારૂપ છે. આ કારણે જ આ સ્થળ સાત પેગોડાના નામથી પણ ઓળખાય છે. મમલાપુરમ્ સહેલગાહનું અને યાત્રાનું સ્થળ પણ છે. આ નગરમાં આવેલી વિનયન કૉલેજમાં મંદિરના શિલ્પ-સ્થાપત્ય માટેની તાલીમ પણ અપાય છે.

સમુદ્રતટ-સ્થિત મંદિર (Shore Temple), મહાબલિપુરમ્

ગિરીશભાઈ પંડ્યા