મહાન્તી, ગુરુપ્રસાદ

January, 2002

મહાન્તી, ગુરુપ્રસાદ (જ. 1924) : ઓરિસાના અગ્રણી કવિ. કટકની રૅવન્શૉ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. અનેક કૉલેજોમાં અધ્યાપન કર્યા પછી, ભુવનેશ્વરમાં બી. જે. બી. કૉલેજના આચાર્ય નિમાયા. આધુનિક ઊડિયા કવિતાના તેઓ પ્રણેતા ગણાય છે. 1950નાં પ્રારંભિક વર્ષોમાં તેમણે અને સચી રાઉતરાયે મળીને ઊડિયા કવિતામાં રીતસર આધુનિક ચળવળનો પ્રારંભ કર્યો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૂતન કવિતા’ 1955માં પ્રગટ થયો. 1947માં પ્રગટ થયેલ રાઉતરાયનો કાવ્યસંગ્રહ ‘પાંડુલિપિ’ તથા આ કાવ્યસંગ્રહ ઊડિયા કવિતાનો પ્રવાહ બદલવામાં નિર્ણાયક પરિબળ લેખાય છે. 1970માં પ્રગટ થયેલા તેમના અન્ય કાવ્યસંગ્રહ ‘સમુદ્રસ્નાન’ને 1973ના વર્ષ માટે સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો.

‘નવ્ય કવિતા’ની વિશેષતાઓમાં સ્વરૂપ અને શૈલીની પ્રયોગશીલતા, અસંગત અને ચિત્રવિચિત્ર નિરૂપણરીતિ, ઊર્મિભાવોના પ્રત્યક્ષ–સરળ કાવ્યાલેખનને ઇરાદાપૂર્વક તિલાંજલિ જેવી બાબતો ગણાવી શકાય. આવી બાબતોના સંદર્ભમાં આ કાવ્યસંગ્રહ ઉગ્ર વિવેચનાનો વિષય બન્યો; પરંતુ 1960 સુધીમાં ઘણાય યુવાન ઊગતા કવિઓ તેને આવકારતા હતા અને તેનું સાહિત્યિક મૂલ્ય સ્વીકારતા થયા હતા. દશકા પછી પ્રતિષ્ઠિત કવિ તરીકે મહંતીની નામના સુનિશ્ચિત બની.

મુખ્યત્વે યુરોપ તેમજ અન્ય સ્થળોના અનેકવિધ પ્રવાહો-પરિબળોને આત્મસાત્ કરનારા મહંતીની શૈલી આધુનિક છે. સત્તરમી સદીના અંગ્રેજી ‘મેટાફિઝિકલ’ શૈલીના કવિઓ, ઓગણીસમી સદીના ફ્રેન્ચ ‘સિમ્બૉલિસ્ટ’ કવિઓ, ઍલેક્ઝાંડર પોપ, એલિયટ વગેરે જેવા કવિઓની કવિતાનો કલાત્મક પ્રભાવ તેમણે ઝીલ્યો છે. ઊડિયા ભાષામાં તેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયાં છે. તેમનાં કાવ્યોનું મુખ્ય આકર્ષણ તેમાંની ઊર્મિમયતા, ચિત્રાત્મકતા અને શબ્દ-માધુર્ય છે. મુખ્યત્વે તેઓ પ્રણયકાવ્યોના કવિ છે. તેમનાં કેટલાંક સૉનેટ ઊડિયા ભાષાનાં ઉત્તમ કાવ્યો લેખાય છે.

મહેશ ચોકસી