મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ

January, 2002

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ (જ. 16 ઑગસ્ટ 1906, સોનપુર, જિ. બલાંગીર; અ. 6 એપ્રિલ 1994) : ઊડિયા નવલકથાકાર. પ્રખ્યાત નવલકથાકાર ગોપીનાથ મહાન્તીના તેઓ મોટા ભાઈ થાય. 1923–24ની સાલમાં કટકની પી. એમ. અકાદમીમાં નવમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે સૌથી પહેલી નવલકથા ‘ઉત્સવવ્યસને’ લખી હતી. પણ હસ્તપ્રત ખોવાઈ જતાં તે પ્રકાશિત થઈ શકી નહિ. તે પછી તેમણે પ્રખ્યાત નવલકથા ‘તથાસ્તુ’ અને ‘બાલિરાજા’ લખી હતી. જોકે તેમની સૌથી પહેલી નવલકથા હતી ‘પળાતક’ (1930). 1929માં તેઓ કટકની રૅવન્શૉ કૉલેજમાંથી સ્નાતક થયા અને 1930માં સરકારી નોકરીમાં જોડાયા. નિવૃત્ત થયા પછી તેમણે ઓરિસા સાહિત્ય અકાદમીના મંત્રી તરીકે કાર્ય કર્યું.

બાળપણમાં સહન કરેલી ગરીબાઈની કરુણ વેદના અને  ગ્રામજીવનનાં દુ:ખો, દુષ્કાળનાં કરુણ ર્દશ્યો વગેરે આલેખતી ઘણી નવલકથાઓ અને વાર્તાઓ તેમણે રચી છે. ખ્યાતિ અને સંખ્યાની ર્દષ્ટિએ જોતાં તે ઊડિયા ભાષાના અન્ય સમકાલીન નવલકથાકારો કરતાં મૂઠી ઊંચેરા નીવડ્યા છે. તેમણે 40 ઉપરાંત નવલકથાઓ અને 50 ઉપરાંત ટૂંકી વાર્તાઓ લખી છે.

તેમની નવલકથા ‘કા’ (1956) ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડના 1958ના વર્ષની વિજેતા બની હતી અને તેનું હિંદી ભાષાંતર પણ સુલભ થયું છે. તેમની અન્ય ઉત્તમ નવલકથા ‘શસ્તિ’નો પણ હિંદી અને બંગાળીમાં અનુવાદ થયો છે. ‘અભિનેત્રી’ (1947) અને ‘કા’ના આધારે ઊડિયા ભાષામાં ચલચિત્રોનું નિર્માણ થયું છે. તેમની કેટલીક નવલકથાઓનાં નાટ્યરૂપાંતરો થયાં છે અને સફળતાપૂર્વક ભજવાયાં છે.

તેમની નવલકથાઓમાં પ્રણયનું, ખાસ કરીને શાશ્વત પ્રણય-ત્રિકોણનું તથા નિષ્ઠા, ભક્તિ અને ત્યાગ-ભાવનાનું કથાવસ્તુ હોય છે. તેમણે અનેક સાંપ્રત સમસ્યાઓની આ સંખ્યાબંધ નવલકથાઓમાં છણાવટ કરી છે, તેમાં સામાજિક આયોજન, સામંતશાહી સામે વિદ્રોહ, અસ્પૃશ્યતા, નારીત્વની ભાવના વગેરે મુખ્ય છે. તેમની શ્રદ્ધા વૈશ્વિક બંધુત્વ તથા વર્ગવિહીન સમાજરચના પરત્વે વ્યક્ત થઈ છે. તેમની ભાષા સરળ છે અને તેમાં માનવીય ભાવોનું હૃદયસ્પર્શી આલેખન છે. તેમણે શૈલીના પણ અનેક પ્રયોગો કર્યા છે. ‘તમસા તીરે’ (1967) નામની તેમણે લખેલી મહાનવલમાં બસ્તર તથા કોરાપુટ ખાતેનાં તેમનાં અનુભવો તથા સંસ્મરણો આલેખાયાં છે. તેઓ બંગાળી, હિંદી અને અંગ્રેજીના જાણકાર છે.

રેણુકા શ્રીરામ સોની