મહાન્તી, ગોપીનાથ (જ. 20 એપ્રિલ 1914, કટક, ઓરિસા ) : ઓરિસાના પ્રખ્યાત નવલકથાકાર. તેમને ‘અમૃતર સંતાન’ નામની નવલકથા માટે 1955ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ગોપીનાથ મહાન્તી

શાળાશિક્ષણ સોનેપુરમાં. 1930માં મૅટ્રિક થયા અને 1935માં કટકની રહેવન યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ.માં વિશેષ ગુણવત્તા મેળવી. આઈ. સી. એસ. થવાની અથવા પ્રાધ્યાપક બનવાની મહેચ્છા છતાં આર્થિક કારણોસર 1938માં ઓરિસા સરકારની સામાન્ય પગારની નોકરી તેમને સ્વીકારવી પડી. જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવ્યા પછી તેઓ ઉચ્ચ પદાધિકારી બન્યા. 1969માં સેવાનિવૃત્ત થયા. તેઓ સાહિત્ય અકાદમીના સભ્ય પણ હતા. 1930થી 1940 દરમિયાન તેમના પર ફ્રૉઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ રહ્યો. ગૉર્કી અને રોમાં રોલાં તેમના પ્રિય લેખકો હતા.

1936થી લેખનકાર્યનો પ્રારંભ કર્યો. 1938માં પ્રગટ થયેલ ‘મનગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી તેમણે કુલ 21 નવલકથાઓ, 2 ચરિત્રગ્રંથો, ટૂંકી વાર્તાના 8 સંગ્રહો, 2 નાટકો, 1 નિબંધસંગ્રહ ઉપરાંત આદિવાસી ભાષા પરના 6 વિવેચનગ્રંથો પ્રગટ કર્યા છે. સરકારી નોકરી દરમિયાન ગરીબ આદિવાસીઓ, પદદલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની નજરે નિહાળેલ ત્રાસજનક હાલત તેમજ સરકારી તંત્ર અને સવર્ણો દ્વારા થતી તેમની ઉપેક્ષા પર આધારિત તેમની 3 મુખ્ય નવલકથાઓમાં ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’નો સમાવેશ થાય છે. તેમને આદિવાસી સમસ્યાના તજ્જ્ઞ માનવામાં આવે છે. ઓરિસાના ગ્રામજીવનને વણી લેતી શ્રેષ્ઠ કૃતિ ‘માતિમતાલ’ 3,20,000 શબ્દો ધરાવતી એક સુદીર્ઘ નવલકથા છે. તેને પૂરી કરતાં તેમને 10 વર્ષ લાગ્યાં હતાં. તે એક ગદ્ય મહાકાવ્ય ગણાય છે.

તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને 1970માં સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર અને 1974માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 1976માં ડી. લિટ્.ની પદવીથી તથા 1981માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન કરાયું હતું.

બળદેવભાઈ કનીજિયા