મહાક્ષત્રિય : કન્નડ ભાષાના સાહિત્યકાર દેવુડુ (નરસિંહ શાસ્ત્રી)(1896–1962)ની નવલકથા. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. નરસિંહ શાસ્ત્રી કન્નડ ભાષાના નામાંકિત નવલકથાકાર અને સાહિત્યકાર હતા. તેમના બહુવિધ શોખના વિષયોમાં સાહિત્ય, તત્વજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, લલિત કળાઓ તથા રંગભૂમિ-પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

‘મહાક્ષત્રિય’ એ તેમની નવલત્રયીમાંની એક કૃતિ છે, અન્ય 2 કૃતિઓ તે ‘મહાભ્રમણા’ અને ‘મહાદર્શન’. આ નવલત્રયીમાં તેમણે પુરાકલ્પનો તથા દંતકથાઓનું શાશ્વત મહત્વ તારવી બતાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે.

ઇન્દ્રની ગેરહાજરીમાં સ્વર્ગલોકના શાસક તરીકે પસંદ થયેલા રાજા નહુષનું જીવન તથા તેનાં પરાક્રમો ‘મહાક્ષત્રિય’માં આલેખાયાં છે. દંતકથા પ્રમાણે, નહુષનો અહંકાર તથા ઇન્દ્રની પન્તી શચી માટેની તેની કામાસક્તિ તેના પતનનું કારણ બને છે અને તે અજગર બની પાતાળલોકમાં જાય છે. આથી ઊલટું, આ નવલમાં નહુષનું પતન ઉમદા ભાવનાથી અને સ્વેચ્છાપૂર્વક આચરેલું કાર્ય છે. નહુષના પાત્રને આ રીતે શુભ ર્દષ્ટિકોણથી જોવા-આલેખવામાં નવ્ય માનવતાવાદના લાગણીવેડા નથી, પણ પુરાણકથાના દેવુડુના ગહન અર્થઘટનનું સુંદર પરિણામ છે. નહુષ ઉપરાંત નવલકથામાં બીજાં પાત્રોનું સૂક્ષ્મ ઊંડાણપૂર્વક ચિત્રણ થયું છે અને અમૂર્ત વિષયો તથા વિભાવનાઓનું સચોટ અને માર્મિક કલ્પનો સાથે આલેખન થયું છે.

વસ્તુત: આ નવલમાં દેવો તથા માનવોને લગતી સમગ્ર વિશ્વલીલા નિરૂપાઈ છે. આધુનિક કન્નડ ભાષામાં ભૂતકાળના વારસામાંથી પ્રેરણાબળ મેળવી અભિનવ પ્રકારનું ગાંભીર્યસભર વિશ્વ રચી આપનાર આ અનોખું પુસ્તક છે.

મહેશ ચોકસી