મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) : મોટી ઉંમરે એટલે કે 50 વર્ષ કે વધુ વયે શરીરની મધ્યમ કદની કે મોટી ધમનીઓમાં થતો શોથ(inflammation)નો વિકાર. તેમાં લમણામાં આવેલી ગંડકપાલીય ધમની (temporal artery), ડોકના કરોડસ્તંભના મણકામાંથી પસાર થતી મેરુસ્તંભીય ધમની (vertebral artery) તથા આંખના ભાગોને લોહી પહોંચાડતી નેત્રીય ધમની (ophthalmic artery) સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. દર્દીને માથું દુખે છે અને સાથે સાથે ઘણી વખત સ્નાયુમાં પીડા થાય છે, તેને થાક લાગે છે, ખાવામાં અરુચિ થાય છે, તેનું વજન ઘટે છે તથા અન્ય વિવિધ અવિશિષ્ટ (nonspecific) તકલીફો પણ થાય છે. ક્યારેક આંખની નેત્રધમનીમાં થયેલા વિકારને કારણે અંધાપો આવે છે. માથાના ઉપલા ભાગને શીર્ષવલ્ક (scalp) કહે છે. તેને તથા ગંડકપાલીય ધમનીને અડતાં દુખાવો થાય છે (સ્પર્શવેદના, tenderness). તેનું સમયસરનું નિદાન અંધાપો થતો અટકાવે છે. નિદાન માટે ધમનીનો ટુકડો લઈને તેનું સૂક્ષ્મદર્શક વડે પેશીપરીક્ષણ (biopsy) કરાય છે. સારવારમાં પ્રેડનિસોલોન દવા મુખ્ય છે.

ધમનીની દીવાલના પડને સ્તરિકાઓ (layers) કહે છે. બધી જ સ્તરિકાઓમાં પીડાકારક સોજો કરતો શોથકારી (inflammatory) વિકાર થાય છે. તેથી તેને પૂર્ણધમનીશોથ (panarteritis) કહે છે. લમણામાં આવેલી ગંડકપાલીય ધમની સૌથી વધુ અસરગ્રસ્ત થતી હોવાથી તેને ગંડકપાલીય ધમનીશોથ (termporal arteritis) પણ કહે છે. આશરે 50 % દર્દીઓમાં આમવાતી બહુસ્નાયુપીડ(polymyalgia rheumatica)નો વિકાર થાય છે. કેટલાક નિષ્ણાતોના મતે આ બંને વિકારો એક રુગ્ણપટ(spectrum of diseases)ના બે છેડા સમાન છે. તેઓ એકસરખો માનવશ્વેતકોષી પ્રતિજન(human leukocyte antigen, HLA)લક્ષી વિકાર ધરાવે છે અને તેમના દર્દીઓના લોહીમાં અને ધમનીમાં સમાન કોષગતિકો  (cytokines) હોય છે. બંને વિકારોમાં એક મહત્વનો તફાવત એ છે કે આમવાતી બહુસ્નાયુપીડના વિકારમાં અંધાપો આવતો નથી અને તે પ્રેડનિસોલોનની ઓછી માત્રાએ પણ નિયંત્રણમાં આવે છે.

મહાકોષી ધમનીશોથના દર્દીને માથું દુખે છે, માથાના ઉપલા ભાગ(શીર્ષવલ્ક)ને અડવાથી વેદના થાય છે, જોવાની તકલીફ તથા અંધાપો આવે છે, ચાવતી વખતે જડબામાં દુખે છે. તેને હનુગત સમયાંતરિત પીડા (jaw claudication) કહે છે. ક્યારેક દર્દીને ગળામાં દુખે છે. ગંડકપાલીય ધમની ઘણી વખત સામાન્ય સ્વરૂપની હોય છે, ક્યારેક ગાંઠોવાળી (ગંડિકાપૂર્ણ, nodular) અને સ્પર્શવેદનાવાળી હોય છે. તેની નાડી બંધ થયેલી હોય છે. નેત્રીય ધમની(ophthalmic artery)ની એક શાખાને પશ્ચસ્થ કશાન્વિત શાખા (posterior cilliary branch) કહે છે. તે અસરગ્રસ્ત થાય તો અંધાપો આવે છે. આ વિકારના પ્રથમ 24–48 કલાકમાં ર્દષ્ટિપટલ (retina) પર કોઈ ખાસ વિકાર જણાતો નથી. જો મહાધમની કે તેની કોઈ મોટી શાખા અસરગ્રસ્ત હોય તો હાંસડીનાં હાડકાં (અરીય-અસ્થિ, clavicle) પાસેની ધમની પર મર્મરધ્વનિ (murmur) સંભળાય છે. આશરે 40 % દર્દીઓમાં અવિશિષ્ટ (nonspecific) લક્ષણો જોવા મળે છે; જેમ કે, સૂકી ખાંસી, ખભાનો પીડાકારક લકવો, અજ્ઞાત કારણોસર આવતો તાવ (15 %) વગેરે. જો દર્દીને તાવ આવે તોપણ તેના લોહીમાં શ્વેતકોષોનું પ્રમાણ સામાન્ય રહે છે. તેથી મોટી ઉંમરે અજ્ઞાત કારણસર તાવ હોય, લોહીમાંનો રુધિરઠારણ દર (erythrocyte sedimentation rate, ESR) વધુ હોય અને શ્વેતકોષોની સંખ્યા સામાન્ય હોય તો આ વિકારની શંકા ઉદભવે છે. તે સમયે ઘણી વખત માથામાં કે જડબામાં દુખાવો નથી પણ થતો. અંધાપો થતો રોકવા માટે ભારે માત્રામાં પ્રેડનિસોલોન (એક પ્રકારનું સ્ટીરૉઇડ ઔષધ) શરૂ કરાય છે. સારવારનાં પ્રથમ 12 અઠવાડિયાંમાં ગંડકપાલીય ધમનીનો ટુકડો કાપીને તેનું પેશીપરીક્ષણ કરી લેવાય છે. તે માટે આશરે 3થી 5 સેમી.નો ધમનીનો ટુકડો જરૂરી બને છે. ધમનીની મધ્ય સ્તરિકા અને બાહ્ય સ્તરિકામાં શોથકારી લસિકાકોષો (lymphocytes), પેશીકોષો (histiocytes), પ્રરસકોષો (plasma cells) અને મહાકોષો (giant cells) જોવા મળે છે. એક બાજુની ધમનીના પેશીપરીક્ષણમાં 80–85 % જેટલી નિદાનલક્ષી સફળતા રહે છે અને બંને બાજુએથી પેશીપરીક્ષણ કરવાથી 95 %થી વધુ કિસ્સામાં નિદાન થઈ શકે છે. 10થી 15 % કિસ્સામાં મોટી ધમનીઓ પણ અસરગ્રસ્ત હોય છે. ESRની મદદથી સ્ટીરૉઇડ દવા(પ્રેડનિસોલોન)ની માત્રા નક્કી કરી શકાય છે. સામાન્ય ESR હોય તો મોટાભાગે અંધાપો આવતો નથી. રોગ ફરીથી ઊથલો મારી શકે છે અને કેટલાક દર્દીઓમાં તે ઘણાં વર્ષો સુધી સક્રિય રહે છે. આશરે 7 વર્ષ પછી છાતીમાંની મહાધમની પહોળી થઈને ફાટે એવું પણ બને છે.

વિનય ભોમિયા

શિલીન નં. શુક્લ