મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં આ વાઙ્મય રૂપોમાંથી પ્રથમ તો લોકમહાકાવ્ય(folk epic)ની સંજ્ઞાથી ઓળખવામાં આવતી રચનાઓ મળી, જેમાંથી પછી આદિમહાકાવ્ય (primary epic) કે પારંપરિક મહાકાવ્ય(traditional epic)નો ઉદભવ થયો. ત્યારબાદ સંસ્કૃતિ-સભ્યતાના વિકાસકાળે જે મહાકાવ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમને આદિમોત્તર કે દ્વૈતીયિક (secondary epic) મહાકાવ્યો કે સાહિત્યિક મહાકાવ્યો(literary epic) તરીકે ઓળખવામાં આવ્યાં. એ મહાકાવ્યોના આધારે પૂર્વ અને પશ્ચિમના સાહિત્યાચાર્યોએ મહાકાવ્યનાં લક્ષણો અને સ્વરૂપ બાંધી આપ્યાં છે.

સંસ્કૃત સાહિત્યમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ અદ્યાપિ સ્વીકૃત આદિ મહાકાવ્યો છે. એમાં મૌખિક પરંપરાના અંશો છે ને તે કારણે કથાનો સારો એવો પ્રલંબ પથરાટ પણ છે; પરંતુ ત્યારપછી કાલિદાસકૃત ‘કુમારસંભવ’ અને ‘રઘુવંશ’, ભારવિકૃત ‘કિરાતાર્જુન’, માઘવકૃત ‘શિશુપાલવધ’ અને શ્રીહર્ષકૃત ‘નૈષધચરિત’થી સંસ્કૃત સાહિત્યમાં સુઘટ્ટ અને સુબદ્ધ સાહિત્યિક મહાકાવ્યોનો યુગ ગણાયો છે. આ પ્રકારનાં મહાકાવ્યો તેના કલાકાર કવિની સુઘડ કલાકૃતિઓ છે. અલબત્ત, ઈસવી સનના આરંભે અશ્વઘોષ પાસેથી ‘બુદ્ધચરિત’ અને ‘સૌંદરનંદ’ નામક 2 મહાકાવ્યો, અનુક્રમે  એક ખંડિત અને બીજું અખંડ રૂપે ઉપલબ્ધ છે. આમ, સંસ્કૃતમાં ‘રામાયણ’, ‘મહાભારત’ જેવાં વિકાસશીલ મહાકાવ્યો(epics of growth)થી પંચ મહાકાવ્યો જેવાં સુવિકસિત સાહિત્યિક મહાકાવ્યો (epics of art – literary epics) સુધીનો ઇતિહાસ-આલેખ મળે છે.

આ અને આવી કૃતિઓને આધારે જ ભારતમાં તેનું શાસ્ત્ર રચાયું છે. સંસ્કૃતમાં મહાકાવ્યની વ્યાખ્યાબદ્ધ શાસ્ત્રીય ચર્ચા કરનાર સર્વપ્રથમ સાહિત્યાચાર્ય ભામહ (ઈ. 500–600) છે, જેમણે પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ્રંથમાં મહાકાવ્યનાં લક્ષણો તારવી બતાવ્યાં છે. ત્યારપછી દંડી (ઈ. 600 પછી) પોતાના ગ્રંથ ‘કાવ્યાદર્શ’માં, રુદ્રટ (ઈ. 800–850) ‘કાવ્યાલંકાર’માં, ભોજ (ઈ. 1000–1050) ‘સરસ્વતીકંઠાભરણ’માં, હેમચંદ્રાચાર્ય (ઈ. 1088–1172) ‘કાવ્યાનુશાસન’માં, વિશ્વનાથ (ઈ. 1350) ‘સાહિત્યદર્પણ’માં મહાકાવ્ય વિશે વ્યાખ્યાબદ્ધ ચર્ચા કરે છે.

ભામહ અને દંડીએ મહાકાવ્યની જે વ્યાખ્યા-વિભાવના રજૂ કરી છે તે બેશક, તેમના પૂર્વકાલીન કવિઓ અશ્વઘોષ, કાલિદાસ, ભારવિ ઇત્યાદિની કૃતિઓને કેન્દ્રમાં રાખીને કરી છે. સંભવ છે કે પૂર્વોક્ત કવિઓના અજ્ઞાત સમકાલીન અને પૂર્વકાલીન સર્જકોની કૃતિઓ પણ લક્ષમાં હોય. ભામહની વ્યાખ્યા મુજબ, મહાકાવ્ય સર્ગબદ્ધ હોય; એમાં મહાન વ્યક્તિઓનું મહાન જીવન નિરૂપ્યું હોય; એમાં અગ્રામ્ય શબ્દાર્થ હોય; આલંકારિક ભાષા હોય; સત્ પર તે આધારિત હોય; એમાં મંત્રણાર્થે દૂતપ્રેષણ હોય; યુદ્ધ તથા નાયકનો અભ્યુદય હોય; એમાં પાંચ સંધિઓ હોય અને અતિવિસ્તાર ન હોય; વાતાવરણ સમૃદ્ધ હોય; એમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચતુર્વર્ગનું નિરૂપણ હોય છતાં પ્રમુખ નિરૂપણ અર્થનું હોય; એમાં લોકસ્વભાવની ઝાંખી હોય; બધા રસો હોય; વળી એમાં નાયકનાં વંશ, પરાક્રમ અને પાંડિત્યના નિરૂપણથી એનો ઉત્કર્ષ બતાવ્યો હોય; એમાં ખલનાયકનો ઉત્કર્ષ થાય તે રીતે નાયકનો વધ ન કરાવાયો હોય.

ત્યારપછીના સાહિત્યાચાર્યોએ લગભગ આ જ લક્ષણો મહાકાવ્યનાં વર્ણવ્યાં છે. દંડીએ એક અગત્યની વાત એ કરી છે કે મહાકાવ્યનાં પૂર્વોક્ત લક્ષણોમાંથી કોઈક ઓછું હોય તો ચાલે, પરંતુ કવિ જે કંઈ સર્જે તે ભાવકના ચિત્તને આકર્ષે તેવું હોવું જોઈએ. આમ, મહાકાવ્યના ર્દઢ લક્ષણબદ્ધ દેહ કરતાં ઉત્તમ સર્જકે ન્યૂનાધિક લક્ષણોથી મંડિત મહાકાવ્ય આપ્યું હોય તો તે પ્રતિષ્ઠાને પાત્ર છે એમ જણાવી દંડી સર્જકની પ્રતિભાનો ઉદાર ચિત્તે આદર કરતા જણાય છે. રુદ્રટે મહાકાવ્યની વાત કરતાં મહાકવિએ પોતાના સર્જનમાં બિનજરૂરી પ્રસ્તાર અને વિષયાંતરથી બચવું જોઈએ એમ સૂચવ્યું છે. હેમચંદ્રાચાર્યે તો નોંધ્યું કે મહાકાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કે ગ્રામ્ય ભાષામાં પણ રચાયેલું હોય. તે સર્ગ, આશ્ર્વાસ, સંધિ, અવસ્કન્ધક નામક વિભાગોમાં વિભક્ત હોય. વળી દરેક સર્ગને અંતે ભિન્ન છંદ હોય. તેમાં યથાયોગ્ય સંધિઓ હોય, શબ્દ અને અર્થવૈચિત્ર્ય પણ હોય. આ રીતે ભામહે જ્યાં ગ્રામ્ય ભાષાનો નિષેધ કર્યો છે ત્યાં હેમચંદ્રાચાર્ય તે ભાષામાં મહાકાવ્યની રચનાની શક્યતા-ક્ષમતા નિહાળે છે. આનું એક કારણ એ હોઈ શકે કે હેમચંદ્રાચાર્યના સમયમાં અને નજીકના ભૂતકાળમાં પ્રાકૃત-અપભ્રંશમાં મહાકાવ્યકલ્પ રચનાઓ બની આવી હોય અને તેથી ગ્રામ્ય (લોક) ભાષામાં પણ મહાકાવ્યની શક્યતા તેમણે કલ્પી હોય.

આ રીતે જોવા જતાં સંસ્કૃત મહાકાવ્યની વિભાવનામાં મહાન અને ધીરોદાત્ત નાયક ત્રિવિધ શક્તિવાળો અને સર્વગુણસંપન્ન તથા કુલીન અને વિજિગીષુ હોય; તેનું વિષયવસ્તુ સત્-આધારિત, લોકસ્વભાવયુક્ત અને ધીરગંભીર તથા લોકમનરંજક હોય; ચતુર્વર્ગયુક્ત નિરૂપણવાળા મહાકાવ્યમાં વાતાવરણ સમૃદ્ધ અને વૈવિધ્યયુક્ત હોય; નગર, સમુદ્ર, પર્વતો, ઋતુઓ, ચંદ્રસૂર્યના અસ્તોદય, ઉદ્યાન, જલક્રીડા, વિવાહ, વિરહ આદિનું સમુચિત વર્ણન હોય; એમાં યુદ્ધ અને તત્સંલગ્ન વિધિવર્ણનો હોય અને છંદ-રસ-અલંકારનું વૈવિધ્ય હોય તે જરૂરી ગણાયું છે.

જેમ ભારતમાં સંસ્કૃતમાં તેમ પશ્ચિમમાં પણ મહાકાવ્ય સૌથી પ્રાચીન કાવ્યપ્રકાર ગણાયો છે. અંગ્રેજીમાં તે ‘એપિક’ સંજ્ઞાથી ઓળખાય છે. આ ‘એપિક’ શબ્દ ગ્રીક ભાષાના ‘એપૉસ’ (epos) શબ્દ પરથી ઊતરી આવ્યો છે; જેનો અર્થ થાય છે શબ્દ, વાર્તા, ગીત. આમ પશ્ચિમમાં મહાકાવ્યમાં વાર્તા અને ગાન સંકળાયેલાં છે. ગાઈને વીરનાયકની વાર્તા પ્રથમ કહેવાતી હતી તેથી તેને લોક-મહાકાવ્ય (folk-epic) અથવા વીરકાવ્ય (heroic poem) તરીકે ઓળખાવવામાં આવ્યું છે.

યુરોપમાં મહાકાવ્યનો આરંભ ઈ. પૂ. 850ની આસપાસ થયેલા ગ્રીક કવિ હોમરનાં 2 મહાકાવ્યો – ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’થી થયાનું મનાય છે. આ ઉપરાંત પ્રાચીન બૅબિલૉનમાં ઈ. પૂ. 2000ની આસપાસ, એટલે કે આજથી લગભગ 4 હજાર વર્ષો પૂર્વે, ‘ગિલગામેશ’ નામક મહાકાવ્યકલ્પ રચના મળે છે; જેમાં સર્જન, પતન અને પ્રલયને નિરૂપતી હિબ્રૂ સાહિત્યની પુરાણકથાઓનો ઉપદેશપ્રધાન વસ્તુસંકલના દ્વારા ઉપયોગ થયો છે. દંતકથાઓ અને ઇતિહાસ પર આધારિત તત્કાલીન અને પૂર્વકાલીન કથાવસ્તુને લઈને રચાતી મહાકથાઓ કંઠોપકંઠ વિસ્તરતી રહી. આથી આ રચનાઓને વિકાસકાલીન મહાકાવ્યો (epic of growth) તરીકે ઓળખાવાઈ છે; જેમાં પૂર્વોક્ત ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ ઉપરાંત અગ્લો-સૅક્સન મહાકાવ્યકલ્પ રચના ‘બેઓવુલ્ફ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ. સ.ના દસમા સૈકામાં કોઈ ઍંજ્ઞાત કવિ દ્વારા રચાયેલી આ કૃતિ આઠેક સદી સુધી અજ્ઞાત જ રહી હતી. એની માત્ર એક જ હસ્તપ્રત ઉપલબ્ધ થઈ છે અને એનો કેટલોક અંશ બળી ગયેલો છે. કુલ 3,183 પંક્તિઓના આ કાવ્યમાં ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં ફ્રાન્ક પ્રજાએ ગૉથ પ્રજાને હરાવી. તે હારેલી પ્રજાનો વીર નાયક તે બેઓવુલ્ફ. તેના શૌર્ય અને પરાક્રમની ગાથા ‘બેઓવુલ્ફ’માં રજૂ થઈ છે.

ઍરિસ્ટૉટલે ઈ. પૂ. ચોથી સદીમાં મહાકાવ્યનાં લક્ષણો પોતાના ગ્રંથ ‘પોએટિક્સ’(કાવ્યશાસ્ત્ર)માં વર્ણવ્યાં છે અને સાહિત્યમાં ટ્રૅજેડી પછી મહાકાવ્યનો મહિમા કર્યો છે. પ્લૅટોએ પૂર્વજીવનની વિચારણામાં ટ્રૅજેડી કરતાં મહાકાવ્યને ઓછું નુકસાનકારક ગણ્યું હતું. એમાંના ઉદાત્ત નાયક અને દેવદેવીઓના વિકૃતીકરણને કારણે પ્રજામાનસને એ હાનિકર્તા હોઈ ટ્રૅજેડીનો પ્લૅટોએ અસ્વીકાર કર્યો હતો; પરંતુ મહાકાવ્યમાં તેની કથનાત્મક નિરૂપણ-શૈલીને કારણે એ એને નિર્વાહ્ય ગણે છે અને પોતાના ઉત્તરજીવનની વિચારણામાં મહાકાવ્ય પ્રત્યે પ્લૅટો વધુ ઉદાર બને છે; પરંતુ તેમના શિષ્ય ઍરિસ્ટૉટલે મહાકાવ્ય વિશે વિશદ અને વિસ્તૃત છણાવટ કરી છે. તેઓ મહાકાવ્યના વસ્તુમાં તેની સંભવિત શક્યતાને સ્વીકારીને ચાલે છે. વળી, એ નૈતિક હેતુલક્ષિતાને તાકે છે અને એ માટે ધીરોદાત્ત નાયકના સમુચિત જીવનાંશને એમાં નિરૂપવાનું મંતવ્ય વ્યક્ત કરે છે. તેઓ માને છે કે મહાકાવ્યનો પટ બિનજરૂરી વિસ્તારપૂર્ણ ન હોવો જોઈએ તથા આદિ, મધ્ય અને અંતથી તે સુગ્રથિત હોવો જોઈએ. એનું નિર્વહણ અને નિરૂપણ સરળ અને સાદુંસીધું પણ હોય કે સંકુલ પણ હોય. એમાં નાયકની યાતના અને અંતિમ વિજય પર ઝોક મુકાયો હોય છે. એમાંનાં વૈવિધ્યપૂર્ણ પ્રસંગાયોજન અને વર્ણનરીતિથી તે અદભુત રસની જમાવટ કરે છે અને લોકમનરંજન કરે છે. એમાં કથનને અનુરૂપ એવો ડૅક્ટિલિક હેક્ઝામીટર છંદ વપરાયો હોય, જેમાં પ્રથમ સ્વરભારયુક્ત અને પછી બે સ્વરભારમુક્ત એમ કુલ 3 શ્રુતિનાં 6 આવર્તનની પંક્તિઓ આવતી હોય. આમ, ઍરિસ્ટોટલે મુખ્યત્વે મહાકાવ્યના રૂપગત સાવયવ માળખાને ધ્યાનમાં રાખીને આ લક્ષણો તારવ્યાં છે; પરંતુ ત્યારબાદ ઍરિસ્ટોટલના અનુગામી કાવ્યમર્મજ્ઞોએ, ખાસ કરીને નવજાગૃતિના કાળમાં, મહાકાવ્યના અંતસ્તત્વને વધારે મહત્વનું ગણી એની સર્વાશ્લેષી ચર્ચાવિચારણા કરી છે. નાયકના જીવનનિરૂપણ દ્વારા તેમાં ભવ્ય અને તુચ્છ પ્રસંગોને પણ નિરૂપવામાં આવે છે. તેમાં ઐહિકની સાથે આમુષ્મિક તત્વોનો સમાવેશ કરાયો હોય છે. એમાં આથી ભવ્યતાની સાથે સાથે એમાં ક્ષુદ્રતા પણ નિરૂપાઈ હોય છે. એનું કથાવસ્તુ પ્રખ્યાત હોય તેમજ ઉત્પાદ્ય પણ હોઈ શકે.

મુખ્યત્વે હોમરની કંઠ્ય પરંપરાથી આરંભાતી મહાકાવ્યની યાત્રા ઈ. સ.ની પ્રથમ સદીના પૂર્વાર્ધમાં રોમન કવિ વર્જિલના લૅટિનમાં લખાયેલા ‘ઈનીડ’માં લિખિત સ્વરૂપ ધારણ કરે છે. પશ્ચિમમાં કેટલાક વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે મૌખિક પરંપરાનાં મહાકાવ્યો ‘પ્રિમિટિવ એપિક્સ’ ગણાયાં છે તો લિખિત સ્વરૂપનાં મહાકાવ્યો ‘આર્ટિફિશલ એપિક્સ’ ગણાયાં છે. કંઠ્ય પરંપરાના મહાકવિ સમક્ષ મુખ્યત્વે શ્રોતાવર્ગ હોય છે; જ્યારે લિખિત પરંપરાના મહાકવિ સમક્ષ વાચકવર્ગ હોય છે. આને પરિણામે કંઠ્ય પરંપરાનો મહાકવિ શબ્દો, પંક્તિખંડો, પંક્તિઓ, પ્રસંગો, વિશેષણો, કલ્પનાઓનાં પુનરાવર્તનો કરતો હોય છે; જ્યારે લિખિત પરંપરાનો મહાકવિ આ બાબતમાં વધુ સાવધ અને સભાન હોઈ પુનરાવર્તનોને ટાળે છે અને પરિણામે કથાપટ સમ્યગ્ દીર્ઘતા ધારણ કરે છે, સુશ્લિષ્ટ અને સુગ્રથિત બને છે.

પરંપરાનાં કંઠ્ય મહાકાવ્યોમાં નાયકની વૈયક્તિક એષણા અને તેની પૂર્તિ માટેના પ્રયત્નો પ્રધાન રહેતા; જ્યારે લિખિત પરંપરામાં ર્દષ્ટિકોણ બદલાય છે. તત્કાલીન સમાજ-રાજ્ય-પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિ કેન્દ્રમાંથી ખસી રાષ્ટ્ર કેન્દ્રમાં આવે છે. ‘ઈનીડ’માં ઇનિઍસ અને ડાઇડોના પ્રેમનું બલિદાન રોમન સામ્રાજ્યની સ્થાપનાર્થે અપાય છે. આમ, વર્જિલનો નાયક રાષ્ટ્રને ખાતર અંગત લાગણી-ભાવના-એષણાનું બલિદાન આપી વીરત્વનો નવો મૂલ્યબોધ પ્રસ્થાપિત કરે છે. આમ, વર્જિલનું ‘ઈનીડ’ વિશ્વસાહિત્યના મહાકાવ્યના ઇતિહાસમાં એક મહત્વનું નવપ્રસ્થાન બને છે. ત્યારપછી લગભગ 1200–1300 વર્ષે યુરોપના સાહિત્યમાં તદ્દન વિશિષ્ટ કહી શકાય એવું મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’ પ્રાપ્ત થાય છે. વર્જિલને પોતાના ગુરુ માનનારા ઇટાલિયન કવિ ડાન્ટે રચિત 3 ખંડમાં વહેંચાયેલું 100 સર્ગનું આ મહાકાવ્ય છે. આ કાવ્યની પ્રથમ વિશેષતા એ છે કે તેમાં કવિ ડાન્ટે પોતે કાવ્યનાયક બને છે. વળી, એ પ્રશિષ્ટ ભાષામાં નહિ, પણ ઇટાલિયન ભાષામાં લખાયું છે. એમાં ડિક્ટાઇલ હેક્ઝામીટરને બદલે ‘ટર્ઝા રિમા’માં ત્રિકનો ઉપયોગ કર્યો છે. એમાં કાવ્યનાયકના બહારના પ્રવાસને સ્થાને આંતરપ્રવાસ યોજાયો છે; પરંતુ એના વિષયવસ્તુની ભવ્યતા અને ભૌતિકતા નહિ, પણ આધ્યાત્મિક મૂલ્યવત્તા એને આગવી વિશેષતા બક્ષે છે.

વર્જિલની જ પરંપરામાં ઇંગ્લૅંડના મહાકવિ મિલ્ટન ‘પૅરડાઇસ લૉસ્ટ’ નામક મહાકાવ્ય આપે છે. ઇંગ્લૅંડમાં ક્રૉમવેલના શાસનકાળ દરમિયાન સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં તેની રચના થઈ. બાઇબલની ઈડન ગાર્ડનની આદમ-ઈવની, નિષિદ્ધ ફળને ખાઈ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી મનુષ્યજાતને પતનના માર્ગે દોરી તે કથાનું બીજ લઈને આ મહાકાવ્ય વિકસાવાયું છે. ખ્રિસ્તી ધર્મ પર આધારિત આ મહાકાવ્યનો વિષય વૈશ્વિક છે. તેમાં ઈસુ, શેતાન, આદમ આદિની વાતને પડછે વ્યાપક અર્થમાં મનુષ્યની પ્રભુ પ્રત્યેની અવજ્ઞા અને તેને પરિણામે આવતું પતન તથા તેમાંથી ભાવિ ઉદ્ધારનું દિશાસૂચન છે. બ્લૅન્ક વર્સમાં લખાયેલું આ કાવ્ય પ્રથમ આવૃત્તિમાં 10 ખંડમાં હતું; જ્યારે તેની બીજી આવૃત્તિ અને અનુ-આવૃત્તિઓ 12 ખંડમાં વિભક્ત છે. મિલ્ટનના આ મહાકાવ્ય પછી મહાકાવ્યની સર્વસ્વીકૃત વિભાવના પ્રમાણે અદ્યાપિ અન્ય કોઈ મહાકાવ્ય સર્જાયું નથી.

ગુજરાતીમાં નર્મદે મહાકાવ્ય લખવાનો આરંભ તો કર્યો હતો, પરંતુ એ ‘વીરસિંહ’ કાવ્ય અધૂરું જ રહ્યું. દોલતરામ કૃપાશંકર પંડ્યાનું ‘ઇન્દ્રજિતવધ’ 1887માં પ્રકટ થયું હતું અને ભીમરાવ ભોળાનાથ દિવેટિયાનું ‘પૃથુરાજરાસા’ 1897માં પ્રગટ થયું હતું. ‘ઇન્દ્રજિતવધ’ અને ‘પૃથુરાજરાસા’ બંને મહાકાવ્યો સંસ્કૃત મહાકાવ્યોની પરંપરામાં લખાયાં છે. બળવંતરાય ઠાકોરે મહાકાવ્ય લખવાનો આરંભ કરેલો ખરો, પરંતુ પ્રથમ 44 પંક્તિઓથી એ આગળ વધ્યું નહિ. એ 44 પંક્તિઓ ‘એક તોડેલી ડાળ’ શીર્ષકથી પ્રકટ થયેલી છે. ન્હાનાલાલે ‘કુરુક્ષેત્ર’ બ્લૅન્ક વર્સની અવેજીની શોધમાં સાંપડેલી ડોલનશૈલીમાં રચ્યું છે અને ‘હરિસંહિતા’ અધૂરું રહેલું છંદોબદ્ધ કાવ્ય છે. આ બધી જ કૃતિઓ મહાકાવ્ય રચવાના પુરુષાર્થની દ્યોતક છે – નહિ કે મહાકાવ્યની વિભાવનાને અનુરૂપ સફળ સર્જનો.

અંગ્રેજી સાહિત્યમાં વિશાળ પટમાં પથરાયેલી અને સંકુલ વસ્તુવાળી નવલકથાઓ માટે પણ ‘એપિક’ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. હેન્રી ફિલ્ડિંગે 1749માં પ્રકટ થયેલી પોતાની નવલકથા ‘ટૉમ જૉન્સ’ને ‘કૉમિક એપિક પોઇમ ઇન પ્રોઝ’ કહીને ઓળખાવી છે. આ જ ઢબે દૉસ્તોયેવ્સ્કીની મહાનવલ ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’, તૉલ્સ્તૉયની ‘વૉર ઍન્ડ પીસ’ કે જેમ્સ જૉયસની ‘યૂલિસિસ’ને તથા ગુજરાતીમાં ગો. મા. ત્રિ.ની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા અર્વાચીન ગદ્ય મહાકાવ્યો કહેવાયાં છે. માર્કસવાદી વિવેચક જ્યૉર્જ લ્યુકાસ તો આ પ્રકારની નવલકથાઓને ‘બુર્ઝવા એપિક’ કહે છે; તો વળી વીસમી સદીના વીસીના ગાળાનો જર્મન નાટ્યકાર બર્ટોલ્ટ બેખ્ત તો ‘આવાં-ગાર્દ’ નાટકોને ‘એપિક-થિયેટર’ તરીકે ઓળખાવે છે. આમ, અગાઉ ‘એપિક’ એ મહાકાવ્યના પર્યાય તરીકે વપરાતી આવેલી સંજ્ઞા હવે બૃહત્કાય ગરિમાયુક્ત ગદ્યકથાઓને કે એ પ્રકારની નાટ્યકૃતિઓને માટે વિશેષ રૂપે વપરાતી સંજ્ઞા થઈ છે. શિથિલપણે ભારતમાં તેમ પશ્ચિમમાં પ્રલંબ પટે રચાયેલી કાવ્યકૃતિઓને માટે પણ ‘એપિક’ ‘મહાકાવ્ય’ – સંજ્ઞા વપરાતી આવી છે; પરંતુ મહાકાવ્યની શાસ્ત્રીય વિભાવના પ્રમાણે તો મિલ્ટનના ‘પૅરડાઇસ લૉસ્ટ’ બાદ વિશ્વ-સાહિત્યમાં કોઈ મહાકાવ્ય રચાયું જાણ્યું નથી.

ધીરુ પરીખ