મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે ઉજ્જયિનીથી કાલગણના શરૂ થતી. તે પરથી મંદિરનું ‘મહાકાલ’ નામ પડ્યું હોવાનું મનાય છે. આ સ્થાનના ખગોલીય મહત્વને લક્ષમાં લઈ જયપુરના નરેશ સવાઈ જયસિંહ બીજા(1686–1743)એ અહીં એક વેધશાળા પણ કરાવી હતી.
મહાકાલ મંદિર ઉજ્જૈનમાં આજે પણ છે; પરંતુ તે કાલિદાસે વર્ણવેલા મંદિર કરતાં ભિન્ન છે. પ્રાચીન મંદિર દિલ્હીના ગુલામ વંશના સુલતાન ઇલ્તુત્મિશે (1210–1236) નષ્ટ કરેલું. નવું મંદિર એ પ્રાચીન દેવાલયને સ્થાને જ બનાવ્યું હોવાનું જણાય છે. ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ આ મંદિર ભૂગર્ભમાં કરેલું છે અને તાજેતરમાં તેનો જીર્ણોદ્ધાર થતાં તે ભારે ભવ્યતા પામ્યું છે. સાત મોક્ષદાયિની નગરીઓમાં સ્થાન પામેલી અવંતિ(ઉજ્જયિની)માં ક્ષિપ્રામાં સ્નાન કરી, મહાકાલેશ્વરના જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરવા દેશભરમાંથી ભાવિક હિંદુઓ અહીં અવિરત આવતા હોય છે. મહારાજા જયસિંહે કરાવેલી વેધશાળા આજે પણ સક્રિય છે અને દર વર્ષે દૈનિક જ્યોતિષ-પત્રક (પંચાંગ) બહાર પાડે છે. મધ્યપ્રદેશની સરકારે અહીં એક નાનું પ્લૅનેટૉરિયમ અને ટેલિસ્કોપ પણ ગોઠવેલ છે.
પ્રવીણચંદ્ર પરીખ