મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન તથા દખ્ખણમાં બહમની અને અન્ય રાજ્યોના શાસકો સામે લડાઈઓ કરીને પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો. ગુજરાતનો સુલતાન અહમદશાહ પહેલો માળવાથી નાસી ગયેલા મસઊદનો પક્ષ લઈ માળવા ઉપર ચડી આવ્યો; પરંતુ તેના સૈન્યમાં રોગચાળો ફાટી નીકળવાથી, તેણે પાછા જવું પડ્યું. મહમૂદશાહે 1440માં દિલ્હી તરફ સૈન્ય સહિત કૂચ કરી; પરંતુ મલેક બુહલૂલ લોદીએ સૈયદ વંશના દિલ્હીના સુલતાન મોહમ્મદશાહ વતી માળવાના સુલતાનને હરાવ્યો. ત્યારબાદ 1442માં મેવાડના રાણા કુંભા સાથે તેણે યુદ્ધ કર્યું; પણ તેનું ચોક્કસ પરિણામ આવ્યું નહિ. બંનેએ પોતે વિજયી થયાનો દાવો કર્યો ! રાણા કુંભાએ પોતાના વિજયના સ્મારક તરીકે 1448માં ચિતોડમાં કીર્તિસ્તંભ બંધાવ્યો. સુલતાન મહમૂદશાહે પોતે જીત મેળવી હોવાનું જાહેર કરી, માંડુમાં સાત માળનો મિનારો બંધાવ્યો. મહમૂદશાહ માળવાના સુલતાનોમાં શ્રેષ્ઠ હતો. તેના રાજ્યકાળ દરમિયાન માળવા સમૃદ્ધ અને શક્તિશાળી બન્યું હતું. તેણે પૂર્વમાં બુંદેલખંડ તથા ઉત્તરે રણથંભોર, બિયાના, બૂંદી, કોટા વગેરે રાજ્યો જીતી લીધાં હતાં. મિસર(ઇજિપ્ત)ના અબ્બાસી વંશના ખલીફા અલ્મુસ્તન્જિદ બિલ્લાહે માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીના દરબારમાં ઈ. સ. 1465માં એક એલચીમંડળની સાથે ખિલાત (સન્માનનો પોશાક) અને સનદ મોકલ્યાં હતાં. તેને સુલતાન પોતાની મહાન સિદ્ધિ ગણતો હતો.
મહમૂદશાહ ફારસી સાહિત્યમાં રસ ધરાવતો હતો. પોતાના નવરાશના સમયમાં તે અન્ય દેશોના રાજકર્તાઓના ઇતિહાસ તથા તેમના દરબારોની વાતો સાંભળતો હતો. તે કેળવણીનો વ્યાપ વધારવા પ્રયાસો કરતો હતો. ધાર્મિક બાબતમાં તે અસહિષ્ણુ હતો. તેણે હિંદુ મંદિરોનો નાશ કરાવી, મૂર્તિઓ તોડાવીને ત્યાં મસ્જિદો બંધાવી હતી. આ ઉપરાંત તેણે મકબરા, મહેલો વગેરે બંધાવ્યાં હતાં. તેણે પોતાના રાજ્યની કચેરીઓમાં 1466માં સૌર વર્ષને બદલે ચાંદ્ર વર્ષ(હિજરી સન)નો ઉપયોગ કરવાનો હુકમ કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ