મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ

January, 2002

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (Cerebrospinal Fluid, CSF) : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમની અંદરના પોલાણમાં વહન કરતું વિશિષ્ટ પ્રકારનું પેશીપ્રવાહી. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) મુખ્ય 3 કાર્યો કરે છે – મગજને બહારના આંચકાઓ સામે રક્ષણ આપે છે, તેમાંનાં ચયાપચયી શેષ-દ્રવ્યોને દૂર કરે છે અને તેના કોષોને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. તેનાં વિશિષ્ટ ગુણધર્મો અને બંધારણ છે. મમે-જલ સ્વચ્છ જળ જેવું પારદર્શક અને રંગવિહીન હોય છે. તેને કસનળીમાં મૂકી રાખવાથી તેનો ગઠ્ઠો થતો નથી. તે આલ્કેલાઇન પ્રતિક્રિયા ધરાવે છે. સામાન્ય રીતે દર મિલીમિટર પ્રવાહીમાં 5 લસિકાકોષો (lymphocytes) ધરાવે છે. આ વિશિષ્ટ પ્રકારનું પેશી-પ્રવાહી કેન્દ્રીય ચેતાતંત્રમાં લસિકા-જલ(lymph)ના સ્થાને કાર્ય કરે છે. તેની વિશિષ્ટ ઘનતા 1.004–1.006 હોય છે. પુખ્ત વયે તેનું કુલ કદ 150 મિલી. હોય છે અને તે 110–130 મિમી./પાણીના દરે દબાણ કરે છે તેથી કટિછિદ્રણ (lumbar puncture) સોય દ્વારા બહાર કઢાય ત્યારે દર સેકન્ડે એક ટીપું બહાર આવે છે. ઊભા હોઈએ, ખાંસી કે છીંક ખાઈએ કે રડીએ ત્યારે તેનું દબાણ વધે છે. તેવી રીતે ગળામાં આવેલી જુગ્યુલર શિરા(internal jugular vein)ને દબાવવામાં આવે ત્યારે પણ તેનું દબાણ વધે છે. તે કલિલ-મુક્ત રુધિરપ્રરસ (plasma) જેવું છે, પરંતુ તેનું અને રુધિરપ્રરસનાં રાસાયણિક દ્રવ્યોનું પ્રમાણ જુદું જુદું રહે છે. તેમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, કોલેસ્ટિરૉલ, ક્ષાર-આયનો, યૂરિયા, યૂરિક ઍસિડ વગેરે દ્રવ્યો હોય છે (સારણી 1). મમે-જલમાં પિત્તમાંનાં વર્ણક-દ્રવ્યો (bile pigments) હોતાં નથી, પરંતુ તે કમળો થયો હોય ત્યારે જોવા મળે છે.

મસ્તિષ્કમેરુરજ્જુજલ(મમેજલ)નું રાસાયણિક બંધારણ

ક્રમ રસાયણ મમે-જલ (મિ.ગ્રામ./ 100 મિલી.) રુધિરપ્રરસ સાથે સરખાવતાં થતું પ્રમાણ
1. પ્રોટીન     20–30 ઘણું ઓછું (આલ્બ્યુમિન ગ્લોબ્યુલિન)
2. ઍમિનોઍસિડ     1.5–3.0 ઘણું ઓછું
3. કોલેસ્ટિરૉલ    0.06–0.22 ઘણું ઓછું
4. ગ્લુકોઝ     50–80 લગભગ સરખું
5. ક્લોરાઇડ     700–750 ઘણું વધારે
6. સોડિયમ       330 લગભગ સરખું
7. કૅલ્શિયમ        5.3 અર્ધું (આયૉનિક કૅલ્શિયમ જેટલું)
8. પોટૅશિયમ        12 ઘણું ઓછું
9. ફૉસ્ફેટ        1.8 ઘણું ઓછું
10. સલ્ફેટ        0.6 ઘણું ઓછું
11. મૅગ્નેશિયમ      3.0–3.6 ઘણું વધારે
12. બાઇકાર્બોનેટ      40–60 લગભગ સરખું
13. યૂરિયા      10–30 લગભગ સરખું
14. યૂરિક ઍસિડ      0.5–2.2 ઓછું
15. ક્રિયેટિનિન      0.5–2.2 લગભગ સરખું
16. લૅક્ટિક ઍસિડ       8–27 ઓછું

શરીરરચના : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ 3 આવરણો છે. તેમને તાનિકાઓ (meninges) કહે છે. સૌથી બહાર ર્દઢતાનિકા (dura mater), વચ્ચે જાલતાનિકા (arachnoid mater) અને સૌથી અંદર મૃદુતાનિકા (pia mater) આવેલી છે. જાલતાનિકાની નીચે આવેલી જગ્યાને અવ-જાલતાનિકી અવકાશ (subarachnoid space) કહે છે. તેમાં મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) આવેલું છે. મગજ અને કરોડરજ્જુની અંદર 4 પોલાણો (નિલયો, ventricles) અને 2 નલિકાઓ (ducts) આવેલી છે. તેમાં પણ મમે-જલ અથવા CSF હોય છે. મોટા મગજના બંને અર્ધગોલમાં એક એક એમ કુલ 2 પાર્શ્વનિલયો (lateral ventricles) આવેલાં છે, જે મધ્યરેખામાં આવેલા ત્રીજા નિલય(third ventricle)માં મૉન્રોના છિદ્ર (foramen of Monro) વડે ખૂલે છે. ત્રીજા નિલયની બંને બાજુ ચેતક (thalamus) નામનો ભાગ આવેલો છે. ત્રીજું નિલય નીચે મધ્યમસ્તિષ્ક(midbrain)માં આવેલી મસ્તિષ્કી જલનલિકા (cerebral aquiduct) અથવા સિલ્વિયસ(Sylvius)ની જલનલિકા દ્વારા લંબમજ્જા (medulla oblongata) અને લઘુમસ્તિષ્ક(નાના મગજ)ની વચ્ચે આવેલા ચોથા નિલયમાં ખૂલે છે. ચોથું નિલય નીચે કરોડરજ્જુની મધ્યમાંથી પસાર થતી પોલી નળી જેવી મધ્યનલિકા (central duct) સાથે જોડાય છે. ચોથા નિલયની છત(roof)માં 3 છિદ્રો હોય છે, વચલા છિદ્રને મેગેન્ડી(Magandie)નું છિદ્ર કહે છે, જ્યારે બાજુ પરનાં બંને છિદ્રોને લુશ્કા(Luschka)નાં છિદ્રો કહે છે, જે મમે-જલપુટિકાઓ(cisterns)માં ખૂલે છે. નિલયમાં બનેલું મમે-જલ આ છિદ્રો દ્વારા મગજ અને કરોડરજ્જુની આસપાસના અવ-જાલતાનિકી અવકાશમાં તથા કરોડરજ્જુની મધ્યનલિકામાં વહે છે. નિલયો અને નલિકાઓની અંદરની દીવાલ પર ઘનાકારી કોષો(cuboidal cells)નું બનેલું અધિચ્છદ (epithelium) હોય છે. તેને નિલયકલા (ependyma) કહે છે. તેના પર ઝીણા કેશ જેવા તંતુઓ હોય છે તેને કશા (cilia) કહે છે. તેમના હલનચલન વડે મમે-જલ વહેતું રહે છે.

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ : (અ) મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલનું ઉત્પાદન, વહન અને અવશોષણ તથા (આ) કટિછિદ્રણ (નોંધ : ‘તીર’ મમે-જલના વહનની દિશા બતાવે છે) : (1) મોટું મગજ, (2) નાનું મગજ, (3) મસ્તિષ્ક પ્રકાંડ, (4) કરોડ રજ્જુ (મેરુ રજ્જુ), (5) ર્દઢતાનિકા, (6) જાલતાનિકા, (7) પાર્શ્વનિલય, (8) નિલયવાહિનીજાલ, (9) મૉન્રોનું છિદ્ર, (10) ત્રીજું નિલય, (11) જલનલિકા, (12) ચોથું નિલય, (13) મેગેન્ડીનું છિદ્ર, (14) લુશ્કાનું છિદ્ર, (15) મધ્યનલિકા, (16) મમેજલપુટિકા, (17) શિરાવિવર, (18) જાલાભ વ્યંકૂર, (19) ટૂંટિયું વાળીને સૂતેલો દર્દી, (20) નિતંબાસ્થિની ઉપલી ધારદર્શક રેખા, (21) કટિછિદ્રણનું સ્થળ, કેડના 4થા અને 5મા મણકા વચ્ચે.

ઉત્પાદન, વહન અને પુન:અવશોષણ : મગજનાં નિલયોમાં કેશવાહિનીઓનાં જાળાં આવેલાં છે. તેને નિલયવાહિની જાળ (choroid plexus) કહે છે. તેઓ નિલયકલા વડે ઢંકાયેલાં હોય છે. અહીંની કેશવાહિનીઓના અંત:ચ્છદના કોષો કણિકામય અને ઘનાકાર હોય છે. તેમાં કણાભસૂત્રો (mitochondria) અને રિક્તાવકાશો (vacuoles) હોય છે. તેમાં ચયાપચયી પ્રક્રિયા ચાલતી હોય છે, જેને પરિણામે મમે-જલ ઉત્પન્ન થાય છે. પુખ્ત વયે દર કલાકે 20 મિલી. એટલે કે દિવસનું 500 મિલી. મમે-જલ ઉત્પન્ન થાય છે. સાદી ગાળણની પ્રક્રિયા વડે બહુ જ થોડું મમે-જલ ઉત્પન્ન થાય છે. મોટાભાગના મમે-જલનું સ્રવણ (secretion) કરાય છે. ઊર્જાનો વપરાશ કરતી અને ચયાપચયી ક્રિયાઓ સાથે જોડાયેલી સ્રવણની પ્રક્રિયા વડે મમે-જલ નિલયના પોલાણમાં ઝરે છે. તે પાર્શ્વ નિલયોમાંથી મૉન્રોનાં છિદ્રો દ્વારા ત્રીજા નિલયમાં આવે છે. ત્યાંથી મધ્યમસ્તિષ્કમાંની સિલ્વિયસની જલનલિકા દ્વારા તે ચોથા નિલયમાં આવે છે. ત્યાંથી તે 3 માર્ગે વહન કરે છે. વચલા છિદ્ર દ્વારા મહામમે-જલપુટિકા(cisterna megna)માં જાય છે. જ્યારે બાજુ પરનાં બે છિદ્રો (લુશ્કાનાં છિદ્રો) દ્વારા તે મજ્જાસેત્વી મમેજલ-પુટિકા(cisterna pontis)માં વહે છે. ત્યાંથી તે અવજાલતાનિકી અવકાશમાં વહે છે. ત્રીજો માર્ગ કરોડરજ્જુ(મેરુરજ્જુ)ના મધ્યમાં આવેલી મધ્યસ્થ નલિકા સાથે જોડાય છે. નિલયકલાના કોષોની કશાઓ(તંતુઓ)ના હલનચલનથી મમે-જલનું વહન થાય છે. વિવિધ ચેતાતંત્રીય અને અંત:સ્રાવી પરિબળો વડે મમે-જલનું ઉત્પાદન અને વહન અસર પામે છે. અનુકંપી ચેતાતંત્રની ક્રિયા વધે ત્યારે તેનું ઉત્પાદન ઘટે છે. ક્લૉરોફૉર્મ, ઈથર તથા આલ્કોહૉલ તેનું ઉત્પાદન વધારે છે, જ્યારે કૅફીન ઘટાડે છે. મગજના સૌથી બહારના આવરણને ર્દઢતાનિકા કહે છે. તેમાં લોહી ભરેલાં પોલાણો આવેલાં છે, જેમને શિરાવિવરો (venous sinuses) કહે છે. તેમાંથી લોહી પાછું શિરાઓ દ્વારા હૃદય તરફ જાય છે. શિરાવિવરોમાં જાલાભ વ્યાંકૂરો (arachnoid villi) નામની આંગળી આકારની પ્રવર્ધિકાઓ (projections) આવેલી છે. તેમાં તાનિકાકોષો (meningocytes) નામના ભક્ષીકોષો (phagocytes) આવેલા છે જે જીવાણુઓનું ભક્ષણ કરે છે. જાલાભ વ્યાંકૂરોમાં મમે-જલનું પુન:શોષણ થાય છે. તેમાં મુખ્ય પ્રક્રિયા ગાળણ(filtraion)ની છે. બહુ થોડા પ્રમાણમાં આસૃતિદાબ(osmotic pressure)ની અસર પણ જોવા મળે છે.

નિદાનચિકિત્સાકીય સંદર્ભ : કેડમાં આવેલા ત્રીજા અને ચોથા કટિમણકાની વચ્ચેની જગ્યામાં છિદ્ર પાડીને સોય નાંખવામાં આવે છે અને તેના દ્વારા મમે-જલને બહાર કાઢવામાં આવે છે કે તેમાં દવા નાંખવામાં આવે છે. આ પ્રક્રિયાને કટિછિદ્રણ (lumbar puncture) કહે છે. તે તાનિકાશોથ (meningitis), ખોપરીમાં દબાણ વધારતા રોગો, ઉપદંશ તથા મગજ કે તેની આસપાસ થયેલા રુધિરસ્રાવના નિદાનમાં ઉપયોગી થાય છે. તેના દ્વારા તાનિકાશોથ કે લોહીના કૅન્સર જેવા રોગોની સારવારમાં દવા પણ નાંખી શકાય છે. મમે-જલની તપાસ માટે સીધેસીધાં નિલયમાં પણ છિદ્ર પાડી શકાય છે. તેને નિલયછિદ્રણ (ventricle puncture) કહે છે. આવા સમયે તેમાં ઍક્સ-રેરોધી દ્રવ્ય નાંખીને નિલયચિત્રણ (ventriculography) કરી શકાય છે. આ પ્રકારનાં ચિત્રણોની મદદથી મગજની ગાંઠોનું નિદાન શક્ય છે. હાલ જોકે એમ.આર.આઇ. અને સી.એ.ટી.સ્કૅનની શોધ પછી આ પ્રકારની નિદાનપ્રક્રિયા ખાસ થતી નથી. જ્યારે અંત:કર્પરી (ખોપરીમાંનું) દબાણ વધે ત્યારે આંખની અંદર આવેલી ર્દષ્ટિચકતી (optic disc) પર સોજો આવે છે. તેને ર્દષ્ટિચકતીશોફ (papilloedema) કહે છે. ર્દષ્ટિચકતીશોફ હોય, કેડની ચામડીમાં ચેપ હોય કે લોહી વહેવાનો કોઈ રોગ હોય તો કટિછિદ્રણનો નિષેધ હોય છે. લોહીમાંનાં બધાં જ દ્રવ્યો મગજમાં પ્રવેશી શકતાં નથી. તે માટેનો અવરોધ સ્થૂળ પ્રકારનો નથી, પણ ક્રિયાલક્ષી અવરોધ છે. તેને રુધિર-મસ્તિષ્કી વિનિમયાવરોધ (blood-brain barrier) કહે છે. તેને કારણે મમે-જલનું બંધારણ પણ જળવાઈ રહે છે તથા મગજને બાહ્ય ઝેર સામે રક્ષણ મળે છે.

બશીર એહમદી

શિલીન નં. શુક્લ