મસ્તિષ્કી અંગઘાત (cerebral palsy) : નવજાત શિશુના વિકસતા મગજને થતી સ્થાયી ઈજાથી થતો લકવા જેવો વિકાર. તે પછીથી વધતો નથી. આમ તે વર્ધનશીલ (progressive) વિકાર હોતો નથી. તેનાં કારણોમાં મગજને ઓછો મળેલો ઑક્સિજનનો પુરવઠો (અનૉક્સિતા, anoxia), મગજમાં લોહી વહી જવું (મસ્તિષ્કી રુધિરસ્રાવ, cerebral haemorrhage) તથા મગજ કે તેના આવરણોમાં લાગેલા ચેપ(infection)નો સમાવેશ થાય છે. મોટેભાગે નવજાત શિશુ સમય કરતાં વહેલું જન્મેલું હોવાથી અલ્પપરિપક્વ (premature) હોય છે. એ પરિસ્થિતિમાં એના મગજને ઈજા થયેલી છે કે નહિ તે નિશ્ચિત કરવું અઘરું પડે છે. ક્યારેક કોઈક જનીનીય સંલક્ષણ(genetic disorder)ને કારણે પણ તેવું બને છે. ઘણી વખત કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી અને ક્યારેક ડોપામિનની સારવાર વડે પણ તેમાં સુધારો થાય છે તેથી કોઈ ચેતાસંદેશવાહક (neurotransmitter) સંબંધિત વિકાર પણ આવી સ્થિતિ સર્જે છે એવું મનાય છે.

જન્મસમયે મસ્તિષ્કી વિકારનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી, પરંતુ જેમ જેમ શિશુ મોટું થતું જાય તેમ તેમ તેના વિકાસના ફલકોને યથાસમય પસાર કરવામાં તે નિષ્ફળ નીવડે છે અને તેની સ્નાયુસજ્જતામાં કચાશ દેખાવા માંડે છે. તેનું નિદાન તે સમયે મુશ્કેલ હોવાથી તાલીમ પામેલા બાળ-ચેતાવિદ(paediatric neurologist)-ની મદદની જરૂર રહે છે.

મસ્તિષ્કી અંગઘાત વિવિધ રીતે જોવા મળે છે. એક છે સતતસંકોચનીય (spastic) પ્રકાર કે જે મુખ્યત્વે એકઅંગઘાત (monoplegia) એટલે કે કોઈ એક હાથ કે પગના લકવા રૂપે જોવા મળે છે. બીજો છે દુ:સંકોચનીય (dysplastic) પ્રકાર કે જેમાં પક્ષઘાત(hemiplegia)ના રૂપે એક બાજુના હાથ અને પગનો લકવો જોવા મળે છે. ત્રીજો છે અસજ્જી (atonic) પ્રકાર કે જેમાં દ્વિઅંગઘાત (diplegia) અથવા બંને પગનો લકવો થાય છે અને ચોથો છે મિશ્ર પ્રકાર કે જેમાં ચતુરંગઘાત(quadriplegia)ના રૂપે બંને હાથ અને બંને પગમાં લકવો થયો હોય છે. દર્દીના લકવાની સ્થિતિ ઉપરાંત તેનું બુદ્ધિકૌશલ્ય (intellect) જાણી લેવાય છે. તેના બુદ્ધિકૌશલ્ય અને આંચકી (convulsion) આવવાના વિકારને આધારે મસ્તિષ્કી અંગઘાતની કક્ષા નિશ્ચિત કરાય છે. તેમાં તેની ચાલવાની ક્ષમતા (ચલનક્ષમતા), બેસવાની ક્ષમતા (ઉપવેશક્ષમતા), આહાર લેવાની ક્ષમતા તથા બુદ્ધિકૌશલ્ય વગેરેનો તથા આંચકીની હાજરીનો સમાવેશ થાય છે. ક્યારેક દર્દી પોતાના પગનાં આંગળાં પર ચાલે છે અને તેને ખૂંધ નીકળે છે.

સામાન્ય રીતે અંગને વાંકા વાળતા સ્નાયુઓ સતત સંકોચાયેલા (spastic) રહે છે. તેમની સતતસંકોચનશીલતાને ઘટાડવા શસ્ત્રક્રિયા કરાય છે. તેનાથી મૂળ રોગમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી, જોકે શારીરિક કુરચના ઘટે છે અથવા થતી અટકે છે. આ ઉપરાંત નિયમિત કસરત–વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) પણ ઉપયોગી થાય છે; પરંતુ દુ:સંકોચનીય પ્રકારના દર્દીઓમાં તેનાથી વિશેષ લાભ થતો હોતો નથી. શસ્ત્રક્રિયા પછી દર્દીને સામાન્ય જીવન જીવતો કરવો ઘણું મુશ્કેલ થાય છે અને તેમાં લાંબા સમયનો અથાક પ્રયત્ન જરૂરી બને છે. દર્દીનું કયું અંગ અસરગ્રસ્ત છે તેના પર સારવારના પરિણામનો આધાર રહે છે.

(અ) મસ્તિષ્કી અંગઘાતનો દર્દી, (આ) વિશિષ્ટ વ્હિલચેર, (ઇ) તેમાં બેઠેલો દર્દી.

પક્ષઘાત હોય તેવાં બાળકો વગર ટેકે ચાલી શકે તેવો લાભ કરી અપાય છે, પરંતુ તેમનો પગ અંદર તરફ વળેલો રહે છે. તેને માટે કસરત કરાવાય છે તથા ઘૂંટી અને પાદતલ(sole)ના સાંધાઓને જોડતી શસ્ત્રક્રિયા કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં હાડકાનો થોડો ભાગ કાપી કાઢવાની શસ્ત્રક્રિયા કરાય છે. દર્દીનો હાથ વધુ અસરગ્રસ્ત હોય છે અને તેમાં શસ્ત્રક્રિયા વડે મર્યાદિત સુધારો થાય છે. જો દર્દીને દ્વિઅંગઘાત હોય તો તે અતિવિષમ રીતે ચાલે છે અને તેમના કિસ્સામાં શક્તિના ઓછા વ્યય સાથે સારી રીતે ચાલી શકાય તેવું કરવાના ધ્યેયથી સારવાર કરાય છે. તેમનો પગ ઢીંચણથી પાછળ તથા મધ્યરેખા તરફ વળેલો હોય છે તથા કેડથી પેટ તરફ અને મધ્યરેખા તરફ વળેલો હોય છે. તેથી ઓછી શક્તિ વપરાય તેવી રીતે ચાલી શકાય તેવો પગ કરવાની શસ્ત્રક્રિયા કરાય છે. એકથી વધુ સાંધાઓ અસરગ્રસ્ત હોવાથી તેમની શસ્ત્રક્રિયાઓ એક સાથે અથવા વારાફરતી કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં હાડકાનો ટુકડો પણ કપાય છે. શસ્ત્રક્રિયા પછી એકાદ વર્ષે તેના લાભ જોવા મળે છે. ચતુરંગઘાતવાળા દર્દીમાં ઘણી વખત માનસિક નબળાઈ પણ જોવા મળે છે, પરંતુ કેટલાક કિસ્સામાં તીવ્ર શારીરિક અપંગતાની સાથે બૌદ્ધિક તેજસ્વિતા પણ જોવા મળે છે. આવા દર્દીઓમાં મળ-મૂત્રની હાજતનું નિયંત્રણ ન હોય, ખાવાની તકલીફો હોય, પોષણનો અભાવ હોય કે આંચકી આવતી હોય તેવું બને છે. તેમને પાછળ કે એક બાજુ ખૂંધ નીકળે છે અને તેથી જરૂરી કસરતો અને પટ્ટાઓ પહેરવા પડે છે. કેટલાક કિસ્સામાં કરોડસ્તંભને હલનચલન કરાવતા સ્નાયુઓના સતતસંકોચનને કારણે કેડનો સાંધો ખસી જવાનો ભય રહે છે. તેને માટે જરૂરી કસરતો અને સ્થાપકો(splints)ની જરૂર પડે છે. સંપૂર્ણ અંગઘાતવાળો દર્દી યોગ્ય રીતે બેસી શકે તથા હલનચલન કરે તે માટે વિશિષ્ટ પ્રકારની વ્હિલચૅરનો ઉપયોગ કરવાનું સૂચવાય છે. હાલ તે માટે કમ્પ્યૂટર-નિયંત્રિત સચક્રબેઠિકા પણ ઉપલબ્ધ છે. તેમનાં શિક્ષણ અને પુનર્વાસ માટે વિશિષ્ટ તાલીમ પામેલા તજ્જ્ઞોની જરૂર પડે છે.

ભાર્ગવ ભટ્ટ

શિલીન નં. શુક્લ