મસ્તિષ્કી આભાસી અર્બુદ (pseudotumour cerebri) : મગજમાં ગાંઠ થયેલી ન હોય, પરંતુ તેના જેવી સ્થિતિ કે લક્ષણો સર્જતો વિકાર. તેમાં ખોપરીની અંદર દબાણ વધે છે માટે તેને અજ્ઞાતમૂલ અંત:કર્પરી અતિદાબ (idiopathic intracranial hypertension) અથવા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypertension, BIH) પણ કહે છે. સામાન્ય રીતે તેનું તરતનું કારણ મગજ-કરોડરજ્જુની આસપાસના પ્રવાહી(મસ્તિષ્ક-મેરુરજ્જુ જલ, cerebrospinal fluid, CSF)નું વધેલું કદ હોઈ શકે છે. મગજની આસપાસ આવરણો આવેલાં છે. તેમાંના સૌથી બહારના આવરણને ર્દઢતાનિકા (dura mater) કહે છે. તેમાં લોહી ભરેલાં પોલાણો આવેલાં છે. તેમને શિરાવિવરો (venous sinuses) કહે છે. CSFના વધુ ઉત્પાદન ઉપરાંત ર્દઢતાનિકામાંનાં શિરાવિવરોમાં વધેલું દબાણ પણ BIH કરે છે. તે સમયે દીર્ઘકાલી વિકાર થાય છે. આ વિકારમાં ખોપરીમાંનું દબાણ વધેલું હોય છે, પરંતુ મગજમાં કોઈ ગાંઠ હોતી નથી કે તેના લોહીમાં પાછા ભળવાની ક્રિયામાં કોઈ સ્થૂળ અટકાવ હોતો નથી. દર્દી સ્વસ્થ હોય છે. સામાન્ય રીતે વધુ ચરબીવાળી(જાડી) સ્ત્રીઓમાં તે વધુ પ્રમાણમાં થાય છે (4 : 1 :: સ્ત્રી : પુરુષ). BIH વિવિધ વિકારોમાં જોવા મળે છે (સારણી 1), પરંતુ તેનો કોઈ ચોક્કસ કારણરૂપ રોગ કે વિકાર જાણમાં નથી.
સૌમ્ય અંત:કર્પરી અતિદાબનાં કેટલાંક મહત્વનાં કારણો
ક્રમ | જૂથ | ઉદાહરણ |
1. | દવાઓની આડઅસર અથવા ઝેરી અસર | નેલિડિક્સિક ઍસિડ, નાઇટ્રોફ્યુરેન્ટૉઇન, સલ્ફોનેમાઇડ્ઝ, ટેટ્રાસાઇક્લિન, વિટામિન-એ |
2. | અંત:સ્રાવી (endocrine) અને ચયાપચયી (metabolic) વિકારો | ઍડિસનનો રોગ, કુશિંગનો રોગ, અલ્પ-પરાગલગ્રંથિતા (hypoparathyroidism), સગર્ભાવસ્થા, મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ, ઋતુસ્રાવ-પ્રારંભ (menarche), મેદસ્વિતા (obesity), સ્ટીરૉઇડ વડે કરાતી સારવાર અથવા તેને એકદમ બંધ કરવી |
3. | લોહીના રોગો | શીતગ્લોબ્યુલિનરુધિરતા (cryoglobulinaemia), લોહની ઊણપથી થતી પાંડુતા (iron deficiency anaemia) |
4. | પ્રકીર્ણ | ર્દઢતાનિકી-શિરાવિવરરોધ (dural sinus obstruction), માથાને ઈજા, મધ્યકર્ણના વિકારો, વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE) નામનો રોગ વગેરે |
લાંબા સમય સુધી આ પ્રકારની સ્થિતિ રહે તો મગજની નીચલી સપાટી પર આવેલી પીયૂષિકાગ્રંથિ (pituitary gland) તેના સ્થાન(પીયૂષિકાગુહા, sella tursica)માં નાની થઈ જાય છે, પરંતુ તે સક્રિય હોય છે. તેને રિક્ત પીયૂષિકાગુહા સંલક્ષણ (empty sella syndrome) કહે છે. BIHનું નિદાન કરવામાં અંત:કર્પરી અતિદાબનાં અન્ય જાણીતાં કારણો(દા.ત, મગજમાં ગાંઠ, મગજમાં કે તેની આસપાસ જામતો લોહીનો ગઠ્ઠો અથવા મગજ કે તેનાં આવરણોનો ફેલાતો ચેપ)ની ગેરહાજરીને મહત્વ અપાય છે. CSFના માર્ગમાં કોઈ સ્થૂળ અટકાવ નથી. તે સી.એ.ટી.સ્કૅન કે એમ.આર.આઇ. ચિત્રણો વડે નિશ્ચિત કરાય છે. કેડમાં છિદ્ર પાડીને (કટિછિદ્રણ, lumbar puncture) તેના દ્વારા CSF કાઢવામાં આવે ત્યારે તેનું દબાણ 300 મિમી. કે વધુ હોય છે; પરંતુ તેનું રાસાયણિક બંધારણ સામાન્ય હોય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ 20 મિગ્રા./ડેસિલી.થી ઓછું રહે છે. સામાન્ય રીતે આ દર્દીઓ વધુ પડતી ચરબીવાળા હોવાથી મગજના અધશ્ચેતક (hypothalamus) નામના ભાગનો કોઈ વિકાર હોઈ શકે એવું મનાય છે. ગૅલૅક્ટોકાઇનેઝ નામના ઉત્સેચક(enzyme)ની ઊણપ હોય ત્યારે ગૅલૅક્ટિટોલ નામનું દ્રવ્ય કોષોમાં જમા થાય છે, જેને કારણે કોષોમાંનો આસૃતિદાબ (osmotic pressure) વધે છે; જે મગજ પર સોજો લાવે છે. આ પ્રકારનો જન્મજાત વિકાર ભાગ્યે જ જોવા મળે છે.
દર્દી માથું દુખવાની, ઊબકા-ઊલટી થવાની, આંખે બરાબર ન દેખાવાની, આંખની પાછળ દુખાવો થવાની, બેવડું દેખાવાની, કાનમાં ઘંટડીઓ સંભળાવાની કે ચક્કર આવવાની ફરિયાદ કરે છે. બંને આંખની તપાસ કરતાં તેમાંની ર્દષ્ટિચકતીમાં સોજો આવેલો હોય છે (ર્દષ્ટિચકતીશોફ, papilloedema). ક્યારેક ર્દષ્ટિપટલમાં લોહી વહેવાના કે અધિસ્રાવ(exudate)ના ડાઘા પણ જોવા મળે છે. ક્યારેક અંધાપો આવે છે. ક્યારેક થોડા મહિનામાં વિકાર શમે છે, પરંતુ તે સમયે પણ અંત:કર્પરી અતિદાબ ઘટ્યો હોતો નથી. હાલ સારવાર માટે 4 પદ્ધતિઓમાંથી જે ઉપયોગી લાગે તેની મદદ લેવાય છે : (1) વારંવાર કેડમાં છિદ્ર કરી CSF કાઢી લેવું, (2) કૉટિકોસ્ટીરૉઇડ અને મૂત્રવર્ધકો જેવી દવાઓ આપવી અને/અથવા (3) આંખની મુખ્ય ચેતા, ર્દષ્ટિચેતા(optic nerve)ના આવરણ(ચેતાપિધાન, nerve sheath)માં કાપો મૂકવાની શસ્ત્રક્રિયા કરવી.
પરિમલ ત્રિપાઠી
શિલીન નં. શુક્લ