મશ્કી (માસ્કી) : આંધ્રપ્રદેશના રાયચુર જિલ્લામાં આવેલ લોહયુગની સંસ્કૃતિનું વસાહતી સ્થળ. આ સ્થળે વીસમી સદીમાં કરેલ ખોદકામ દરમિયાન વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ, હજારો સિક્કાઓ, ચંદ્રકો વગેરે વસ્તુઓ મળી આવી છે. આ સમયનાં માટીનાં વાસણો કાંઠાવાળાં અને કાળા રંગનાં છે. તે જુદા જુદા ઘાટોમાં જોવા મળે છે. વાસણો બનાવવાની આ રીત પ્રાચીન ઐતિહાસિક કાળ સુધી ચાલુ રહી હતી. ત્યાં કરવામાં આવેલા ઉત્ખનનમાંથી તીરનાં ફળાં, ખીલા, કટારો, તલવારો જેવાં શસ્ત્રો પણ મળી આવ્યાં છે.
ઈ. સ. 1915માં બોડને મૌર્યવંશના સમ્રાટ અશોકનો શિલાલેખ ત્યાંથી શોધી કાઢ્યો છે.
દખ્ખણના ચાલુક્ય વંશના રાજા જયસિંહ બીજા(1015–1043)ને મુસંગી એટલે રાયચુર જિલ્લામાં દોઆબમાં આવેલ મશ્કીમાં દક્ષિણ ભારતના ચોલ વંશના રાજા રાજેન્દ્રે 1021માં હરાવ્યો હતો; પણ પછી થોડા સમય બાદ તે પ્રદેશ જયસિંહે પાછો જીતી લીધો હતો.
જયકુમાર ર. શુક્લ