મસાચિયો (જ. 21 ડિસેમ્બર 1401, કૅસલ સૅન જિયૉવાની; અ. 21 ડિસેમ્બર 1428, રેમા, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલિયન ચિત્રકાર. મૂળ નામ ટોમાસો દિ સેર જિયૉવાની દિ મૉને. બેફિકરાઈને કારણે તેમને ‘મસાચિયો’ નામ મળ્યું હતું અને તે જ નામે તેમને ખ્યાતિ મળી. સ્થપતિ ફિલિપ્પો બ્રુનેલૅસ્કી અને શિલ્પી દોનતૅલ્લોની સાથે મસાચિયોની ગણના ફ્લૉરેન્ટાઇન રેનેસાંના ઘડવૈયાઓમાં થાય છે. મેસોલિનો દ પેનિકેલ પાસે તેમણે તાલીમ લીધી અને તેમનાં ઘણાં ચિત્રોમાં તેમને સહકાર આપ્યો હોવાનું મનાય છે; પરંતુ તેમના ઘડતરમાં સાચો ફાળો તો ચૌદમી સદીના મહાન ચિત્રકાર જ્યૉત્તો દિ બૉન્દૉનેનો છે. મસાચિયોના મૅડૉના ઍન્ડ ચાઇલ્ડ ઍન્થ્રૉન્ડ’ ચિત્રમાં પૂતળા જેવી અક્કડ ભારેખમ અને દમામદાર દેખાતી દેહાકૃતિ જ્યૉત્તોની અસરનું સીધું પરિણામ છે.

વિગતપ્રચુર શરીરરચના અને કોઈ એક જ સ્રોતમાંથી આવતા પ્રકાશ વડે શક્ય બનતી છાયા-પ્રકાશની ગોઠવણીનું આલેખન એ તેમની કલાના મૌલિક ગુણો છે. ચિત્રમાં માનવ-આકૃતિઓની નાટ્યોચિત ગોઠવણી દોનતૅલ્લો પાસેથી તેઓ શીખ્યા.

ફ્લૉરેન્સના સાન્તા મારિયા નૉવેલા કૅથીડ્રલમાં ભીંતચિત્ર ‘ટ્રિનિટી’માં તેમણે બ્રુનેલૅસ્કીના રૈખિક પરિપ્રેક્ષ્યનો ઘણો સફળ વિનિયોગ કર્યો છે. ચિત્રાંકિત દીવાલની પણ પેલે પાર કૅથીડ્રલ વિસ્તરતું હોય તેવી ભ્રાંતિ તેમણે ઊભી કરી છે. ચિત્રની નીચલી કિનારી પર તેમણે બહાર પડતી છાજલી ચીતરી છે. જેની પર ઘૂંટણિયે પડતા બે દાતાઓ, તેમની પાછળ વર્જિન અને સંત જૉન તથા તેમની પાછળ ઈશ્વર અને ક્રૉસ પર ચઢાવેલા ઈસુ – આ 6 માનવ-આકૃતિઓ દ્વારા એક પિરામિડ રચવામાં આવ્યો છે અને કેન્દ્રસ્થ બિંદુ ચિત્રમાં નીચેથી ઉપર ગતિમાન બને છે. આની સહોપસ્થિતિ રૂપે તેમણે અર્ધ નળાકાર ઘુમ્મટમાં ‘ફ્રૉગ્સ આઇ વ્યૂ’ ચીતર્યો છે. આથી તેની બધી રેખાઓનું અર્દશ્ય બિંદુ ચિત્રની નીચે – ચિત્રની પણ બહાર જોવા મળે છે. આ ઉપરાંત ‘મૅડૉના ઍન્ડ ચાઇલ્ડ ઍન્થ્રૉન્ડ’ (1426) એમાંના છાયા-પ્રકાશની પ્રભાવક રજૂઆતને કારણે ખાસ જાણીતું બન્યું છે. જોકે અહીં માનવ-આકૃતિઓ ભાવહીન, અક્કડ, શુષ્ક, લાવણ્યહીન અને ભારેખમ છે. ‘ઍક્સ્પલ્ઝન ફ્રૉમ પૅરેડાઇઝ’માં સ્વર્ગના દરવાજામાંથી ઉતાવળે બહાર આવતું, વ્યથાથી પીડાતું નગ્ન યુગલ (આદમ અને ઈવ) મસાચિયોએ સ્પષ્ટ છાયા-પ્રકાશમાં ચીતર્યું છે. અહીં તેમણે ચીતરેલી કલ્પાંતની અંગભંગિઓ કોઈ પણ દર્શકને હચમચાવવા માટે પૂરતી છે. આમાં સ્ત્રીએ પોતાનું જનનાંગ ડાબે હાથે અને સ્તનો જમણા હાથે ઢાંક્યાં છે. પુરુષ બંને હથેળી કપાળે મૂકી રડવામાં વ્યસ્ત છે, એનું જનનાંગ ખુલ્લું છે. પાછળ ખુલ્લી આસમાની પશ્ચાદભૂમાં લાલ વસ્ત્રોમાં સજ્જ એક દેવદૂત સ્ત્રીની આકૃતિને લઈને આસમાની પશ્ચાદભૂ વસ્તુત: આકાશ છે. તેની પ્રતીતિ થાય છે અને તે દ્વારા ચિત્રમાં ઊંડાઈનું પરિમાણ સર્જાય છે.

અમિતાભ મડિયા