મલ્લિક, ગુરુદયાલ

January, 2002

મલ્લિક, ગુરુદયાલ [જ. 7 જુલાઈ 1897, ડેરા ઇસ્માઈલખાન (હાલ પ. બંગાળ); અ. 14 એપ્રિલ 1970] : સૂફી સંત. ‘ચાચાજી’ના નામે જાણીતા. એમના પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી. પરિણામે ભાઈ-બહેનો માતા પાસે જ રહેતાં. માતાએ જ ગુરુદયાલને પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ હોવાનું શીખવેલું. શાળાનું શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં અને કૉલેજનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં. કૉલેજના અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજના નેજા હેઠળ ન્યાયવિદ ચંદાવરકરે દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન ગોઠવેલું. તેના પરિણામે તેમનું સ્વત્વ અને સત્વ જાગ્રત થયું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ વગેરે ધર્મપુરુષો તથા સંસ્કૃતિ-ચિંતકોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા અને એ રીતે તેઓ તેમને જાણી અને માણી શક્યા.

કિશોરવયથી જ તેમને આધ્યાત્મિક અનુભવોમાં રસ હતો અને એવા અનુભવો થતા પણ હતા. તેમના વ્યક્તિત્વ પર અનેક ચિંતકોની તેમજ ઉત્તમ ગ્રંથોની અસર પડેલી. તેમાં ઇશોપનિષદ, બાઇબલ, ‘ગીતાંજલિ’, રામાયણ, રસ્કિનનું ‘Sesame and Lilies’, જૉન ગાલ્સવર્ધીનાં નાટકો, કબીર, મીરાં અને દાદૂ દયાલનાં ભજનોનો સમાવેશ થાય છે. વળી બંગાળના બાઉલો, ખ્વાજા હસન નિઝામના નિબંધો, શ્રીકૃષ્ણનું જીવન, સૂફી કવિ લતીફ શાહ, સચ્ચ (Succh) કુતૂબ અને સામીની અસરો પણ ખરી જ. વળી પૂ. મોટા જેવા અનેક સાંઈ-સંતોના તેઓ પરમ પ્રેમી હતા. તેમનામાં સહજતયા ગાંધીજી અને ગુરુદેવ પ્રત્યે ઉત્કટ અનુરાગ હતો. શાંતિનિકેતનમાં તો તેમણે અધ્યાપન પણ કરેલું. તેઓ કહેતા, ‘શાંતિનિકેતનનો શ્વાસ જ મારા જીવનનો વળાંક હતો.’ રવીન્દ્રનાથના પ્રથમ દર્શને જ તેમણે દિવ્ય સ્પર્શનો અનુભવ કર્યો હોવાનું જણાવેલું. ગાંધીજીના દર્શને તેમણે અહિંસાશક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો.

ગુરુદયાલ મલ્લિક

ગુરુદયાલ મલ્લિક અનેક ભાષાઓ જાણતા હતા. સિંધી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી અને મરાઠી વગેરે ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે જે પુસ્તકો લખ્યાં છે તેમાં અધ્યાત્મચિંતન, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનો સમાવેશ થાય છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સેઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’; તો અન્ય ચિંતકોની સાથે લખેલાં પુસ્તકોમાં ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘ગાંધી ઍન્ડ ટાગોર’, ‘બા અને બાપુ’, ‘મહર્ષિ અરવિંદ સાથે જીવનયાત્રા’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’ વગેરેને ગણાવી શકાય.

તેઓ શાંતિના ચાહક હતા, પ્રેમના વાહક હતા અને અનાસક્ત યોગી હતા. બાળકો સાથે તો તેઓ બાળક જેવા જ ! એ રીતે બાળકોના તો તેઓ પ્યારા ચાચાજી હતા. વળી સારસ્વત તો ખરા જ. તેઓ જન્મે ભલે સિંધી-પંજાબી હોય પણ એક સૂફી સંતનાં સુવાસ અને ઔદાર્ય ધરાવતા હતા. તેમણે અંગ્રેજીમાં રચેલાં ભજનો તેમના આધ્યાત્મિક ઊંડાણની પ્રતીતિ કરાવે છે. ભજનોનું સર્જન અને ગાન એમની જીવનભરની અત્યંત પ્રિય પ્રવૃત્તિ રહી હતી. આવા પ્રેમ અને કરુણાના સાધક અને ગાયક વારંવાર ગુજરાતમાં આવી તેમનો અઢળક પ્રેમ પીરસતા રહેલા.

રજનીકાન્ત જોશી