મલ્લિક, પંકજ

January, 2002

મલ્લિક, પંકજ (જ. 10 મે 1905; અ. 19 ફેબ્રુઆરી 1978) : ભારતીય ચલચિત્રોના સંગીતમાં રવીન્દ્ર સંગીત તેમજ આધુનિકતાનો પ્રયોગ કરનાર બંગાળી ગાયક અને સંગીતકાર. બાળપણથી જ સંગીત પ્રત્યે તેમને લગાવ હતો. સંગીતકાર દુર્ગાદાસ બંદ્યોપાધ્યાય પાસે તેમણે ગાયકીની તાલીમ લીધી હતી. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાં જ તેમના પર કુટુંબની જવાબદારી આવી પડતાં કૉલેજનું શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. ગુજરાન માટે સંગીતનાં ટ્યૂશનો કરવા સાથે સંગીતની સાધના ચાલુ રાખી. એવામાં તેમને આકાશવાણી પર ગાવાની તક મળી. 1927ની 26મી સપ્ટેમ્બરે તેમણે આકાશવાણી પર પ્રથમ ગીત ગાયું. ત્યાં તેમની મુલાકાત સંગીતકાર રાયચંદ બોરાલ સાથે થઈ. તેઓ ચિત્રનિર્માણ-સંસ્થા ન્યૂ થિયેટર્સ સાથે જોડાયેલા હતા. તેમણે તેમને પોતાના મદદનીશ બનાવ્યા. આ જ સંસ્થામાં તેઓ થોડા જ સમયમાં સ્વતંત્ર સંગીતકાર બન્યા. 1933માં ‘યહૂદી કી લડકી’ ચિત્રમાં તેમણે પ્રથમ વાર સંગીત આપ્યું.

પંકજ મલ્લિક

ન્યૂ થિયેટર્સનાં ઘણાં ચિત્રોમાં સંગીતની સાથે કેટલાંક યાદગાર ગીતો આપનાર પંકજ મલ્લિક સંન્યાસી જેવી પ્રકૃતિ ધરાવતા હતા. પોતે જે ગીતો સહજતાથી ગાઈ શકે તેમ હોય એ પણ તેમણે કે. એલ. સહગલ પાસે ગવડાવ્યાં હતાં. રવીન્દ્ર સંગીતને બંગાળની બહાર લોકપ્રિય બનાવવામાં તેમનું મોટું યોગદાન છે. બંગાળ સહિત પૂર્વ ભારતના લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનો પણ તેમણે ઉપયોગ કર્યો. ન્યૂ થિયેટર્સના ચિત્ર ‘મુક્તિ’માં રવીન્દ્ર સંગીતનો જે રીતે તેમણે ઉપયોગ કર્યો છે તે બેમિસાલ ગણાય છે. કવિવર ટાગોર જે ચિત્ર પોતાની વાર્તા પર આધારિત હોય તેમાં જ પોતાનાં ગીતોનો ઉપયોગ કરવા દેતા હતા, પણ પંકજ મલ્લિકને તેમણે અન્ય લેખકોની વાર્તાઓ પર આધારિત ચિત્રોમાં પણ પોતાનાં ગીતોનો ઉપયોગ કરવા દીધો હતો. સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને કારણે પંકજ મલ્લિકે કદી કોઈ બીજી સંસ્થા માટે કામ ન કર્યું.

તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 40 હિંદી ગીતો ગાયાં. આમાંનાં લગભગ બધાં ગીતો ચિરંજીવ બની ગયાં છે. તેમાં ‘કપાલકુંડલા’નું ‘પિયા મિલન કો જાના…..’ તથા ‘નર્તકી’નું ‘યે કૌન આજ આયા સવેરે સવેરે….’ અને ‘ડૉક્ટર’નું ‘આઇ બહાર આજ આઇ બહાર’ નોંધપાત્ર છે. ગાયક અને સંગીતકાર તરીકે આ ચિત્રો તેમની કારકિર્દીનાં શ્રેષ્ઠ ચિત્રો ગણાય છે.

કૉલકાતામાં 1926માં રેડિયો-કેન્દ્રનો પ્રારંભ થયો ત્યારથી 1975 સુધી તેઓ તેની સાથે જોડાયેલા રહ્યા. રેડિયો પર દર રવિવારે સવારે સંગીતના પાઠનો તેમનો કાર્યક્રમ પ્રસારિત થતો. નવી પેઢીને આ રીતે તેઓ સંગીતથી પરિચિત કરવા મથ્યા હતા. દર વર્ષે દુર્ગાપૂજાના અવસરે ‘મહિષાસુરમર્દિની’ નામનો લોકપ્રિય કાર્યક્રમ તેઓ આકાશવાણી પરથી રજૂ કરતા. ભારત સરકારે 1970માં તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો. 1973માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરાયો.

નોંધપાત્ર ચિત્રો : યહૂદી કી લડકી (1933), ભાગ્યચક્ર, દેવદાસ (1935), માયા, ગૃહદાહ (1936), દીદી/પ્રેસિડન્ટ, મુક્તિ (1937), અધિકાર, અભિજ્ઞાન, દેશેર માટી/ધરતી માતા, દુશ્મન/જીબોન મરન (1938), બરદીદી/બડી દીદી, કપાલકુંડલા (1939), જિંદગી, નર્તકી (1940), ડૉક્ટર (1941), મીનાક્ષી (1942), મેરી બહન (1944), રામેર સુમતિ/છોટાભાઈ (1947), મહા પ્રસ્થાનેર પાથે/યાત્રિક (1952), અમર સાયગલ (1955). આ ચિત્રો પૈકી ‘અધિકાર’, ‘અભિજ્ઞાન’ અને ‘આંધી’માં તેમણે નાની ભૂમિકાઓ ભજવી હતી.

હરસુખ થાનકી