મલિક ખુશનૂદ

January, 2002

મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની સાથે મલિક ખુશનૂદ નામના એક ગુલામને પણ બીજાપુર સલ્તનતમાં લઈને આવ્યાં હતાં. ગુલામ તરીકે આવેલા મલિક ખુશનૂદે પોતાની વફાદારી, વહીવટી કાર્યદક્ષતા અને કવિ તરીકેની યોગ્યતાને લઈને ઘણી પ્રગતિ કરી. સુલતાન મુહમ્મદ આદિલશાહે મલિક ખુશનૂદને 1635માં પોતાનો એલચી બનાવીને ગોલકોન્ડા મોકલ્યો હતો.

મલિક ખુશનૂદ ઉચ્ચ કોટીના ઉર્દૂ કવિ હતા. તેમણે દક્ષિણી ઉર્દૂમાં કસીદા, ગઝલ તથા મરસિયા કાવ્યો લખવા ઉપરાંત ઉત્તર ભારતના ફારસી કવિ અમીર ખુસરોનાં 2 મસ્નવી કાવ્યો ‘યુસુફ ઝુલેખા’ અને ‘હશ્ત બ્હેશ્ત’નો અનુવાદ કર્યો હતો. તેમના જીવનપ્રસંગોની જેમ તેમનાં કાવ્યો પણ ખોવાઈ ગયાં છે અને હવે માત્ર ‘હશ્ત બ્હેશ્ત’નો અનુવાદ ‘જન્નત સિંગાર’ તથા કેટલીક ગઝલો અને એક મરસિયા કાવ્ય પ્રાપ્ય છે. તેમણે પોતે જણાવ્યા પ્રમાણે ‘જન્નત સિંગાર’ કાવ્ય 1640માં પૂરું કર્યું હતું. તેમાં કુલ 3,225 પંક્તિઓ છે. આ મસ્નવી કાવ્યમાં મુખ્ય પાત્ર શાહ બેહરામ છે. સપ્તાહના 7 દિવસોના હિસાબે તેના માટે 7 મહેલ તૈયાર કરવામાં આવ્યા છે. શાહ બેહરામ રોજ એક મહેલમાં રાત્રિ-નિવાસ કરે છે અને એક રોમાંચક વાર્તા સાંભળે છે. આમ 7 દિવસમાં જુદા જુદા મહેલોમાં નિવાસ કરીને 7 વાર્તાઓ સાંભળે છે અને આઠમા દિવસે શાહ બેહરામ શિકાર માટે જંગલમાં જઈ કાયમને માટે ગુમ થઈ જાય છે. કવિએ જે 7 વાર્તાઓ વર્ણવી છે તે રસપૂર્ણ અને રોમાંચક છે. આ મસ્નવી કાવ્યનું તેમજ મલિક ખુશનૂદની અન્ય કાવ્યરચનાઓનું મહત્વ તેમની લાક્ષણિક ભાષાને લઈને સ્વીકારાયું છે. દક્ષિણ ભારતમાં લગભગ ચૌદમા સૈકામાં ઉર્દૂનું મંડાણ થયું અને ત્યારે તે ભાષા અપરિપક્વ હતી. ગદ્ય તથા પદ્ય બંનેમાં તેની શૈલી ઘડાઈ નહોતી. વળી તેમાં વિષયોની પસંદગી પણ મર્યાદિત હતી. સત્તરમા સૈકામાં મલિક ખુશનૂદે ઉર્દૂની એ પ્રાચીન પરંપરાને નિખારવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. એક વખતના આ ગુલામ કવિએ ભાષાનું સ્તર ઊંચે લઈ જઈને વિવિધ પ્રકારના વિષયો આલેખવાની પોતાની ક્ષમતાનાં દર્શન કરાવ્યાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી