મલિક કુમ્મી

January, 2002

મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી. ઝમીર ઇસ્ફહાની તથા મુહતશીમ કાશાની જેવા પ્રસિદ્ધ અને બુઝર્ગ કવિઓએ પણ તેમની કવિત્વશક્તિ અને કાવ્યોની પ્રશંસા કરી છે.

ઈ. સ. 1577ની આસપાસ તેઓ હિંદ આવીને અહમદનગરમાં નિઝામશાહી દરબારમાં આવ્યા અને ત્યાં એક નામાંકિત કવિ તરીકે પ્રસિદ્ધિ મેળવી. જોકે પછી દરબારના કેટલાક ઈર્ષ્યાળુ કવિઓની ખટપટને કારણે તેમને રાજ્યાશ્રય ગુમાવવો પડ્યો હતો. 10 વર્ષથી પણ વધુ સમય તે દક્ષિણમાં રહ્યા. બીજાપુરમાં તેમની કવિત્વશક્તિની વિશેષ કદર થઈ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના રાજ્યઅમલ દરમિયાન તેમને રાજકવિનો દરજ્જો અપાયો. 90 વર્ષ જેટલા લાંબા આયુષ્ય દરમિયાન અનેક સાહિત્યિક રચનાઓનો વારસો તે મૂકી ગયા છે. તેમની ઇચ્છા પ્રમાણે બીજાપુરમાં શાપુર સરોવરને કિનારે સંજરની કબર પાસે તેમને દફનાવવામાં આવ્યા હતા.

મલિક કુમ્મીએ કેટલીક સાહિત્યિક રચનાઓ સ્વતંત્રપણે અને કેટલીક ઝહૂરીની સાથે મળીને સંયુક્ત રીતે કરી છે. મુખ્યત્વે તેમની કાવ્યરચનાઓમાં ગઝલો અને કસીદા પર આધારિત એક કુલ્લિયાત છે તથા હકીમ સનાઈની હદીકાના અનુકરણમાં રચાયેલ એક સૂફીવાદી મસ્નવી પણ પ્રસિદ્ધ છે. ઉપરાંત તરજીઅબંદ અને તરકીબબંદ પર આધારિત કેટલાંક લાંબાં કાવ્યો પણ રચ્યાં છે. ‘અસરારે આ’ઇમા’ નામે ધાર્મિક અને તાત્વિક વિષય પર પણ તેમણે મસ્નવી લખી છે. ‘સાકીનામા’ ઉપરાંત નિઝામીની ‘મખઝ્નુલ અસરાર’ના અનુકરણમાં ‘મનબઉલ અન્હાર’ નામે મસ્નવીની રચના કરી છે.

આ મસ્નવીની રચનાથી સુલતાન આદિલશાહ (બીજા) એટલા પ્રભાવિત થઈ ગયા કે ઊંટ પર લદાય તેટલું સોનું મલિક કુમ્મીને ભેટ આપ્યું હતું એમ કહેવાય છે. ગદ્ય સાહિત્યમાં પણ મલિક કુમ્મીએ ઝહૂરીની સાથે મળીને કેટલીક કૃતિઓ રચી છે, જેમાં ‘ગુલશને ઇબ્રાહીમ’ અને ‘ખ્વાને ખલીલ’ જેવી રચનાઓનો સમાવેશ થાય છે.

ઈસ્માઈલ કરેડિયા